અમદાવાદ જિલ્લાની શાળાઓના વિદ્યાર્થીઓના 1 લાખથી વધુ મહિલા વાલીઓએ લીધો અચૂક મતદાનનો સંકલ્પ
જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, અમદાવાદ ગ્રામ્ય દ્વારા જિલ્લામાં સિગ્નેચર કેમ્પેઈન, મતદાન સંકલ્પ, પ્રભાત ફેરી, સામૂહિક શપથ, બાઈક રેલી સહિતના કાર્યક્રમો દ્વારા મતદાન જાગૃતિ ફેલાવવાનું આયોજન
દેશમાં લોકસભા સામાન્ય ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. ગુજરાત સહિત દેશમાં આદર્શ આચારસંહિતાના અમલીકરણ સાથે સ્વીપ (SVEEP) પ્રવૃત્તિઓ અંતર્ગત મતદાન જાગૃતિ માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, અમદાવાદ (ગ્રામ્ય) દ્વારા અમદાવાદ જિલ્લાના વિવિધ તાલુકાઓના ગામોમાં ગ્રામ્યજનો અને વિદ્યાર્થીઓને મતદાન અંગે જાગૃત કરીને લોકશાહીના પર્વમાં સહભાગી બનાવવા વધુને વધુ પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે.
જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, અમદાવાદ (ગ્રામ્ય) દ્વારા જિલ્લામાં મતદાન જાગૃતિ માટે સિગ્નેચર કેમ્પેઈન, મતદાન સંકલ્પ, પ્રભાત ફેરી, સામૂહિક શપથ, બાઈક રેલી સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમો અંતર્ગત જિલ્લાની તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓના 1,08,900 મહિલા વાલીઓ પાસે મતદાનનો સંકલ્પ લેવડાવાવામાં આવ્યો તેમજ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અને જિલ્લાની 600 શાળાઓમાં તારીખ 26થી 28 દરમિયાન સિગ્નેચર કેમ્પેઇનનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે જ, આગામી દિવસોમાં મતદાન જાગૃતિ માટે પ્રભાત ફેરી, મતદાન સંકલ્પ, સામૂહિક શપથ, બાઈક રેલી સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમોનો ઉદ્દેશ અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં યુવા મતદારો અને ગ્રામ્યજનોને મતદાનનું મહત્ત્વ સમજાવવાનો અને મતદાન જાગૃતિ ફેલાવીને વધુમાં વધુ મતદાન થાય તે માટે પ્રયત્ન કરવાનો છે.