ગુજરાતની આ બેઠક પર ત્રણેય ઉમેદવારો એક જ જ્ઞાતિના હોવાના કારણે આદિવાસી મતોનું થશે વિભાજન
![](https://westerntimesnews.in/wp-content/uploads/2024/04/Bharuch.jpg)
ભરૂચ લોકસભા બેઠક ઉપર ખેલાશે ત્રિપાંખિયો જંગ -છોટુ વસાવાના પુત્ર દિલીપ વસાવા ભારતીય આદિવાસી પાર્ટીમાંથી ચૂંટણી લડશે
દિલીપ વસાવાના નામની જાહેરાતથી ત્રણેય ઉમેદવારો વસાવા જ્ઞાતિના હોવાના કારણે આદિવાસી મતોનું થશે વિભાજન
(પ્રતિનિધિ) ભરૂચ, ગુજરાતમાં લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે.તેમ તેમ રાજકીય માહોલ જોવા મળી રહ્યો છે.જેમાં ભરૂચ લોકસભા બેઠક ઉપર આપ અને કોંગ્રેસના ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવા જાહેર થયા બાદ ભાજપે સાતમી વાર મનસુખ વસાવાને ટિકિટ આપી ઉમેદવાર બનાવ્યા છે.
ત્યારે પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવાના નાના પુત્ર દિલીપ વસાવાનું નામ પણ ભારતીય આદિવાસી પાર્ટી માંથી જાહેર કરવામાં આવતા ભરૂચ બેઠક ઉપર ત્રિપાંખિયો જંગ ખેલાશે.જોકે ત્રણેય પાર્ટીના ઉમેદવારો વસાવા જ્ઞાતિના હોવાના કારણે આ ચૂંટણીમાં આદિવાસો મતોનું વિભાજન જોવા મળશે.
ભરૂચ જીલ્લાના ઝઘડિયાના પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવાને ભારતીય આદિવાસી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે છોટુ વસાવા તો ઉપાધ્યક્ષ તરીકે તેમના પુત્ર દિલીપ વસાવા, રાષ્ટ્રીય મહામંત્રી તરીકે અંબાલાલ જાધવ, મંત્રી રાજુ વસાવા, ગુજરાત પ્રદેશ પ્રમુખ રાકેશ ચૌધરી, રાષ્ટ્રીય સંગઠન મંત્રી રાજુભાઈ વસાવા, ગુજરાત પ્રદેશ મંત્રી મહામંત્રી બહાદુરભાઈ વસાવા, ભરૂચ જિલ્લા પ્રમુખ અશ્વિનભાઈ પટેલ,
ડાંગ જિલ્લા પ્રમુખ નિલેશભાઈ ઝાબરે, નેત્રંગ તાલુકા પ્રમુખ વિજયભાઈ વસાવા ના નામની જાહેરાત કરવામાં આવ્યા બાદ તેઓએ ભરૂચ લોકસભાની બેઠક પર ભારતીય આદિવાસી પાર્ટી માંથી છોટુ વસાવાએ તેમના પુત્ર દીલીપ વસાવાના નામની જાહેરાત કરતા જ રાજકીય માહોલ ગરમાયો છે.આ અંગે ભારતીય આદિવાસી પાર્ટી સહરક્ષક છોટુભાઈ વસાવાએ એક વીડિયોના માધ્યમથી પોતાના પુત્રની ઉમેદવાર તરીકે જાહેરાત કરી છે.
ભરૂચની લોકસભા બેઠક પર હવે ત્રિપાંખિયો જંગ ખેલાવાનો નિશ્ચિત બની ગયો છે.એક તરફ ભાજપના છ ટર્મથી ચૂંટાઈ આવતા મનસુખ વસાવાને સાતમી વખત ટિકિટ આપી પાંચ લાખથી વધુ મતોની લીડથી જીતની આશા સેવી રહ્યા છે.જ્યારે બીજી તરફ ઈન્ડિયા ગઠબંધનના યુવા નેતા અને ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને મેદાનમાં ઉતારતા ચૈતર વસાવા લોક સંપર્ક કરી પોતાની પકડ મજબૂત બનાવી રહ્યા છે.
ત્યારે આદિવાસીઓના નેતા છોટુ વસાવાએ થોડાં દિવસ પહેલાં જ વાસણા ખાતે બેઠક ગોઠવી પોતાના પુત્ર દિલીપ વસાવાની ભારતીય આદિવાસી પાર્ટી માં રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા હતા.ત્યાર બાદ તેઓએ થોડા દિવસોમાં જ લોકસભા બેઠક પર પોતાના ઉમેદવારો ઉતારવાની વાત કરી હતી.ત્યારે આજરોજ છોટુ વસાવાએ ભરૂચ લોકસભાની બેઠક પર તેઓના નાના પુત્ર દિલીપ વસાવાના નામની જાહેરાત કરતા જ રાજકીય માહોલ ગરમાયો છે.
છોટુ વસાવાએ એક વીડિયોના માધ્યમથી દિલીપ વાસવાની ઉમેદવારીની જાહેરાત કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ લોકસભા બેઠક ઉપર ભાજપ માંથી મનસુખ વસાવા,ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવા છે તો હવે ભારતીય ટ્રાયબલ પાર્ટીના ઉમેદવાર દિલીપ વસાવાનું નામ જાહેર થતા જ ભરૂચના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે.ત્યારે ત્રણેય પાર્ટીના ઉમેદવારો વસાવા જ્ઞાતિના હોવાના કારણે આ વખતે આદિવાસી મતોનું વિભાજન થશે.ત્યારે જોવું રહ્યું કે આ વખતની ચૂંટણીમાં કોણ બાજી મારી જાય છે.