પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ માટે કરેલ ટિપ્પણીનો વિવાદ વકર્યો
મોદી તુજ સે વેર નહિ રૂપાલા તેરી ખેર નહિ ના નારા સાથે ભરૂચ ક્ષત્રિય સમાજે કલેકટર કચેરી ગજવી
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) (પ્રતિનિધિ) ભરૂચ, કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ પર કરેલી ટિપ્પણીને લઈને વિવાદ વધુને વધુ ઘેરો બન્યો છે.પુરુષોત્તમ રૂપાલાએ બે હાથ જોડીને માફી માગી હોવા છતાંય આ મામલો થાળે પડયો નથી અને વિરોધ વધતો જાય છે.જેથી લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતનું રાજકારણ ગરમાયું છે.
પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ ઉપર કરેલ ટિપ્પણીને લઈ સમગ્ર ક્ષત્રિય સમાજમાં આક્રોશ ઉભો થયો છે.જેના પડઘા ભરૂચમાં પડતા ક્ષત્રિય સમાજ દ્વારા ભરૂચ કલેકટર કચેરીમાં એકત્ર થઈ મોદી તુજ સે વેર નહિ રૂપાલા તેરી ખેર નહિ ના નારા સાથે કલેકટર કચેરી ગજવી મૂકી પુરષોત્તમ રૂપાલાની ટિકિટ નહિ તેને જ આખે આખે કાપો ના આક્રોશ વચ્ચે કલેકટર ને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું.
રાજકોટ લોકસભા મત વિસ્તારના ભાવી ઉમેદવાર પુરસોત્તમ રૂપાલા દ્વારા રાજપૂત સમાજ તથા રાજા રજવાડા અને સમાજની માતા બહેન દીકરીઓ વિષે ગંભીર પ્રકારની ટિપ્પણીના વિરોધમાં સમાજના લોકોમાં રૂપાલા સામે આક્રોશ ફાટી નીકળ્યો છે અને રૂપાલાની માફી નહિ ચાલે તેની ઉમેદવારી રદ્દ કરવામાં આવે તેવી માંગ સાથે ભરૂચની રાજપૂત છાત્રાલય ખાતે સમાજના લોકો ઉપસ્થિત રહી રણનીતિ બનાવી ભરૂચ કલેકટર કચેરી ખાતે ક્ષત્રિય સમાજના લોકો એકત્ર થયા હતા
અને આક્રોશ સાથે મોદી તુજ સે વેર નહિ રૂપાલા તેરી ખેર નહિના નારા તેમજ પુરષોત્તમ રૂપાલાની ટિકિટ નહિ તેને જ આખે આખે કાપોના સૂત્રોચ્ચાર કરી કલેકટર કચેરીના પટાંગણમાં વિરોધ દર્શાવી આક્રોશ વ્યક્ત કર્યો હતો.
કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કર્યા બાદ ક્ષત્રિય સમાજના યુવાનોએ પુરષોત્તમ રૂપાલાના પૂતળાનું દહન કરવા માટે પૂતળું ગાડી માંથી કાઢતાની સાથે જ પોલીસે પૂતળા દહનને નિષ્ફળ બનાવવા માટે ગાડી માંથી પૂતળું બહાર નીકળે તે પહેલા જ પોલીસે પૂતળાને ખેંચી ભાગવાનો પ્રયાસ કર્યા ક્ષત્રિય સમાજના યુવાનો
અને પોલીસ વચ્ચે પકદાવનો ખેલ થતા આખરે રૂપાલાના પૂતળાના ચીથરે ચીથરા ઉડતા જોવા મળ્યા હતા અને પોલીસ અને ક્ષત્રિય સમાજના યુવાનો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા હતા અને પોલીસે પૂતળા દહનને નિષ્ફળ બનાવ્યું હતું.
વધુમાં તેઓએ જણાવ્યું હતું ક પ્રધાનમંત્રીએ ૨૦૧૪ માં રાજપૂત સમાજને કોણી એ ગોળ આપ્યો હતો જેમાં રજવાડાનું ભવ્ય મ્યુઝીયમ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે બનાવીશું અને તેના કારણે લોકોમાં રજવાડા વિષે નો ઈતિહાસ ની જાણકારી આપવામાં આવશે.પરંતુ ત્યાં હજુ જમીનનો કોઈ ટુકડો લીધો નથી માત્ર કાગળ ઉપર જ બોલે છે.