Western Times News

Gujarati News

પતિની હત્યા કરી પ્રેમી અને પત્નીએ લાશ ફેંકી દીધી

સુરત, શહેરમાં હત્યા, લૂંટ, ચોરી જેવી ઘટનાઓ દિવસેને દિવસે સામાન્ય બનતી જઈ રહી છે. છેલ્લા ચાર દિવસમાં સુરત શહેરમાં હત્યાની છ જેટલી ઘટનાઓ સામે આવી ચૂકી છે. જેમાં સુરતના લિંબાયત, વરાછા, ખટોદરા, મહિધરપુરા સહિત ચોક બજાર વિસ્તારના હત્યાની ઉપરાછાપરી ઘટનાઓ પ્રકાશમાં આવી ચૂકી છે.

જ્યારે આજે, સુરતના મહિધરપુરા વિસ્તારમાં બનેલી હત્યાની ઘટનાનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢી મહિલા સહિત બે આરોપીઓની ધરપકડ કરી છે.

મહિધરપુરા સ્થિત રેલવે સ્ટેશન પાર્સલ ઓફીસ નજીકથી યુવકની હત્યા કરાયેલ લાશ મળી આવવાની ઘટનામાં પોલીસે ગણતરીના કલાકોમાં જ ગુનાનો ભેદ ઉકેલી કાઢી હત્યારા પ્રેમી અને પ્રેમિકાની ધરપકડ કરી જેલના સળિયા ગણતા કરી દીધા છે.

પોલીસ તપાસમાં મૃતકની પત્ની અને હત્યારા વચ્ચે છેલ્લા છ માસથી પ્રેમ સંબંધ ચાલી આવ્યો હતો. જેને લઈને મૃતક અને તેની પત્ની વચ્ચે સતત ઝઘડો ચાલી આવતા પ્રેમી અને પ્રેમિકા વચ્ચે રહેલા પતિનો કાયમી કાંટો કાઢી નાંખવા બંનેએ હત્યાનો પ્લાન બનાવી મોતને ઘાટ ઉતારી દીધો હતો.

મહિધરપુરા પોલીસ મથક પાસેથી મળતી માહિતી મુજબ, સુરતના મહિધરપુરા પોલીસ મથકની હદમાં આવેલી સુરત રેલવે પાર્સલ ઓફિસ નજીકથી વહેલી સવારે અજાણ્યા યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. ઘટનાની જાણકારી મળતા, સ્થળ પર પહોંચેલી પોલીસે લાશનો કબજો લઈ પીએમ અર્થે સુરત સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડી આગળની તપાસ હાથ ધરી હતી.

મૃતકની ઓળખ મેળવવા માટે મહિધરપુરા પોલીસે અલગ અલગ ટીમો બનાવી હતી. જે ટીમો દ્વારા સીસીટીવી ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપીઓનું પગેરૂ મેળવવાની દિશામાં તજવીજ હાથ ધરી હતી. પોલીસ તપાસ દરમિયાન મૃતકનું નામ શેરૂ ભવાની સિંહ યાદવ તરીકે સામે આવ્યું હતું. જે યુવક સુરતના ભરથાણા વિસ્તારનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું.

મહિધરપુરા પોલીસની તપાસમાં જાણવા મળ્યું હતું કે, ૩૭ વર્ષીય શેરૂ ભવાની સિંહ યાદવની પત્ની મમતા યાદવનો રામુ યાદવ નામના યુવક જોડે છેલ્લા છ માસથી પ્રેમ સંબંધ ચાલી આવ્યો હતો. જે મામલે બંને પતિ-પત્ની વચ્ચે માથાકૂટ અને ઝઘડો ચાલી આવ્યો હતો.

પ્રેમી રામુ યાદવ અને પ્રેમિકા મમતા યાદવે પોતાના પતિનો કાંટો કાઢી નાંખવા હત્યાનો પ્લાન બનાવ્યો હતો. જ્યાં ગત રોજ પતિ શેરૂ ભવાની સિંહ યાદવને માથાના ભાગે લાકડાના ફટકા મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો.

જે બાદ હત્યારા પ્રેમી-પ્રેમીકાએ ઘટના પર પડદો પાડવા માટે રેલ્વે સ્ટેશન નજીક આવેલી પાર્સલ ઓફિસ પાસે લાશને ફેંકી ફરાર થઈ ગયા હતા. આમ હત્યાની ઘટનામાં સંડોવાયેલા બંને પ્રેમી પ્રેમિકાને મહિધરપુરા પોલીસની ટીમ દ્વારા ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા.SS1MS

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.