પેટલાદની ઐતિહાસિક વાવને હેરિટેજ જાહેર કરવા માંગ
પુરાતત્વ વિભાગની મુલાકાતઃ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા વિકાસ માટે રજૂઆત
(તસ્વીરઃ દેવાંગી ઠાકર) (પ્રતિનિધિ) પેટલાદ, આણંદ જીલ્લાનું પેટલાદ ઐતિહાસિક નગર છે. અહિયાં પૌરાણિક મંદિરો, વાવો, તળાવો આવૂલ છે. જે પૈકી નગરની ત્રણ ઐતિહાસિક વાવોને હેરિટેજ તરીકે જાહેર કરવા માંગણી કરવામાં આવી છે. નગરની આ ત્રણ વાવોનો વિકાસ કરવા સરકારમાં પણ રજૂઆત થઈ છે.
પેટલાદ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આ ત્રણેય વાવોને હેરિટેજ તરીકે જાહેર કરી પર્યટન સ્થળ તરીકે વિકસાવવા માંગ કરવામાં આવી છે. જેના ભાગરૂપે ગતરોજ રાજ્યના પુરાતત્વ વિભાગના અધિકારીઓએ વાવોની મુલાકાત લીધી હતી.
ઈ.સ. પૂર્વે ગુજરાતમાં પ્રહ્લાદપુર તરીકે પ્રસિદ્ધ નગર હતું. આ નગરની સ્થાપના સંવત ૫૧૨માં પોષ સુદ ૩ને તા.૭ જાન્યુઆરી ઈ.સ. ૪૫૬માં થઈ હતી. વર્ષો બાદ આ નગર આજે પેટલાદ તરીકે ઓળખાય છે. આમ ૧૫૬૮ વર્ષનો ભવ્ય ઈતિહાસ ધરાવતા પેટલાદમાં અનેક ઐતિહાસિક સ્થળો આવેલ છે. આ નગરના વંશજોએ સોલંકી, મોગલ, અંગ્રેજ યુગ ઉપરાંત ગાયકવાડ રાજ જોયા છે. એક સમયે રાજ્યનો જીલ્લો ગણાતા પેટલાદના તાબે ૨૭૬ જેટલા ગામો હતા.
આજે જીલ્લામાં માત્ર તાલુકા મથક સાથે ૫૬ જેટલા ગામો આવે છે. ઐતિહાસિક વારસાની વાત કરીએ ઈ.સ.૪૫૬થી ૧૨૪૪ સુધીના ૮૪૧ વર્ષ દરમ્યાન સોલંકી યુગમાં બળિયાદેવ મંદિરમાં બ્રહ્માજીની મૂર્તિ, લક્ષમીનારાયણ મંદિર, આનંદા – ચામુંડા માતાનું મંદિર આજે પણ જોવા મળે છે.
ત્યારપછી મોગલ યુગ દરમ્યાન નાગરકુવામાં રઘુનાથજી મંદિર, ચેતનગર મઢી, પાર્વતીજીનું મંદિર વગેરે બન્યા હતા. આ ઐતિહાસિક નગરમાં ૧૬મા સૈકા દરમ્યાન કિશોર પારેખની વાવ અને તેના બે પાળીયા આજે પણ ઐતિહાસિક વારસો ધરાવે છે. ૧૭મા સૈકા વખતે ગાયકવાડી સ્ટેટ અસ્તિત્વમાં આવ્યું હતું. આ મરાઠા યુગ દરમ્યાન પૌરાણિક રામનાથ મંદિર, કુંડ, શિકોતર માતાની વાવ જેવા ધાર્મિક સ્થળો બન્યા હતા.
આ સમયે તો પેટલાદ મહેસુલ ઉઘરાવવામાં રાજ્યના બીજા ક્રમાંકે ગણાતું હતું. આવી ઐતિહાસિક વિરાસત ધરાવતા નગરમાં ૧૮મા સૈકા દરમ્યાન પાંજરાપોળ, કાળકા માતાનું મંદિર, કુંડ, ભૈરવનાથ અને હનુમાનજી મંદિર વગેરે ધાર્મિક સ્થળો નિર્માણ પામ્યા હતા. ઉપરાંત નગરમાં ખોડીયાર માતાની વાવ, નાગરકુવા સામે કન્યા શાળા, કોર્ટ કેમ્પસ, કિલ્લે બંધ પોલીસ લાઈન જેવી અનેક ઐતિહાસિક ઈમારતો પેટલાદમાં આવેલ હતી.
