સપ્તાહમાં ઘઉંના ભાવમાં રહી તેજી, ખેડૂતો થયા ખુશ
ભાવનગર, ભાવનગર જિલ્લામાં મોટાભાગના ખેડૂતોએ રવિ પાકમાં ઘઉંનું વાવેતર કર્યું છે અને ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ઘઉંના ભાવમાં પણ સતત વધારો થઇ રહ્યો છે. ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ઘઉંનો ભાવ ૪૭૭ રૂપિયાથી ૬૧૭ રૂપિયા સુધી બોલાયો છે.
માર્કેટિંગ યાર્ડના વેપારીએ જણાવ્યું કે, હાલ સમગ્ર ગુજરાતમાં ઘઉંની સીઝન ચાલી રહી છે અને મોટાભાગના લોકો હાલના સમયે એપ્રિલ મહિનામાં ઘઉંનો સંગ્રહ કરવા માટે ખરીદી કરતા હોય છે અને સાથે જ ખેડૂતોના ઘઉં પરિપક્વ થતા માર્કેટિંગ યાર્ડ ખાતે લાવી રહ્યા છે અને હાલ ઘઉંની માંગ વધારે હોવાને કારણે ઘઉંના ભાવમાં સતત વધારો થયો છે.
ભાવનગર માર્કેટિંગ યાર્ડના ઘઉંના ભાવ એક મણનાં ૪૭૭ રૂપિયાથી ૬૧૭ રૂપિયા સુધી બોલાયા હતાં. સાથે જ પાલીતાણા માર્કેટિંગ યાર્ડમાં ૩૯૨ થી ૫૮૬ રૂપિયા સુધી ભાવ બોલાવ્યો હતો. મહુવા માર્કેટિંગ યાર્ડમાં ૪૫૫ રૂપિયાથી ૬૬૨ રૂપિયા સુધી ભાવ બોલાવ્યો હતો અને બરવાળા માર્કેટિંગ યાર્ડમાં ૪૬૧ રૂપિયાથી ૪૯૬ રૂપિયા સુધી ઘઉંનો ભાવ બોલાવ્યો હતો.
સૌરાષ્ટ્ર અને ભાવનગર જિલ્લામાં મોટાભાગના વેપારીઓ ઘઉંનું એક્સપોર્ટ પણ કરે છે અને સાથે જ ઘઉંમાંથી લોટ તૈયાર કરી અને વેચાણ પણ કરે છે. હાલ ઘઉં પરિપક્વ થવા થવાને કારણે મોટાભાગના ડિલરો અને વેપારીઓ ઘઉંની ખરીદી અને નિકાસ કરતા હોય છે.SS1MS