“ગૌ આધારિત કૃષિ અને ગૌ ઉત્પાદનોનો મહિમા”
આપણી સંસ્કૃતિનો ઉદ્ભવ ગ્રામ્યજીવનથી થયો છે. આઝાદીના ૭૫ વર્ષો બાદ પણ આપણું અર્થતંત્ર કૃષિ આધારિત જ રહ્યું છે. ૬૦% જેટલા લોકો કૃષિ અને કૃષિ આધારિત વ્યવસાયમાં જોડાયેલા છે. ગામડું ભારતનું હૃદય છે. ખેડૂત ભારતનો આત્મા છે. આપણું સમગ્ર અર્થતંત્ર કૃષિ આધારિત છે. ખેતી અને ખેત પેદાશ સાથેના વ્યવસાય ભારતની કરોડરજજુ છે.
આ વ્યવસાય જેટલો મજબૂત એટલો દેશ મજબુત. એટલે જ તો ખેડૂત અને ગામડુ સમૃધ્ધ થશે તો તે રાષ્ટ્રને સમૃધ્ધ બનાવશે. સીમથી માંડીને સંસદ સુધીની મારી યાત્રામાં મે ગ્રામ્યજીવનને વીસરવા નથી દીધું. વરસાદની અનિમિયતતા, પાણીની ખેંચ, સાધનોનો અભાવ વગેરેથી પીડાતા કિસાનો કેમ સમૃધ્ધ થાય તેવા વિચાર અને વેદના સતત અનુભવતો રહ્યો છું.
કહેવાય છે કે ખેતી ખોટનો ધંધો છે. જો ખરેખર જ એવું હોત તો, “ઉત્તમ ખેતી, મધ્યમ વેપાર અને કનિષ્ઠ નોકરી” જેવી ઉક્તિ બની જ ન હોત ! માટે ખેતીને ઉત્તમ માની ખેતી અને ખેતી આધારિત ઉદ્યોગોથી માંડી પૂરેપૂરી ફોરવર્ડ-બેક્વર્ડ લીંકેજ સાથે વ્યવસાયમાં ઝંપલાવવાની આવશ્યકતા છે. જરૂર છે અભીગમ બદલવાની. માનસીકતા બદલવાની. “માઈન્ડ ચેઈન્જ” જેવો રૂપાળો રાબ્દ વપરાય તો પણ ખોટું નથી.
ખેતી એટલે રાત-દિવસ મજૂરી, હેરાનગતિ, મુશ્કેલી, કુદરત આધારિત વગેરે શબ્દ પ્રયોગો હવે બંધ કરવાની જરૂર છે. ખરા અર્થમાં વૈજ્ઞાનિક પધ્ધતિથી, કોઠાસૂઝથી, વ્યાપારિક દ્રષ્ટિકોણથી, કરક્સર અને બુધ્ધિયુક્ત વ્યવહારથી, સમય પ્રમાણે, સીઝન પ્રમાણે, આવશ્યકતા પ્રમાણે ખેત ઉત્પાદન વગેરે વિષયો ધ્યાને લઈ ખેતી અને ગોપાલન સાથે જોડી ખેતી કરવામાં આવે તો “ઉત્તમ ખેતી” કહેવાનું પુન: સાર્થક થશે.
ભણેલા – ગણેલા યુવાનો અને તેમાંય ખાસ કરીને કૃષિ – ગોપાલનનો અભ્યાસ કરીને જો ગોપાલન અને ગૌ આધારિત કૃષિમાં લાગશે તો આ દેશના ગામડાની શકલ બદલતા વાર નહી લાગે. કોરોના કાળ બાદ ‘’Back To Basic’’,” પ્રકૃતિ તરફ પાછા વળીએ‘ કે ‘Harmony With Nature’ અંગે જન સામાન્યને ગંભીર રીતે વિચાર–મંથન કરતા તો કરી દીધા છે.૧૯૫૦ – ૫૧ માં આપણા દેશની રાષ્ટ્રીય આવકમાં ખેતી નો હિસ્સો ૫૫. ૪ % હતો. જે ક્રમશ : ઘટતા આજે માત્ર ૧૬ % વધ્યો છે ! કેવી કરુણતા !! આપણી ખેતી ગૌપાલન સાથે જોડાયેલી હતી. ખેતી અને ગોપાલન એક રથના બે પૈડા સમાન છે. ગોપાલન દ્વારા શ્રેષ્ઠ ગૌ આધારિત કૃષિના દિવસો પુનઃ શરૂ થઈ ગયા છે.
