ઇયરફોન ભરાવીને સ્કૂલવાન ચલાવનાર ડ્રાઇવરને ૧૦ વર્ષની સજા
લખનૌ, ઉત્તર પ્રદેશના ભદોહીની એક કોર્ટે સ્કૂલવાનચાલકને ૧૦ વર્ષની સજા ફટકારી છે.અહેવાલ પ્રમાણે અંદાજે સાડા ત્રણ વર્ષ પહેલાં એક માનવરહિત ક્રાસિંગ પર ટ્રેન અને સ્કૂલવાન વચ્ચેના અકસ્માતમાં આઠ બાળકોનાં મોત થયાં હતાં. આ મામલે ઉત્તર પ્રદેશના ભદોહીની કોર્ટે દોષી ઠરેલા ચાલકને શનિવારે ૧૦ વર્ષની સજા કરી છે ફરિયાદી પક્ષના અનુસાર ઘોસિયાસ્થિત ટેન્ડર હાર્ટ સ્કૂલની વાન ૨૫ જુલાઈ, ૨૦૧૬માં બાળકોને લઈને સ્કૂલ જઈ રહી હતી. દરમિયાન ઔરાઈના કૈયરમઉ સ્થિત રેલવે ક્રાસિંગ પર અલાહાબાદ-વારાણસી પેસેન્જર સાથે ટકરાઈ હતી. દુર્ઘટના સમયે વાનચાલક રાશિદ ખાન ઇયરફોન ભરાવીને ગીત સાંભળતો હતો અને ટ્રેન આવતાં તે ગાડીમાંથી કૂદીને ભાગી ગયો હતો. આ મામલે પોલીસે ફરિયાદ નોંધીને ડ્રાઇવર રાશિદની ધરપકડ કરી હતી.બંને પક્ષને સાંભળ્યા બાદ કોર્ટે રાશિદને દોષી ઠેરવીને ૧૦ વર્ષની કેદ અને એક લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.