મહેસાણાની સિરામિક કંપનીના કન્સલ્ટન્ટે 7.62 લાખની ઉચાપત કર્યાની ફરિયાદ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/05/Cash.jpeg)
પ્રતિકાત્મક
કંપનીના કિંમતી દસ્તાવેજ, પાસવર્ડનો ઉપયોગ કર્યાનો પણ આક્ષેપ
મહેસાણા, મહેસાણાના શોભાસણ રોડ પર આવેલી રોનક સિરામિક કંપનીના એકાઉન્ટન્ટ તેમજ મેનેજમેન્ટનું કામ કરતા કન્સલ્ટન્ટે રૂ.૭.૬ર લાખની ઉચાપત કરવા ઉપરાંત કંપનીને નુકશાન પહોચાડવા લેટરપેડ, લોગીન પાસવર્ડ વગેરેનો દુરૂપયોગ કર્યો હોવાનો ગુનો મહેસાણા તાલુકા પોલીસ મથકે કોર્ટના આદેશથી નોંધાયો છે.
રોનક સિરામિક કંપનીના ડિરેકટર ખાતીબઅલી લિયાકતઅલી કલાનિયાએ નોંધાવેલી ફરિયાદ મુબજ મહેસાણાના નાગલપુર હાઈવે પર વાઈડ એન્ગલ પાછળ બાલાજી સ્ટેટસમાં રહેતા સુનિલ આરેન્દ્રભાઈ મોદી તેમની રોનક સિરામિકના કન્સલ્ટન્ટ તરીકે કામ કરતા હતા, તેઓ સંસ્થાનું એકાઉન્ટ તેમજ મેનેજમેન્ટનું કામ સંભાળતા હતા
તેઓએ સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા મહેસાણાના બે ડીમાન્ડ ડ્રાફટ કોઈપણ ડીરેકટરની સંમતિ વગર તેમની જાણ બહાર વટાવી લઈ કુલ રૂ.૭,૬ર,૩૦૦ની ઉચાપત કરી હતી. તે અંગેની કબુલાત કરી તેમણે આ રકમ વહેલામાં વહેલી તકે ચુકવી દેવાની બાંહેધરી સંસ્થાના ડીરેકટરોને આપી હતી. વારંવાર સૂચના આપવા છતાં સંસ્થાની રકમ પરત કરી નથી.
સુનિલ મોદીએ સંસ્થાના કામદારોના પીએફની રકમ પણ જમા કરાવી નથી અને સંસ્થાને આર્થિક નુકશાન પહોંચાડયું છે. સંસ્થાની એકાઉન્ટ બુકમાં ખોટી એન્ટ્રીઓ કરી નાણાંકીય ઉચાપત કરી છે. સંસ્થાના અકાઉન્ટના તમામ દસ્તાવેજી પુરાવા તેમના કબજામાં રાખી દીધા છે, કંપનીના ઈન્કમટેકસ, જીએસટી તેમજ અન્ય સરકારી કામકાજ માટેના જરૂરી કંપનીના લોગીન આઈડી તેમજ પાસવર્ડ પણ તેની પાસે રાખ્યા છે અને કંપનીને પરત કર્યા નથી અને દુરૂપયોગ કર્યો છે.
સંસ્થાને બદનામ કરવાની કોશિષ કરી છે અને સંસ્થા બંધ કરાવી દેવાની ધમકી આપી છે. કંપનીના ડિરેકટરના સિક્કાનો દુરૂપયોગ કરી ઘણી જગ્યાએ સંસ્થાના નામે ખોટા વ્યવહારો કર્યા છે. સુનિલ મોદીએ સંસ્થા સાથે નાણાંકિય ઉચાપત, વિશ્વાસઘાત તથા છેતરપિંડી કરી મોટુ આર્થિક નુકશાન કર્યાં ઉપરાંત ડિરેકટરોને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાના આક્ષેપ પણ ફરિયાદમાં કરાયા છે.