કાર્તિક આર્યનને ગેંગસ્ટર ફિલ્મ મળી વિશાલ ભારદ્વાજ ડિરેક્ટ કરશે
મુંબઈ, હિન્દી ફિલ્મોમાં કાર્તિક આર્યનની માંગ વધી રહી છે. હવે તેના હાથમાં વધુ એક મોટા ડિરેક્ટરનો પ્રોજેક્ટ આવી ગયો છે. આ પ્રોજેક્ટ વિશાલ ભારદ્વાજની નવી થ્રિલર ફિલ્મ છે.
તાજેતરમાં એવા અહેવાલ હતા કે કાર્તિક આર્યન અને વિશાલ ભારદ્વાજ પ્રથમવાર સાથે કામ કરશે. આ એક થ્રિલર ફિલ્મ હશે. રિપોટ્ર્સ અનુસાર, આ ફિલ્મ વિશાલ ભારદ્વાજની જૂની સ્ક્રિપ્ટનું નવું વર્ઝન હશે, જે તેઓ ઈરફાન ખાન અને દીપિકા પાદુકોણને લઈને બનાવવાની યોજના ધરાવતા હતા. હવે જ્યારે ઇરફાન ખાન આ દુનિયામાં રહ્યા નથી ત્યારે તેમણે સ્ક્રિપ્ટમાં ફેરફાર કરીને ફિલ્મ બનાવવાનું વિચાર્યું છે.
૨૦૧૮માં વિશાલ ભારદ્વાજે ‘સપના દીદી’ નામની ફિલ્મની જાહેરાત કરી હતી. તે હુસૈન ઝૈદીના પુસ્તક ‘માફિયા ક્વીન્સ ઓફ મુંબઈ’ પર આધારિત હતી. આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ અશરફ ખાનનું પાત્ર ભજવવાની હતી, જેને સપના દીદી તરીકે પણ ઓળખવામાં આવે છે.
સપના દીદીએ હુસૈન ઉસ્ત્રા સાથે મળીને ડોન દાઉદ ઈબ્રાહિમને ખતમ કરવાના શપથ લીધા હતા. ઈરફાન હુસૈન ઉસ્ત્રાની ભૂમિકા ભજવવાનો હતો, પરંતુ તેને કેન્સર થયું અને ફિલ્મ ઠપ થઈ ગઈ. ત્યારબાદ વિશાલે વિચાર્યું હતું કે ઇરફાન સ્વસ્થ થઈ જશે ત્યારે તે ફિલ્મનું નિર્માણ ફરી શરૂ કરશે, પરંતુ કમનસીબે ઇરફાનનું અવસાન થયું અને પ્રોજેક્ટ અટવાઈ ગયો.
એક અહેવાલ પ્રમાણે કાર્તિક અને વિશાલ સપના દીદીની સ્ટોરી પર કામ કરી રહ્યા છે. પરંતુ હવે આ વાર્તા હુસૈન ઉસ્ત્રાના દ્રષ્ટિકોણથી કહેવામાં આવશે. સ્ક્રિપ્ટ તૈયાર છે. ફિલ્મનું નામ અર્જુન ઉસ્ત્રા હોવાનું કહેવાય છે. મેકર્સ હવે મહિલા લીડની શોધમાં છે.
પિક્ચરનું મોટાભાગનું શૂટિંગ ગ્રીસ અને સ્પેનમાં કરવાની યોજના છે. તાજેતરમાં જ ફિલ્મના નિર્માતા સાજિદ નડિયાદવાલાએ ફિલ્મની શૂટિંગ પ્રક્રિયાને સરળ બનાવી શકાય તે માટે આ બંને દેશોના સરકારી અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી. આ વર્ષે દિવાળી સુધીમાં ફિલ્મ ફ્લોર પર જશે.SS1MS