વેપાર રોજગારની વાત કરીએ તો ત્રણ મીલો, હાથવાળો, રંગાટી કામના કારખાના, એસિડ ફેક્ટરી, દારૂખાનું, સુતરાઉ કાપડ, પેન્સિલ ફેક્ટરી વગેરે અનેક ઉદ્યોગો ધમધમતા હતા. સમય જતાં ખાંડનું કારખાનું, સહકારી બેંકો, મંડળીઓ, સંસ્કૃત પાઠશાળાઓ, શૈક્ષણિક શાળાઓ, કોલેજો, પુસ્તકાલયો વગેરે પણ છેલ્લા સો વર્ષ દરમ્યાન અસ્તિત્વમાં આવ્યા હતા. આવા ઐતિહાસિક વારસો અને જાહોજલાલી ધરાવતા પેટલાદને છેલ્લા ૫૦ વર્ષમાં તમામ ક્ષેત્રે પીછેહઠ થઈ છે.
પેટલાદમાં ઐતિહાસિક વારસા અંગે જોઈએ તો મંદિરો, વાવો, તળાવોની દયનીય સ્થિતી જોવા મળે છે. ઐતિહાસિક ઈમારતો સંદર્ભે કન્યાશાળા, પોલીસ લાઇનનો કિલ્લો, કોર્ટ કેમ્પસની સરકારી ઓફીસો વગેરે તોડી પાડ્યા છે અથવા જર્જરીત હાલતમાં જોવા મળે છે. અહિયાના ઐતિહાસિક વારસાની જાળવણી અંગે તમામ નેતાગીરી સદંતર નિષ્ફળ ગયેલ છે.
છેલ્લા ૫૦ વર્ષ દરમ્યાન રાજકીય નેતાઓની ઘોર ઉપેક્ષાઓના કારણે વેપાર, રોજગાર, શિક્ષણ, સહકાર ક્ષેત્રે તો ભારે ઓટ આવી છે. આવા કપરા સમયમાંથી પસાર થઈ રહેલ પેટલાદની ચિંતા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કરવામાં આવી રહી છે. છેલ્લા બે વર્ષથી પુનઃ સક્રિય થનાર ચેમ્બરના હોદ્દેદારો દ્વારા ઐતિહાસિક વારસાની જાળવણી તથા પુનઃ સ્થાપન માટે સંઘર્ષ શરૂ કર્યો છે. ચેમ્બર દ્વારા મંદિરો, તળાવો, વાવોના વિકાસ માટે સ્થાનિક ધારાસભ્ય સહિત સરકારમાં પણ લેખિત રજૂઆતો કરવામાં આવી હતી.
ઉપરાંત ઐતિહાસિક વાવના રેસ્ટોરેશન માટે ગુજરાતની સેન્ટર ફોર હેરિટેજ કોંઝર્વેશન, સેપ્ટ રિસર્ચ એન્ડ હેરિટેજ ફોઉન્ડેશન દ્વારા સર્વે કરાવવામાં આવ્યો હતો. જેનો રિપોર્ટ આવતાં ચેમ્બર દ્વારા સરકારમાં રજુઆત કરી હતી. જે સંદર્ભમાં આણંદ જીલ્લા કલેક્ટર દ્વારા પેટલાદ પ્રાંત કચેરીને વિગતે રિપોર્ટ કરવા હુકમ થયો હતો. બીજી તરફ પેટલાદ ચેમ્બર દ્વારા સીએસઆર ફંડ દ્વારા આ સ્થળોનો વિકાસ શક્ય બને તે માટે પ્રયત્ન ચાલુ કર્યા હોવાનું ચેમ્બરના સેક્રેટરી જીગર જાનીએ જણાવ્યું હતું.
વધુ માહિતી આપતા તેઓએ કહ્યું હતું કે ભારતીય અને રાજ્ય પુરાતત્વ વિભાગનો પણ સંપર્ક કરવામાં આવ્યો હતો. જેના ભાગ રૂપે ગઈ કાલે રાજ્ય પુરાતત્વ વિભાગની ટીમે પેટલાદના ઐતિહાસિક સ્થાપત્યોના સર્વે માટે આવી હતી. આ સ્થળોને હેરિટેજ તરીકે જાહેર કરવા પેટલાદ મેમ્બરે વિનંતી કરી છે. જેથી આ ઐતિહાસિક સ્થાપત્યો તેમજ જળ સ્તોત્રોની જાળવણી અને સંવર્ધન થઇ શકે.