ગાયને વિશ્વમાતા કહી છે.ગાય સર્વ સુખ પ્રદાન કરનારી છે. ગાય સમાજ વ્યવસ્થાનું એક અગત્યનું અવિભાજ્ય અંગ છે. દરેક ખેડૂત બે ગાય અને બે બળદ તો પાળીજ શકે. એના ગોમુત્ર અને ગોબરમાંથી પોતાને જરૂરી એટલા બાયો પેસ્ટીસાઈડ (જંતુનાશક દવા) અને બાયો ફર્ટીલાઇઝર (સેન્દ્રીય ખાતર) બનાવી ચોકકસ પ્રકારના પાક દ્વારા સમૃધ્ધ બની શકે. જરૂર છે “ઈચ્છા શક્તિ” ની.
ઓર્ગેનિક એટલે કે જે ખોરાકમાં હાનિકારક જંતુનાશકો – પેસ્ટીસાઈડઝ, રાસાયણિક ખાતર, ફર્ટિલાઇઝર કે જેનેટિકલી મોડીફાઈડ બિયારણનો ઉપયોગ ન થયો હોય તેવા અનાજ – શાકભાજી -ફળફળાદી હોય તેને “ઓર્ગેનિક” ખોરાક ની વ્યાખ્યા માં મૂકી શકાય.
સૌરાષ્ટ્રમાં જૈવિક કૃષિ, અમૃત કૃષિ, ઝીરો બજેટ કૃષિ, સજીવ ખેતી, ઓર્ગેનિક ફાર્મીંગ, યોગિક કૃષિ, વગેરે નામોથી “ગૌ આધારિત કૃષિ” ના અનેક પ્રયોગો થઈ રહ્યા છે. ગુજરાત સરકારે પણ “સજીવ કૃષિ નીતિ” બનાવી ખેડૂતો માટે પ્રોત્સાહક જોગવાઈઓ કરી છે. કૃષિ યુનિવર્સિટીઓ, ખેતી વાડી અને પશુપાલન ખાતું અને ગૌસેવા આયોગ તેમજ અનેક નાની મોટી સંસ્થાઓ સજીવ ખેતી માટે પ્રયાસરત છે.
એક કુટુંબ દીઠ એક ગાય” નામના “ગ્રીનીકા” પ્રોગ્રામ હેઠળ, આફ્રિકાના રવાન્ડા દેશે ખેતીની અને ગ્રામ્ય વિસ્તારની રોનક બદલી નાંખી છે. “વન મેન, વન કાઉ, વન પ્લેનેટ”. ન્યુઝીલેન્ડના એગ્રો સાયન્ટીસ્ટ પીટર પ્રોકટરે ઉપરોકત પ્રયોગ દવારા સમગ્ર વિશ્વનું ધ્યાન આકર્ષિત કર્યુ છે. ગાય મનુષ્ય, જીવસૃષ્ટિ, પર્યાવરણ અને પૃથ્વીને તેની બહુવિધ ઉપયોગીતા દ્વારા બચાવી શકે છે, તે વાત હવે નિર્વિવાદ સત્ય સાબિત થઈ ચૂકી છે.
ગાયના ઉત્પાદનો એટલે કે પંચગવ્ય ગાયનું દૂધ, દહીં, ઘી, ગૌમુત્ર અને ગોબર તેમજ ગૌરસ અને ખુદ ગૌમાતા ના શરીર નો મહિમા અપાર છે.
