રાજકોટના કુવાડવા પાસે માથામાં ધોકો ફટકારીને યુવકની ક્રૂર હત્યા
રાજકોટ, રાજકોટ-અમદાવાદ હાઈવે પર આવેલા કુવાડવા ગામ પાસે એક હોટેલ પાસેથી યુવકની લાશ મળતા ચકચાર મચી ગઈ હતી. આ યુવકની માથાના ભાગે બોથડ પદાર્થના ઘા ઝીંકી હત્યા કરાયાનું સામે આવ્યું હતું. મુળ મધ્યપ્રદેશનો યુવાન મઘરવાડામાં વાડીમાં મજૂરી કરતો હતો અને સેન્ટીંગ કામ પણ કરતો હતો.
બે દિવસ અગાઉ વાડીએથી નીકળી ગયા બાદ આજે લાશ મળી આવી હતી. આ મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. આ બનાવ અંગે મળતી માહિતી મુજબ, કુવાડવા ગામ પાસે વાંકાનેર ચોકડી નજીકની માધવ હોટેલ પાસે રોડ સાઇડમાં એક અજાણ્યા શખ્સની લાશ પડી હોવાની જાણ સરપંચ દ્વારા પોલીસને કરવામાં આવી હતી.
આ માહિતી મળતાં જ કુવાડવા રોડ પોલીસ સ્ટાફે ઘટના સ્થળે દોડી ગયો હતો અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસે ઘટના સ્થળે જોતાં એક રેકડી પાસે યુવાનની લાશ પડેલી જોવા મળી હતી. નજીકમાં એક ધોકો પણ હતો. આ યુવાન કદાચ રેકડીમાં સુતો હશે ત્યારે કોઇએ ઝઘડો કરીને કે પછી ઉંઘમાં જ તેને ઢાળી દીધાની શક્યતા જણાઇ હતી.
પોલીસે ઓળખ મેળવવા તપાસ કરતાં મૃતક યુવાનનું નામ પાકીયાભાઇ ઉર્ફ વિનોદભાઇ પાડવીભાઇ ગેદરીયા (ઉ.૩૬) હોવાનું અને તે મુળ મધ્યપ્રદેશની બોર્ડર પર આવેલા વાટા ગામનો વતની હોવાનું ખુલ્યું હતું.
વધુ તપાસ થતાં હાલમાં આ યુવાન કુવાડવાના મઘરવાડા ગામે નથુભાઇની વાડીએ મજૂરી કરવો હતો. તે ખેત મજૂરી કરવા ઉપરાંત પચ્ચીસેક દિવસથી સેન્ટીંગ કામ પણ કરતો હતો, તેમજ ભંગારની ફેરી પણ કરી લેતો હતો. બે દિવસ અગાઉ તે વાડીએથી નીકળ્યા બાદ આજે તેની લાશ મળી હતી. તેને સંતાનમાં એક પુત્ર તથા બે પુત્રી છે. તેની પત્નિ અને સંતાનો વતન એમપીમાં રહે છે.
પોલીસે આ હત્યા કેસનો ભેદ ઉકેલવા દોડધામ શરૂ કરી છે. જો કે ઘટના સ્થળે આસપાસ સીસીટીવી કેમેરા ન હોઇ પોલીસની મથામણ વધી ગઇ હતી.SS1MS