વિફરેલા આખલાએ ભાજપના કાર્યકરોની ગાડીઓને નિશાન બનાવી
આખલાએ ભાજપ કાર્યકરોની ગાડીઓને નિશાન બનાવી
(એજન્સી)ધાનેરા, લોકસભાની ચૂંટણીમાં રાજકીય પાર્ટીઓના નેતાઓ એકબીજા સામે યુદ્ધે ચઢ્યા છે ત્યારે બનાસકાંઠામાં એક અનોખો બનાવ સામે આવ્યો છે. બનાસકાંઠાના ધાનેરામાં વિફરેલા એક આખલાએ ભાજપના કાર્યકરોની ગાડીઓને નિશાન બનાવી છે.
માન્યામાં નહીં આવે પરંતુ ધાનેરાની ક્રિષ્ના સોસાયટીમાં ભાજપના કાર્યકરોની મીટિંગ હતી. અને આ મીટિંગમાં આવેલા ભાજપના કાર્યકરોની ગાડીઓનો વિફરેલા આખલાએ ખુડદો બોલાવી દીધો છે. ધાનેરાની ક્રિષ્ના સોસાયટીમાં ભાજપના કાર્યકરોની મીટિંગ હતી એ દરમિયાન વિફરેલો આખલો આવી ચડ્યો અને પાર્ક કરેલી એક બ્રેઝા ગાડી, એક ડિઝાયર અને એક અલ્ટો ગાડી પર હુમલો કર્યો.
અત્યાર સુધી તો રખડતાં ઢોર માણસોને નિશાન બનાવતાં હતાં પરંતુ લોકસભાની ચૂંટણીની લડાઈ ચાલી રહી છે તેની વચ્ચે વિફરેલા આખલાએ ભાજપ કાર્યકરોની ગાડીઓને નિશાન બનાવતાં લોકો સ્તબ્ધ બની ગયા છે. ધુંવાપુંવા થયેલો એક આખલો અચાનક આવે છે અને મીટિંગમાં આવેલા ભાજપના કાર્યકરોની પાર્ક કરેલી ગાડીઓ પર હુમલો કરી દે છે. જેનાં દ્રશ્યો મોબાઈલના કેમેરામાં કેદ થઈ ગયાં છે. આખલાએ એક ગાડીને તો એટલું નુકસાન પહોંચાડ્યું છે કે સીધી જ ભંગારમાં વેચવા કાઢવી પડે એવી સ્થિતિ કરી નાખી છે.