અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ વિભાગે જાહેર માર્ગ- ફુટપાથના દબાણો દૂર કરવા ઝુંબેશ શરૂ કરી
( દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદ શહેરમાં જાહેર રસ્તા પરના દબાણો સામાન્ય બાબત બની ગઈ છે ફેરિયાઓ અને પાથરણાવાળા રસ્તા પર કબજો જમાવીને બેઠા છે, બીજી તરફ દુકાનવાળા ઉપર ફૂટપાથ પર મોટા બોર્ડ કે હોર્ડિંગ્સ મૂકતા હોવાથી નાગરીકને ભારે હાલાકી થાય છે.
આ ઉપરાંત ટ્રાફિક અને પાર્કિંગ સમસ્યા પણ ગંભીર બને છે. સામાન્ય રીતે આ દબાણો દૂર કરવાની જવાબદારી મ્યુનિસિપલ એસ્ટેટ વિભાગની છે. પરંતુ મ્યુનિ. તંત્ર આ મામલે બેદરકાર સાબિત થતા તેની સ્વૈચ્છિક જવાબદારી શહેર ટ્રાફિક પોલીસે લીધી છે તેમજ વિવિધ વિસ્તારોમાંથી આવા દબાણો દૂર કરવામાં આવી રહયા છે.
અમદાવાદ શહેર પશ્ચિમ ટ્રાફિક ડી સી પી નીતા દેસાઈના જણાવ્યા મુજબ ફૂટપાથ પર મૂકવામાં આવેલા બોર્ડ/ બેનર્સ દૂર કરવાની ઝુંબેશ સતત ચાલી રહી છે. ટ્રાફિક વિભાગ તરફથી તમામ વિસ્તારોમાં આ પ્રકારની નિયમિત કાર્યવાહી કરવામાં આવી રહી છે. શહેરની ટ્રાફિક અને પાર્કિંગ સમસ્યા હળવી કરવા તેમજ રાહદારીઓને ચાલવા માટે ખુલ્લી ફૂટપાથ મળી રહે તે માટે જાહેર માર્ગ અને ફૂટપાથ પરના દબાણ દૂર કરવા માટે ટ્રાફિક પોલીસ વિભાગ સજાગ છે.
ટ્રાફિક વિભાગને માત્ર મેમો આપવામાં જ રસ છે તેવો પૂર્વગ્રહ નાગરિકો માં જોવા મળે છે પરંતુ વાસ્તવિકતા એ છે કે જે લોકો નિયમના ઉલ્લંઘન કરે છે તેવા તમામ લોકો સામે ટ્રાફિક વિભાગ ઘ્વારા નિયમ મુજબ પ્રજાલક્ષી કાર્યવાહી થાય છે.