પરમાત્માએ ફક્ત મનુષ્યને જ બુદ્ધિ-શક્તિ આપી છે
મહાભારતના શાંતિપર્વમાં એક કથા આવે છે. જંગલમાં કુટીયા બનાવી એક મહાત્મા રહેતા હતા.એક વખત તે ધ્યાનમાં બેઠેલા હતા ત્યારે એક ઉંદર આવી તેમની ગોદમાં ભરાયો. ઉંદરની પાછળ બિલાડી પડી હતી. મહાત્માને દયા આવી તો તેમણે ઉંદરને કહ્યું કે તું મારી ગોદમાં છે એટલે તને કોઈ મારી નહિ શકે.
તું જે માંગીશ તે હું તને આપીશ. બોલ તારે શું થવું છે? તું કહે તે પ્રમાણે તને બનાવી દઉં. ઉંદરની બુદ્ધિ કેટલી? તેણે વિચાર્યું કે આ બિલાડી બહુ સુખ ભોગવે છે. હું બિલાડી બની જાઉં તો પછી તેની બીક રહે નહિ એટલે તેણે મહાત્માને કહ્યું મને બિલાડી બનાવી દો. મહાત્મા એ કહ્યું તથાસ્તુ..
એક દિવસ તે બિલાડીની પાછળ કૂતરો પડ્યો. બિલાડી રડતી રડતી મહાત્મા પાસે આવીને કહે છે કે મને ખાતરી થઇ કે બિલાડી થવામાં સુખ નથી તેથી તમે મને કૂતરો બનાવી દો. મહાત્માએ કહ્યું તથાસ્તુ.
થોડા દિવસ સુખ જેવું લાગ્યું પણ એક દિવસ જંગલમાં કુતરાની પાછળ વાઘ પડ્યો.કુતરાએ વિચાર્યું આના કરતા વાઘ થવું સારૂં એટલે ફરી રડતો રડતો મહાત્મા પાસે ગયો અને કહે છે કે મને વાઘ બનાવી દો. મહાત્મા એ કહ્યું તથાસ્તુ..
વાઘ થયા પછી તેની બુદ્ધિ બગડી ગઈ. હિંસા કરતાં કરતાં તેની હિંસક વૃત્તિ જાગૃત થઇ ગઈ તેથી તેને વિચાર્યું કે જો આ મહાત્મા કોઈ દિવસ નારાજ થશે તો પાછો મને ઉંદર બનાવી દેશે માટે ચાલ આજે તો મહારાજને જ પતાવી દઉં એટલે પછી હું કાયમનો વાઘ રહી શકીશ.
મહાત્મા કહે અચ્છા બેટા.. તું મને ખાવા આવ્યો છે? તું ઉંદર હતો એ જ સારૂં હતું. મહાત્માએ તેને પાછો ઉંદર બનાવી દીધો.
જરા વિચાર કરો… આ ઉંદર-બિલાડીની કથા નથી.આ આપણી જ કથા છે.આ જીવ એક વખત ઉંદર હતો, એક વખત બિલાડી હતો,એક વખત કૂતરો કે પછી વાઘ હતો. માનવજીવન મળ્યા પછી તે ક્યારેક ક્યારેક વિવિધ પશુઓની જેવું જ વર્તન કરે છે. તે બતાવે છે કે તે એક વખત આવો પશુ હતો. આ જીવની પાછળ કાળ પડ્યો છે. કાળ જીવને વારંવાર કચડે છે,
અનેક યોનિઓમાં જીવ રખડતો રખડતો છેવટે તે પ્રભુની ગોદમાં જાય છે.પ્રભુ કૃપા કરી જીવને મનુષ્ય બનાવ્યો.પવિત્ર વિચાર કરવા મન-બુદ્ધિ આપ્યા છે કે જેથી તે કાળ અને કામ પર વિજય મેળવી શકે.પ્રભુએ વિચાર્યું કે તે કાળ પર વિજય મેળવી મારી શરણમાં આવશે પણ મા-નવ માનવ થયા પછી કુસંસ્કાર અને કુસંગથી એવો બગડે છે તે વાઘ બની જાય છે કે જેણે તેને બનાવ્યો તેને જ તે માનતો નથી અને કહે છે કે હું ઈશ્વરમાં માનતો નથી. ભગવાન તે વખતે વિચારે છે કે બેટા તું ક્યાં જઈશ? હું તને ફરીથી ઉંદર બનાવી દઈશ.
પરમાત્માએ ફક્ત મનુષ્યને જ બુદ્ધિ-શક્તિ આપી છે.પશુને પોતાના સ્વરૂપનું ભાન નથી.ત્રણ વર્ષ પછી તો તે ભૂલી જાય છે કે આ મારી મા છે કે આ મારો બાપ છે.જેને પોતાના સ્વરૂપનું ભાન નથી તે આત્મ સ્વરૂપને ક્યાંથી જાણી શકે? આ મનુષ્ય જન્મ તેની પાસે બુદ્ધિ હોવાથી જો તે ઈશ્વરને ઓળખવાનો, ઈશ્વરનો સાક્ષાત્કાર કરવાનો પ્રયત્ન ના કરે તો ચોરાશી લાખના ચક્કરમાં તે ફરે છે.
તે ફરી ફરી સંસારમાં રખડે છે.જન્મ-મરણનું દુઃખ ભોગવે છે અને આ દુઃખ છે ત્યાં સુધી તે જીવને શાંતિ પ્રાપ્ત થતી નથી. આલેખનઃ વિનોદભાઈ માછી નિરંકારી