Western Times News

Gujarati News

રામોલ પોલીસ સ્ટેશનમાંથી આરોપીઓને ભગાડવાનો પ્રયાસ

અમદાવાદ , રામોલ પોલીસે વોન્ટેડ ચાર આરોપીઓને પોલીસ સ્ટેશન લાવીને પાસાની અટકાયતી હુકમની બજવણી કરતા હતા. આ દરમિયાન, ચારેયના સગા સંબંધીઓએ આવીને બજવણી નહીં કરવા અને ચારેય આરોપીઓને ભગાડીને લઈ જવા પ્રયાસ કર્યો હતો.

બાદમાં પોલીસે બળપ્રયોગ કરતા તમામ આરોપીઓ ત્યાંથી નાસી ગયા હતા. રામોલ પોલીસે પાંચ જેટલી મહિલાઓ સહિત કુલ ૧૮ વ્યક્તિઓ સામે રાયોટિંગ, સરકારી કામમાં અડચણ સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને બે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

જણાવી દઈએ કે, રામોલ પોલીસ સ્ટેશનમાં સર્વેલન્સ સ્કોડમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશ કુમાર રઘુભાઇ તેમના સ્ટાફના પોલીસકર્મીઓ સાથે ચાર વોન્ટેડ આરોપી જીતુ પરમાર, પરેશ પરમાર, પાર્થ પરમાર અને જીગર પરમારને પોલીસ સ્ટેશન લાવીને તેમની સામે પાસા અટકાયતી હુકમની બજવણી કરવાની કામગીરી ચાલતી હતી.

આ દરમિયાન, ચારેય આરોપીઓના સગાસંબંધીઓ ધ્›મિલ પરમાર, પ્રદિપ પરમાર, નયન પરમાર, કિરીટ પરમાર, મયુર પરમાર, અમીત પરમાર, મીના પરમાર તથા ત્રણ અજાણી મહિલાઓ સહિત કુલ ૧૮ વ્યક્તિઓનું ટોળુ પોલીસ સ્ટેશન ધસી આવ્યું હતું. તેઓ આરોપીઓની બજવણી નહીં કરવા દેવા ભેગા થઈને વોન્ટેડ આરોપીઓને પોલીસ સ્ટેશન ખાતેથી ભગાડી જવાનો પ્રયાસ કર્યો હતો.

આ સાથે જ, તમામ લોકોએ પોલીસ સ્ટેશનની સામે જ પોલીસકર્મીઓ સાથે ઝપાઝપી કરીને કેરોસીન છાંટીને આત્મવિલોપન કરવાની ધમકી આપી હતી. આ ઉપરાંત, પોલીસે ફરિયાદી પાસેથી રૂપિયા લઈને ખોટો હુકમ કરાવેલ છે, તેવા આક્ષેપ કર્યા હતા.

બાદમાં પોલીસે બળપ્રયોગ કરતાં તમામ આરોપીઓ ત્યાંથી ભાગવા લાગ્યા હતા. તેમાંથી પોલીસે ધ્›મિલ અને પ્રદિપને ઝડપી પાડ્યા હતા. આ અંગે રામોલ પોલીસે કુલ ૧૮ જેટલા વ્યક્તિઓ સામે રાયોટિંગ, સરકારી કામમાં રૂકાવટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને બે આરોપીની ધરપકડ કરી લીધી છે તેમજ અન્ય આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.