પાકિસ્તાનના પ્રવાસ માટે કિવી ટીમના સુકાનીપદે મિચેલ બ્રેસવેલની વરણી
ઓકલેન્ડ, અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝમાં યોજાનારા ટી૨૦ વર્લ્ડ કપ અગાઉ પ્રેક્ટિસના ભાગરૂપે પાકિસ્તાનનો પ્રવાસ કરનારી ન્યૂઝીલેન્ડની ક્રિકેટ ટીમના સુકાનીપદે બુધવારે ઓલરાઉન્ડર મિચેલ બ્રેસવેલની વરણી કરવામાં આવી હતી.
આ સિરીઝમાં પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પાંચ ટી૨૦ મેચ રમાશે. પ્રથમ મેચ ૧૮મી એપ્રિલે રાવલપિંડી ખાતે રમાશે. જોકે ન્યૂઝીલેન્ડની ટીમ તેની પૂરી તાકાત સાથે આ સિરીઝમાં રમી શકશે નહીં કેમ કે તેના મોટા ભાગના ખેલાડીઓ હાલમાં ભારતમાં આઇપીએલમાં રમી રહ્યા છે.
આમ કિવિ ટીમ પાકિસ્તાનના પ્રવાસમાં ટ્રેન્ટ બોલ્ટ, ડેવોન કોનવે, ફર્ગ્યુસન, મેટ હેનરી, ડેરેલ મિચેલ, ગ્લેન ફિલિપ્સ, રચિન રવીન્દ્ર, મિચેલ સેન્ટનર અને કેન વિલિયમ્સન વિના રમવાની છે. આ ઉપરાંત આગામી મહિનાઓમાં ન્યૂઝીલેન્ડની ક્રિકેટ ટીમના વ્યસ્ત કાર્યક્રમને ધ્યાનમાં રાખીને ટિમ સાઉથીને આરામ આપવામાં આવ્યો છે.
સાઉથીએ છેલ્લે યોજાયેલા ટી૨૦ વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડ માટે સૌથી વધુ વિકેટ ખેરવી હતી. ૩૩ વર્ષીય બ્રેસવેલ ગયા માર્ચ મહિનાથી ઇજાને કારણે ટીમની બહાર હતો અને હજી બે વર્ષ અગાઉ જ તે પોતાની પહેલી ટી૨૦ ઇન્ટરનેશનલ મેચ રમ્યો હતો. અત્યાર સુધીમાં તે ન્યૂઝીલેન્ડ માટે ૧૬ ટી૨૦ મેચ રમ્યો છે.
મોટા ભાગના ખેલાડીઓ આઇપીએલમાં રમી રહ્યા હોવા છતાં બ્રેસવેલની ટીમમાં એવા છ ખેલાડી છે જેઓ છેલ્લા ટી૨૦ વર્લ્ડ કપમાં કિવિ ટીમનો હિસ્સો હતા. આ ઉપરાંત ટીમમાં બે નવા ચહેરા ટિમ રોબિન્સન અને વિલ ઓ’રાઉરકેને સામેલ કરવામાં આવ્યા છે. તે અગાઉ ન્યૂઝીલેન્ડ માટે ટેસ્ટ અને વન-ડે રમી ચૂક્યો છે.
પાકિસ્તાનના પ્રવાસમાં ન્યૂઝીલેન્ડની ટીમ પાંચ ટી૨૦ રમશે જેની પ્રથમ મેચ ૧૮મી એપ્રિલે રમાશે. ટીમ આ મુજબ છે. મિચેલ બ્રેસવેલ (સુકાની), ફિન એલન, માક ચેપમેન, જોશ ક્લાર્કસન, જેકોબ ડફી, ડીન ફોકસક્રોફ્ટ, બેન લિસ્ટર, કોલે મેકોન્ચી, એડમ મિલ્ને, જીમી નિશમ, વિલ ઓ’રાઉરકે, ટિમ રોબિન્સન, બેન સિયર્સ, ટિમ સેફર્ટ, ઇશ સોઢી.SS1MS