એક પુખ્ત ગાય વર્ષમાં નવ મહિના દૂધ આપે છે. ગાયનું દૂધ અમૃત છે, સંપૂર્ણ આહાર છે, આરોગ્યપ્રદાતા છે. ગાયનાં દૂધ, દહીં, માખણ, ઘી અને છાશ આહાર ઉપરાંત ઔષધીય ગુણોથી ભરપૂર છે, શરીરના શારીરિક, માનસિક અને બૌદ્ધિક વિકાસ અને તંદુરસ્તી માટે શ્રેષ્ઠ છે. આમ, ગાય વ્યક્તિ અને સમાજને નીરોગી રાખી કરોડો રૂપિયા બચાવે છે.
ડેરી ઈન્ડસ્ટ્રી દ્વારા ભારતીય દેશી ગાયના દૂધ અને દુધની બનાવટોનું ઉત્પાદન અને વેચાણ કરીને સામાન્ય માનવી રોજી – રોટી મેળવી શકે. એક ગાય સરેરાશ ૪-૫ લીટર દૂધ આપે તો પણ ગાયનું પાલન કરવું પોષાય. ગુજરાત રાજયના સુરત જીલ્લાના સંપૂર્ણ આદીવાસી મહુવા તાલુકા અનાવલ ગામના એક ખેડૂત ગોપાલકે તેની પાસેની ૬૦ ગાયો દવારા એક વર્ષમાં સુમુલ ડેરીને ૯૬ લાખ રૂ. નું દુધ વેચાણ આપ્યું હતું.
શ્રેષ્ઠ ગૌવંશની વૃધ્ધિ માટે શ્રેષ્ઠ ઓલાદના સાંઢની આજે ડીમાન્ડ છે. સાંઢ ઉછેર દ્વારા કૃત્રિમ બીજદાન મોટુ આવકનું સાધન થઈ શકે તેમ છે. શ્રેષ્ઠ ઓલાદની ગાયોની વૃધ્ધિ એ સીધો નફો છે. ગાય દર ૧૨ થી ૧૫ મહિને વાછરડા-વાછરડીને જન્મ આપે છે. એક ગાય તેના જીવનકાળ દરમિયાન ૧૦- ૧૨ વાછરડી / વાછરડાને જન્મ આપે છે. વાછરડા બળદ બની ખેતી અને વાહન વ્યવહારમાં ઉપયોગી થાય છે. આજે પણ ૬૦%થી વધુ ખેતી બળદથી જ થાય છે. અને ૬ % થી વધુ ટ્રાન્સપૉર્ટ પશુઓથી થાય છે. આથી કરોડો-અબજો રૂપિયાની ડીઝલ-ઓઈલની આયાત બચે છે.
એક અહેવાલ મુજબ ભારત વર્ષમાં વાહનવ્યવહાર માટે પેટ્રોલ ડીઝલની વાર્ષિક જરૂરિયાત ૮ મીલીયન ટન છે. દેશના ગ્રામ્ય વિસ્તાર માટે ૭૫ મીલીયન ટન બાયોગેસની જરૂરિયાત છે. દેશમાં ૨૦૦ મીલીયન ગોવંશ છે. જેના દવારા વાર્ષિક ૧૦૦ મીલીયન ટન ગોબર ગેસ ઉત્પન્ન થઈ શકે છે. સમગ્ર રીતે જોતા ઓઈલ ઈમ્પોર્ટ કરવાનું બચી જતાં દેશનું હયાત પશુધન જ આપણી ઉર્જાની પૂર્તિ કરી શકે તેમ છે. વળી તે પણ પર્યાવરણની રક્ષા સાથે સાતત્યપૂર્ણ રીન્યુએબલ ઉર્જા વડે !
