દલાલ ખેતીની જમીનનો સોદો 4 કરોડમાં નક્કી કરી 50 લાખ લઈ રફુચક્કર થઈ ગયો
અડાલજ પોલીસે જમીન દલાલ વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી
ગાંધીનગર, અમદાવાદ શહેર નજીક જાસપુર કેનાલ પાસેની જમીનનો રૂ.૪ કરોડમાં સોદો નકકી કરાયા બાદ રૂપિયા પ૦ લાખની રકમ મેળવ્યા બાદ દલાલે હાથ અધ્ધર કરી દીધા હોવાનો છેતરપિંડીનો ગુનો અડાલજ પોલીસ મથકમાં નોંધાયો છે. ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.
એસ.જી.હાઈવે ઈસ્કોન સર્કલ નજીક રહેતા અને જમીન લે-વેચ બિલ્ડિંગ કન્સ્ટ્રકશનનું કામ કરતા કિશોરભાઈ કરશનભાઈ પટેલ તેમના મીત્ર રિતેષભાઈ કમલકિશોર હાડા (કર્ણાવતી યુનિવર્સિટી, ઉવારસદ) સાથે ભાગીદારીમાં ધંધો કરે છે આજથી ત્રણેક વર્ષ અગાઉ ભાગીદાર રિતેષભાઈના મિત્ર વિપુલ દેવજીભાઈ પટેલ (કસ્તુરી, થલતેજ) સાથે કિશોરભાઈની ઓળખાણ થઈ હતી ત્યારે વિપુલ પટેલે મોટા ગજાના જમીન દલાલ હોવાની વાતો કરી હતી.
દરમિયાન વર્ષ- ર૦૧૯માં ભાગીદાર રિતેષભાઈની કર્ણાવતી યુનિવર્સિટી ખાતેની ઓફિસે મુલાકાત વખતે વિપુલ પટેલે જાસપુર નર્મદા કેનાલ પાસે સર્વિસ રોડની નજીકની બે વીઘા જમીન ઓળખીતા ખેડૂતની વેચાણ માટે આવી હોવાનું કહ્યું હતું. જેથી આ જમીન ખરીદવા માટે કિશોરભાઈએ તેમના ભાગીદાર ગ્રુપમાં વાત કરી જમીન જોયા બાદ જમીન પસંદ પડતાં રિતેષભાઈની ઓફિસે સોદો નકકી કરવા મિટિંગ કરી હતી.
જયાં વિપુલ પટેલે એક વીઘા જમીનનો ભાવ બે કરોડ કહેતા બે વીઘા જમીન ચાર કરોડમાં ખરીદવા માટે ડીલ ફાઈનલ થઈ હતી. એ સમયે વિપુલ પટેલે કહયું હતું કે હાલમાં ખેડૂતને અમુક રકમ ટોકન આપીને ઉચ્ચક ભાવથી લીધી હોવાથી ખેડૂત સાથે મીટિંગ કે કોઈ કાગળ મળશે નહી અને જમીન પેટે પ૦ લાખ બાનું આપશો એ વખતે જમીનના કાગળો બતાવી તેના ટાઈટલમાં સહીઓ કરાવી આપીશ.
જમીન પસંદ હોવાથી કિશોરભાઈ સહિતના ભાગીદારોએ જમીન દલાલ વિપુલ પટેલની શરત સ્વિકારી હતી. બાદમાં પૈસાની સગવડ કરી વિપુલ પટેલને પ૦ લાખ આપી લખાણ માંગ્યું હતું ત્યારે વિપુલ પટેલ જમીનના ટાઈટલ ફોર્મમાં ખેડૂતની સહીઓ કરાવીને આવું છું, તેમ કહી પૈસા લઈ નીકળી ગયો હતો. બીજી તરફ બે ત્રણ કલાક થવા છતાં તે પરત નહીં ફરતા કિશોરભાઈએ સંપર્ક કર્યો હતો.
ત્યારે તેણે કહેલું કે ખેડૂતો કુટુંબી પરિવારના સભ્યો હોવાથી બધાને સમજાવી જમીનના કાગળોમાં સહીઓ કરાવ્યા પછી આવીશ તેવું બહાનું બતાવ્યું હતું. દરમિયાન કેટલાક દિવસો બાદ વધુ એક કારણ બતાવીને વાયદો કર્યો હતો કે જમીન બાબતે ખેડૂતોમાં અંદરો અંદર ઝગડો ચાલે છે અને કોઈનું મરણ થયું હોવાની વાત કરી હતી
બાદમાં કિશોરભાઈ સહિતના ભાગીદારોએ ઉપરોકત જમીન અંગે તપાસ કરતા જાણવા મળ્યુ હતું કે, ખેડૂતોએ જમીન વેચવાનો કોઈ વિચાર કર્યો જ નથી અને જમીન વેચવા કોઈની સાથે વાત પણ થઈ નથી. આવી હકીકત જાણી ખ્યાલ આવ્યો હતો કે દલાલે તેમની સાથે છેતરપિંડી આચરી છે. આથી તેમણે અડાલજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે.