ડૉ.સ્વામી ગૌરાંગ શરણ દેવાચાર્યએ રૂપાલાને હટાવવાની માગણી કરી
ગોંડલની કોર્ટમાં પરષોતમ રૂપાલા સામે ફરિયાદ થઈ-રૂપાલાએ કરેલી ટીપ્પણી સામે ભારે રોષ-
(એજન્સી)ગોંડલ, રાજકોટ લોકસભાનાં ઉમેદવાર પરષોતમ રૂપાલાએ રાજા મહારાજા અંગે કરેલી નિમ્ન કક્ષાની ટીપ્પણી અને વાણીવિલાસ સામે ક્ષત્રિય સમાજ રોષે ભરાયો છે અને ગુજરાત ભરમાં ઠેરઠેર વિરોધ પ્રદર્શિત થઈ રહ્યો છે. ત્યારે ગોંડલની કોર્ટમાં પુરષોતમ રૂપાલા સામે કલમ ૪૯૯,૫૦૦ મુજબ ફરિયાદ થવા પામી છે.
ગોંડલનાં ચોરડી રહેતા હર્ષદસિહ ઘનશ્યામસિહ ઝાલાએ કોર્ટમાં પરષોતમ રુપાલા સામે કરેલી ફરિયાદમાં જણાવ્યું કે સતાની લાલસામાં રુખી સમાજમાં મત મેળવવા, ક્ષત્રીય સમાજને નીચો બતાવવા રાજા રજવાડાઓને હલકા ચીતરી હીનકક્ષાનો વાણી વિલાસ કર્યો હોય જેનો વિડિયો વાયરલ થતા ક્ષત્રિય સમાજની આબરુને ઠેસ પહોંચી છે.
આ રીતે ક્ષત્રિય સમાજની બદનક્ષી થઈ હોય પરષોતમ રૂપાલા સામે કાર્યવાહી કરવા જણાવાયું હતું. બીજી બાજુ ભાજપ રૂપાલાની ટિકિટ કાપવાના મૂડમાં નથી હવે આગામી દિવસોમાં રાજકોટથી ફેલાયેલી આગ દેશભરમાં ફેલાય તો નવાઈ નહીં. આ આગને કોણ પેટ્રોલ છાંટી રહ્યું છે એ સૌથી મોટો સવાલ છે. દિલ્હી હાઈકમાન્ડની ચૂપકીદી પણ હવે ગુજરાતમાં ચર્ચામાં આવી છે.
રૂપાલાને હટાવવાની માગ પર ક્ષત્રિય સમાજ અડગ છે. કોઈપણ કિંમતે રૂપાલાને માફ કરવા ક્ષત્રિયો તૈયાર નથી. ત્યારે પરશોત્તમ રૂપાલાના સમર્થનમાં પાટીદારો આવ્યા છે. આ માટે રાજકોટમાં આજે સાંજે પાટીદારોની ચિંતન બેઠક યોજાવાની છે.
કડવા અને લેઉવા પાટીદારોની સંયુક્ત બેઠકનું આયોજન કરાયું છે. પાટીદાર સંસ્થાઓના ટ્રસ્ટીઓ અને નેતાઓને આમંત્રણ છે. માફી માગવા છતાં ક્ષત્રિયોના વિરોધથી પાટીદારો નારાજ થયા છે.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરની મુલાકાતે આવેલા અખિલ ભારતીય વૈષ્ણવ આચાર્ય પરિષદના અધ્યક્ષ ડો.સ્વામી ગૌરાંગશરણ દેવાચાર્યના નિવેદનથી ફરી રાજકારણ ગરમાયું છે. વાત જાણે એમ છે કે, પરષોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનને લઈ હવે અખિલ ભારતીય વૈષ્ણવ આચાર્ય પરિષદના અધ્યક્ષ ડો.સ્વામી ગૌરાંગશરણ દેવાચાર્યએ પણ નિવેદન આપતા કહ્યું છે કે, પરષોત્તમ રૂપાલાને હટાવવામાં નહીં આવે તો રાજકોટના ગામે ગામ વૈષ્ણવ સંપ્રદાયના આચાર્યો અને સાધુ સંતો ઉતરશે. રાજકોટ ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલા દિલ્લીથી પરત ફર્યા છે.