મિત્રએ જ મિત્રનું ઢીમ ઢાળી દીધું, આરોપીનો ચોંકાવનારો ખુલાસો
સુરત, શહેરમાં છેલ્લા ઘણા સમયથી હત્યાના બનાવોમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. ત્યારે ખટોદરા વિસ્તારમાં આવેલા કોમલ સર્કલ નજીક થોડા દિવસ પહેલા એક યુવકની લાશ મળી આવી હતી. આ યુવાનના પીએમ રિપોર્ટમાં સામે આવ્યું હતું કે, આ યુવાનની હત્યા કરવામાં આવી છે.
જોકે પોલીસે આ મામલે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી. આ ઘટનાની તપાસ બાદ આજે સુરત ક્રાઈમ બ્રાન્ચે એક ઈસમની ધરપકડ કરી હતી. આ ઈસમ પોલીસ સામે કબૂલાત કરી હતી કે, મરનાર યુવક તેનો મિત્ર છે અને ચા નાસ્તા બાબતે થયેલા ઝઘડામાં તેણે તેના મિત્રની હત્યા કરી છે.
આ વાત સાંભળતા જ પોલીસ પણ ચોંકી ઉઠી હતી. સુરતના ખટોદરા વિસ્તારમાં તારીખ ૩૧ માર્ચના રોજ બપોરના સમયે કોમલ સર્કલ પાસે આવેલા કોમલ ઇન્ડસ્ટ્રીયલ બિલ્ડિંગ પાસે પાલિકા બજારના ખુલ્લા ભાગમાંથી એક લાશ મળી આવી હતી. તે દરમિયાન, પોલીસે લાશનો કબજો લઈ તેને પીએમ માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવી હતી.
ત્યાં પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં આ યુવકની કોઈ બોથડ પદાર્થ માથાના ભાગે માર મારી તેની હત્યા કર્યા હોવાની વિગતો સામે આવી હતી. આ બાદ, પોલીસે આ મામલે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી. જોકે આ ગુનાની તપાસમાં સુરત ક્રાઈમ બ્રાન્ચે આજરોજ વિનોદ પ્રફુલ શાહુ નામના એક યુવકની અટકાયત કરી તેની પૂછપરછ કરી હતી.
આ પૂછપરછમાં તેણે પોલીસને જણાવ્યું હતું કે, આજથી સાત આઠ દિવસ પહેલા ૨૭-૩-૨૦૨૪ ના રાત્રે ૧૦ઃ૦૦ વાગ્યાના સુમારે મરનાર શંકર કંચનભાઈ પટેલ અને વિનોદ શાહ બંને વચ્ચે ચા નાસ્તો કરવા બાબતે બોલાચાલી અને ઝઘડો થયો હતો.
આથી, ગુસ્સોમાં શંકર પટેલે વિનોદ શાહુની ચા ઢોળી નાખી હતી. જેની અદાવત રાખીને વિનોદે શંકર પટેલને કૈલાસ કેટરર્સના ગોડાઉન પાસે કોમલ ઇન્ડસ્ટ્રીયલ બિલ્ડીંગ પાસે આવેલી પાલિકાના બજારના ખુલ્લા પ્લોટમાં લઈ ગયો હતો અને રાત્રીના અંધારાનો લાભ લઈને તેના માતાના ભાગે પથ્થર વડે માર મારી તેની હત્યા કરી નાખી હતી. આ વાત સામે આવતા પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી છે.SS1MS