રેલવેમાં મોટો બદલાવઃ તમામ વિભાગો મર્જ કરાશે
નવી દિલ્હી, રેલવેના અલગ અલગ વિભાગોમાં સતત થઇ રહેલા વિવાદને દૂર કરવા માટે રેલવે મંત્રાલયે નિર્ણય કર્યો છે કે તમામ વિભાગોને મર્જ કરી દેવામાં આવશે. જોકે તેમાં હેલ્થ અને સર્વિસ વિભાગ મર્જ કરાશે નહીં. રેલવે બજેટને યુનિયન બજેટમાં સામેલ કર્યા બાદ રેલવે મંત્રાલય અત્યાર સુધીમાં આઝાદી બાદ સૌથી મોટો બદલાવ કરવા જઇ રહ્યું છે. રેલવેના તંત્રમાં મોટા પાયે સુધારા કરવામાં આવશે. એટલું જ નહીં રેલવે સર્વિસ કેડરમાં પણ મોટા પાયે ફેરફાર કરવામાં આવશે. રેલવે સર્વિસમાં હવે માત્ર એક જ કેડર રહેશે.
જયારે અત્યારે રેલવેમાં કુલ આઠ કેડર છે જેમાં મિકેનિકલ એન્જિનિયરિંગ, ઇલેકિટ્રકલ એન્જિનિયરિંગ, સ્ટોર્સ, પર્સોનલ, ટ્રાફિક, સિવિલ એન્જિનિયરિંગ જેવાં કેડર સામેલ છે. રેલવે મંત્રાલયે આ સંદર્ભમાં મંજૂરી અર્થે એજ પ્રસ્તાવ કેન્દ્રીય કેબિનેટને મોકલી આપ્યો છે. આ પ્રસ્તાવમાં જણાવાયું છે કે માત્ર મેડિકલ અને રેલવે પ્રોટેકશન ફોર્સ એટલે કે આરપીએફ વિભાગને સ્વતંત્ર રાખવામાં આવે. રેલવે બોર્ડની સંખ્યા પણ હાલ આઠ છે તે ઘટાડીને પાંચ બોર્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે ટ્રાફિક, રોલિંગ, સ્ટોક, ટ્રેકશન અને એન્જિનિયરિંગને હટાવીને ઓપરેશન, બિઝનેસ ડેવલપમેન્ટ, હ્યુમન રિસોર્સ, ઇન્ફ્રાસ્ટ્રકચર અને ફાઇનાન્સ બોર્ડ જ રહેશે. જોકે ચેરમેન રેલવે બોર્ડનું પદ યથાવત રહેશે. પરંતુ તેમાં સિવિલ સર્વિસ કે માર્કેટ સાથે સંકળાયેલ કોઇ એકસપર્ટની નિમણુંક કરવામાં આવી શકે છે.