ખેતરમાં એક એક ફૂટના મરચાં ઉગાડીને ચોંકાવી દીધા ડીસાના આ ખેડૂતે
ડીસા, બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ખેડૂતો અવનવી ખેતી કરી ખેતીમાં કાઠું કાઢી રહ્યા છે. ત્યારે ડીસાના રાણપુર ગામના ગુણવંતભાઈ પઢિયાર છેલ્લા સાત વર્ષથી આંતર પાકમાં મરચા અને શક્કરટેટીની ખેતી કરી વર્ષે લાખ રૂપિયાની આવક મેળવી રહ્યા છે.
હાલ ખેડૂત ગુણવંતભાઈ પઢિયાર અન્ય ખેડૂતો માટે પ્રેરણા રૂપ સાબિત થઈ રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના રાણપુર ગામ ખાતે રહેતા ૩૯ વર્ષીય ગુણવંતભાઈ કપૂરજી પઢિયાર પોતાની ૮ વીઘા જમીનમાં ખેતીની સાથે-સાથે આંતરપાક ખેતી કરીને સારી આવક મેળવી રહ્યા છે.
અગાઉ તેઓ સીઝન આધારિત ખેતી કરતા હતા. સીઝન આધારીત ખેતીમાં સારી ઉપજ ન મળતા તેમને આંતર પાકની ખેતી કરવાની શરૂઆત કરી હતી. આંતર પાક તરીકે તેઓ મરચાં અને શક્કર ટેટીની ખેતી કરી સારી આવક મેળવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, તેઓએ માત્ર ધોરણ ૧૦ સુધી અભ્યાસ કરેલું છે. ખેડૂત ગુણવંતભાઈ પઢીયારે ગત વર્ષની જેમ આ વર્ષે પણ ૫ વીઘા જમીનમાં ૬૦ હજારના ખર્ચે આંતર પાકમાં મરચાં અને શક્કરટેટીનું વાવેતર કર્યું છે.
ઉલ્લેખનીય છે કે, હાલ મરચાનું ઉત્પાદન પણ શરૂ થઈ ગયું છે. માત્ર ૪૦ દિવસમાં જ ડીસાના બજારમાં મરચાં ૫૦ રૂપિયા કિલોના ભાવે વેચાઈ રહ્યા છે.જેના થકી તેઓ અત્યાર સુધીમાં ૧૫ હજાર રૂપિયાની આવક પણ મેળવી ચૂક્યા છે. મરચાની ખેતી આગામી ૭ મહિના સુધી ઉત્પાદન આપશે.જેના થકી વર્ષે લગભગ ૧૨થી ૧૫ લાખ રૂપિયાની આવક મેળવશે.SS1MS