નર્મદા કલા મહાકુંભ-૨૦૧૯ અંતર્ગત તા. ૨ જી ડિસેમ્બરથી ૩૧ મી સુધી રજીસ્ટ્રેશન કરી શકાશે
રાજપીપળા : નિવાસી અધિક કલેક્ટરશ્રી એચ.કે.વ્યાસના અધ્યક્ષપદે ગઇકાલે સાંજે નર્મદા જિલ્લામાં કલામહાકુંભ-૨૦૧૯ ના આયોજન સંદર્ભે રાજપીપલા કલેક્ટરાલય ખાતે બેઠક યોજાઇ હતી. બેઠકમાં જેમાં ચર્ચા થયા મુજબ રાજ્ય સરકારના કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર તથા જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, નર્મદા દ્વારા પ્રતિ વર્ષની જેમ આ વર્ષ પણ કલા મહાકુંભનું આયોજન કરવામાં આવી રહયું છે. જિલ્લાના કલાકાર ભાઇઓ-બહેનો સાંસ્કૃતિક ધરોહરના સાચા પ્રહરીઓ હોવાથી કલાત્મક વાતાવરણનું નિર્માણ થાય અને પ્રતિભાશાળી કલાકારોને આગળ આવવાની તક મળે તથા તેમનામાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવે તે અભિગમથી રાજ્ય સરકાર દ્વારા કલામહાકુંભ-૨૦૧૯નું આયોજન હાથ ધરાયું છે.
આ કલામહાકુંભમાં ૬ થી ૧૪ વર્ષ સુધી, ૧૫ થી ૨૦ વર્ષ સુધી, ૨૧ થી ૫૯ વર્ષ સુધી અને ૬૦ વર્ષથી ઉપર (સિનિયર સિટીઝન કલાકારો માટે તાલુકાકક્ષાએથી શરૂ કરી રાજ્યકક્ષાની સ્પર્ધાનું આયોજન કરવાનું નક્કી કરેલ છે. કલાકારોનું રજીસ્ટ્રેશન તા.૦૨/૧૨/૨૦૧૯ થી શરૂ કરાયું છે અને તા.૩૧/૧૨/૨૦૧૯ સુધી ઓફલાઇન અથવા ઓનલાઇન વેબસાઇટ:- http://www.kalamahakumbhgujarat.com પરથી રજીસ્ટ્રેશન કરી શકાશે. તેમજ આ કલામહાકુંભમાં જિલ્લાના લોકો વધુમાં વધુ લાભ લે તે તેવા પ્રયાસો માટે અમલીકરણ અધિકારીઓનેશ્રી વ્યાસે ખાસ અનુરોધ કર્યો છે.
વિસરાતી પરંપરા ઉજાગર થાય તે માટે રાજ્ય સરકારે કલામહાકુંભમાં ભવાઇ ફટાણા સહિતની કૃતિનો સમાવેશ કર્યો છે. કલામહાકુંભમાં ૬૦ વર્ષથી ઉપરના સિનિયર સિટીઝન પણ ભાગ લઇ શકશે. ઝોન અને જિલ્લાકક્ષાએ વિવિધ ૩૭ સ્પર્ધાઓમાં ગાયન વિભાગમાં સુગમ સંગીત, ગીત, શાસ્ત્રીય કંઠ્ય સંગીત, સમુહગીત, સમુહ લગ્નગીત અને ફટાણા, નૃત્ય વિભાગમાં ગરબા, ભરત નાટ્યમ, રાસ, કથ્થક, લોકનૃત્ય, સમુહ નૃત્ય, ઓડીસી, મણિપુરી અને કુચીપુડી, વાદન વિભાગમાં વાંસળી, તબલા, હાર્મોનિયમ, ઓરગન, પખાવજ, સિતાર, ગીટાર, વાયોલીન, સ્કુલબેન્ડ, મૃગદમ, સારંગી, સરોદ અને જોડીયાપાવા જ્યારે અભિનય વિભાગમાં એકપાત્રીય અભિનય, ભવાઇ, રાવણહથ્થો વગેરે જેવી સ્પર્ધાઓ યોજવામાં આવશે.
આ બેઠમાં રમત ગમતના સિનીયર કોચશ્રી વિષ્ણુભાઇ વસાવા, પ્રાંત યુવા વિકાસ અધિકારીશ્રી દિલીપભાઇ દેસાઇ, જિલ્લા સ્વામી યુવા વિકાસ મંડળના કો-ઓર્ડીનેરટરશ્રી સંજ્યભાઇ તડવી સહિત સબંધિત વિભાગના અમલીકરણ અધિકારીશ્રીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.