આ ઉપરાંત ર૦૦ મીલીયન ગૌવંશ દ્વારા ૫૦ મીલીયન ટન ખાતર દર વર્ષે પેદા કરી શકાય. જે દ્વારા ભારતની ૧૩૫ મીલીયન હેકટર જમીનને વર્ષમાં બે વખત ખાતર પૂરુ પાડી ફળદ્રુપ રાખી શકાય. આજના જાયન્ટ ફ્ટીલાઈઝર પ્લાન્ટમાં વપરાતા ‘ઓઈલ‘ની બચત થાય તે નફામાં!
૨૦૦ મીલીયન ગૌવંશનું સરેરાશ ૫ લીટર ગૌમૂત્ર એકઠુ કરવામાં આવે તો રોજનું ૧૦૦ મીલીયન લીટર ગૌમૂત્ર એકઠું થાય. જેનો ઉપયોગ કીટ નિયંત્રક – જંતુનાશક અને ફર્ટિલાઇઝર તરીકે કરવામાં આવે તો દેશમાં કેમીકલ જંતુનાશક ઝેરી દવાઓની જરૂર જ ન પડે. કરોડો રૂપિયાનું હુંડીયામણ બચે !
ગૌમૂત્ર અર્ક, શેમ્પુ, સાબુ, તેલ, અગરબતી, ટુથપેસ્ટ, પેઈન બામ, ક્રીમ, જેવી અનેક બનાવટો શારીરિક તંદુરસ્તી અને અસાધ્ય રોગોની સારવાર, પર્યાવરણ રક્ષા અને આર્થિક ઉપાર્જન માટે આશીર્વાદરૂપ થઈ શકે તેમ છે.
ગાયના ગોબરમાંથી દીવા, ગણેશ, લક્ષ્મી, મહાનુભાવો અને સંતોની મૂર્તિ, ટેબલ પીસ, નેઇમ પ્લેટ, ફોટો ફ્રેઇમ, પેન સ્ટેન્ડ, પેપર વેઇટ, માળા, રાખી, ઘડિયાળ જેવી અનેક ઘરગથ્થુ અને કોસ્મેટીક આઈટમો બને છે. ઉપરાંત કાગળ, કલર, પેન્ટ, પ્લાસ્ટર, પ્લાયવુડ, ટાઇલ્સ ના ઉત્પાદન પણ પર્યાવરણ રક્ષક સાબિત થયા છે. આ ઉદ્યોગો યુવાનો, મહિલાઓ અને સંગઠનોને રોજગાર આપવામાં નિમિત બન્યા છે.
ગાયના મૃત્યુ બાદ તેના શીંગમાં ગોબર, ગૌમૂત્ર, ગોળ વગેરેનું મિશ્રણ ભરીને જમીનમાં દાટીને છ મહિનામાં બનેલું શીંગ-ખાતર શ્રેષ્ઠ બાયો ફર્ટીલાઇઝર છે. મૃત્યુ બાદ ગાયને સમાધિ આપી, બનાવેલ સમાધિ ખાદ જમીનની ઉર્વરા શક્તિ વધારવા શ્રેષ્ઠ પુરવાર થયેલ છે.
પંચગવ્ય શ્રેષ્ઠ ઔષધિ છે. અનેક અસાધ્ય રોગો, કેન્સર, ન્યુરોલોજીકલ, મેન્ટલ, હૃદય, કિડની, ડાયાબીટીસ, ચામડી જેવા રોગોમાં પંચગવ્ય ચિકિત્સા ખૂબજ કારગત સાબિત થઈ રહી છે. પંચગવ્યની એન્ટી બેકટીરીયલ, એન્ટી વાઈરલ, એન્ટી ઓકસીડન્ટ અને બાયો એન્હાન્સર પ્રોપર્ટી સહજ, સરળ અને આર્થિક રીતે પોષણક્ષમ ચિકિત્સા છે. પંચગવ્યના ઉપયોગ દ્વારા આવનારી પેઢીને બુધ્ધિમાન, તેજસ્વી, ઓજસ્વી, શક્તિશાળી બનાવી દેશ માટે મોટી “ઈન્ટેલેક્ચ્યુઅલ એસેટ” ઉભી કરી શકાય તેમ છે.
