મંદિરો અને દુકાનોને ટાર્ગેટ કરી ચોરી કરનાર ૩ ઝડપાયા
(એજન્સી)જૂનાગઢ, જૂનાગઢમાં રાત્રિ દરમ્યાન થયેલ મંદિરો અને દુકાનોને ટાર્ગેટ કરી ચોરી કરનાર ૩ શખ્સોને ૧ લાખ ૨૫ હજારની રોકડ અને મુદામાલ સાથે ક્રાઇમ બ્રાન્ચે દબોચી લીધા છે. જૂનાગઢ તેમજ આસપાસના વિસ્તારોમાં રેકી કરી રાત્રીના સમયે મંદિરો અને દુકાનોને ટ્રાગેટ કરી ચોરી કરતી ગેંગના ૩ શખ્સોને જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે રોકડ રકમ અને અન્ય મુદામાલ સાથે ઝડપી લીધા હતા.
જુનાગઢ શહેર અને જીલ્લા વિસ્તારમાં ઘરફોડ અને મંદિર ચોરીઓના બનાવ બનતા ક્રાઇમ બ્રાન્ચની ટીમે બનાવ સ્થળની વિજીટ કરી ટેકનીકલ સોર્સ અને ખાનગી બાતમીદારો મારફતે તપાસ હાથ ધરતા ચોક્ક્સ હકિકત મળેલ કે, ત્રણ શખ્સો શંકાસ્પદ હાલતમાં હિરો સ્પલેન્ડર મોટર સાયકલ ઉપર જુનાગઢના જોષીપરા,અને શાંતેશ્વર મંદિર નજીક આંટા-ફેરા કરે છે અને રાત્રીના ચોરીના કોઇ મોટા બનાવને અંજામ આપવા રહેણાંક મકાન વિસ્તાર અને મંદિરોની રેકી કરતા હોવાનું જણાયું હતું.
તપાસ કરતા ત્રણ શખ્સો મોટર સાયકલ સાથે પકડી પાડી તેમની પાસે થેલો મળી આવેલો હતો. જેમાં ભારતીય દરની ચલણી નોટો અને અંગજડતીમાંથી રોકડા રૂપિયા મળી આવ્યા હતા, જે રોકડા રૂપિયા બાબતે ત્રણેયની પુછપરછ કરતા ગલ્લા-તલ્લા કરવા લાગતા ત્રણેય આરોપીઓએ આગવી ઢબે પુછપરછ કરતા રાત્રીના જૂનાગઢના માંગનાથ રોડની દુકાનમાંથી તેમજ ખલીલપુર રોડ ઉપર આવેલ
સિધ્ધેશ્વર મહાદેવના મંદિરમાં અને બસ સ્ટેન્ડ પાસેની દુકાનમાં ચોરી કર્યાની કબૂલાત આપતા ત્રણેય શખ્સોને આગળની કાર્યવાહી માટે બી ડીવીઝન પોલીસ મથકને સોંપવામાં આવેલ હતા. જૂનાગઢ પોલીસે હિતેશ અશોક, ગોરડ શ્યામ, જસા ઉસડીયા અને પ્રકાશ સવજી ભૂતિયાને ઝડપી લઈ ત્રિપુટી ચોરને ઝડપી લીધા હતા. આ ત્રણેય શખ્સો મોજશોખ માટે ચોરીને અંજામ આપતા હતા.