2019 લોકસભા ચૂંટણીમાં 65 લાખથી વધુ મતદારોએ NOTAનો ઉપયોગ કર્યો હતો
વર્ષ ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં નોટામાં ૧.૦૬ ટકા મત પડ્યા હતા તો વર્ષ ૨૦૧૪માં ૧.૦૮ ટકા મત પડ્યા
(એજન્સી)નવી દિલ્હી, ચૂંટણીમાં કોઈપણ ઉમેદવારને મત ન આપવા માટે ઈવીએમમાં નોટાનો વિકલ્પ આપવામાં આવ્યો છે, ત્યારથી દેશભરમાં મતદારોના એક અલગ-અલગ વલણો જોવા મળી રહ્યા છે. જ્યારે વર્ષ ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં નોટામાં ૧.૦૬ ટકા મત પડ્યા હતા. તો વર્ષ ૨૦૧૪માં ૧.૦૮ ટકા મત પડ્યા હતાં. છેલ્લી બે લોકસભા ચૂંટણીમાં બિહાર સહિત ઘણાં રાજ્યો અને કેન્દ્રશાસિત પદેશોમાં મોટી સંખ્યામાં નોટામાં મત પડ્યા હતા. More than 65 lakh voters pressed the NOTA button in the 2019 Lok Sabha elections
વર્ષ ૨૦૧૯માં લગભગ ૧.૦૬% મતદારોને લાગ્યું કે કોઈ ઉમેદવાર તેમના મતને લાયક નથી અને તેમણે નોટાનું બટન દબાવ્યું. ૨૦૧૯ની લોકસભા ચૂંટણી છ અઠવાડિયા સુધી ચાલી હતી અને લોકસભા ચૂંટણીના ઈતિહાસમાં સૌથી વધુ મતદાન નોંધાયું હતું. ચૂંટણી પંચ અનુસાર, ૨૦૧૯માં મતદાનની ટકાવારી ૬૭.૧૧ ટકા હતી.
આ ચૂંટણીમાં સૌથી વધુ લોકોએ આસામ અને બિહારમાં ૨.૦૮ ટકા લોકોએ નોટાનું બટન દબાવ્યું હતું, જ્યારે સિક્કિમમાં સૌથી ઓછું ૦.૬૫ ટકા નોટામાં મત પડ્યા હતા.ત્યારબાદ આંધ્ર પ્રદેશમાં ૧.૫૪ ટકા અને છત્તીસગઢમાં ૧.૪૪ ટકા નોટામાં મત પડ્યા હતા. જો કેન્દ્રશાસિત પ્રદેશોની વાત કરીએ તો દમણ અને દીવમાં સૌથી વધુ ૧.૭૦ ટકા મત નોટામાં પડ્યા હતા. ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં કુલ ૬૫.૨ લાખ મત નોટામાં પડ્યા હતા, જેમાંથી ૨૨,૨૭૨ મત પોસ્ટલ બેલેટ હતા.
લોકસભા ચૂંટણી ૨૦૧૪માં દેશમાં ૫૯,૯૭,૦૫૪ મતદારોએ નોટોનો વિકલ્પ પસંદ કર્યો હતો. વર્ષ ૨૦૧૪માં મેઘાલયમાં સૌથી વધુ ૨.૮ ટકા મત નોટામાં પડ્યા હતા. આ પછી છત્તીસગઢ ૧.૮ ટકા અને ગુજરાતમાં ૧.૭ ટકા લોકોએ નોટાનું બટન દબાવ્યું હતું. કેન્દ્રશાસિત પ્રદેશોની વાત કરીએ તો પુડુચેરીમાં સૌથી વધુ ૩.૦૧ ટકા મત નોટામાં મત પડ્યા હતા અને દેશમાં કુલ ૬૦.૨ લાખ મત નોટામાં પડ્યા હતા.
એક અહેવાલ અનુસાર, વર્ષ ૨૦૧૮થી ૨૦૨૨ની વચ્ચે પાંચ વર્ષમાં રાજ્ય અને લોકસભા ચૂંટણીઓમાં અંદાજે ૧.૨૯ કરોડ મત નોટામાં પડ્યા હતા. રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં સરેરાશ ૬૪.૫૩ લાખ મત નોટામાં પડ્યા હતા. કુલ ૬૫,૨૩,૯૭૫ (૧.૦૬ ટકા) મત નોટામાં પડ્યા હતા. સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ ચૂંટણી માટે ઈવીએમમાં નોટાનું બટન ઉમેદરવામાં આવ્યું હતું. નિષ્ણાતોના મતે સપ્ટેમ્બર ૨૦૧૩માં સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ ભારતની ચૂંટણીઓમાં નોટાની રજૂઆત કરવામાં આવી હતી.
પક્ષોને નાપસંદ ઉમેદવારોને મેદાનમાં ઉતારતા અટકાવવા માટે નોટાનો વિકલ્પ દાખલ કરવાની જરૂરિયાત પડી હતી. સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને બેલેટ પેપર/ઇવીએમમાં જરૂરી જોગવાઈઓ કરવા નિર્દેશ આપ્યો હતો, જેથી મતદારો મેદાનમાં રહેલા કોઈપણ ઉમેદવારને મત ન આપવાનો નિર્ણય લઈ શકે.