૨૧ મી સદીમાં મનુષ્ય, જીવસૃષ્ટિ અને પૃથ્વીને બચાવવા માટે ગૌ આધારિત અર્થ અને સમાજ વ્યવસ્થાનું નિર્માણ જ એક માત્ર વિકલ્પ બની રહેશે. આલ્બર્ટ આઈન્સ્ટાઈને આપણા નોબેલ પ્રાઈઝ વિજેતા સર સી.વી. રામનને કહયું હતું કે ”ભારતના લોકોને કહો કે જો તેઓ જીવવા માંગતા હોય અને વિશ્વને જીવવાનો માર્ગ પ્રશસ્ત કરવા માંગતા હોય તો તેઓએ ટ્રેક્ટરને ભૂલી જવું જોઈએ અને તેમની પ્રાચિન બળદ આધારિત ખેતીને જાળવી રાખવી જોઈએ.” આનાથી કયા વિશેષ પ્રમાણપત્રની આપણને જરૂર છે ?
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ લાલ કિલ્લાથી જાહેરાત કરી છે કે હું ધરતી માતાને ઝેર મુકત કરવા માગું છું. માટે સૌને પ્રાકૃતિક ખેતી તરફ પ્રેરીએ. ઘેર ઘેર ગાય પાળી, દૂધ-દહીં આરોગી,ગૌમૂત્ર–ગોબર આધારિત ખેતી કરી. ઝેર રહિત ફળ-શાકભાજી ઉગાડીએ અને સમાજને આપીએ. ભારત સરકાર અને વિવિધ રાજ્ય સરકારોએ આ દિશામાં કદમ ઉઠાવ્યા છે. ઓર્ગેનિક ફાર્મિંગ, બાયો ફર્ટિલાઇઝર અને બાયોગેસ માટેની પોલિસી બની છે. ઓર્ગેનિક સર્ટિફિકેશન, FPO “ફાર્મસ પ્રોડ્યુસર્સ ઓર્ગેનાઇઝેશન” બાયોફર્ટીલાઇઝર,ઓર્ગેનિક માર્કેટ વગેરે માટે અલગ અલગ વિભાગો કાર્યરત છે. ગુજરાતના માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી રાજ્યમાં પ્રાકૃતિક ખેતી ના સેમિનારો કરી ખેડૂતોને પ્રોત્સાહિત કરી રહ્યા છે. વાતાવરણ ખૂબ સાનુકૂળ છે. લોકોમાં જાગૃતિ આવી છે. માનનીય પ્રધાનમંત્રીશ્રી ના ‘આત્મનિર્ભર ભારત‘ અભિયાનને સાર્થક કરવા ગૌ આધારિત સમાજ નિર્માણમાં નિમિત બનીએ. દેશમાં રોજગારીની નવી તકો પ્રાપ્ત થશે. યુવાનો અને મહિલા ઉદ્યમીઓને આત્મનિર્ભર બનાવવામાં પ્રોત્સાહન મળશે. કૃષિ- ગૌ ઉધોગો દ્વારા ગ્રામ વિકાસ થશે. ઓર્ગેનિક પેદાશોને કારણે લોકોનું આરોગ્ય સુધરશે. દેશ સ્વસ્થ બનશે. પર્યાવરણ રક્ષા થશે.
આમ જોતાં એકંદરે ગાય અને સંપૂર્ણ ગૌવંશ મનુષ્ય, પ્રાણી અને વનસ્પતિ સૃષ્ટિ નો આધાર સ્તંભ છે. તો ચાલો આપણે ગૌ આધારીત કૃષિ અને ગૌ ઉત્પાદનો દ્વારા ગૌ સંસ્કૃતિની પુનઃસ્થાપના માં યોગદાન આપીએ. વંદે ગૌ માતરમ્. – ડો.વલ્લભભાઈ કથીરિયા, પૂર્વ ચેરમેન- રાષ્ટ્રીય કામધેનુ આયોગ, પૂર્વ કેન્દ્રીય મંત્રી, ભારત સરકાર