પાડોશમાં રહેતી સગીરાને છેડતી બાદ વૃદ્ધે આપઘાત કરવાનું તરકટ રચ્યું
પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી ધરપકડ
સગીરાની માતાએ વૃદ્ધ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધીને વૃદ્ધ આરોપીની ધરપકડ
અમદાવાદ, અમરાઈવાડીમાં પાડોશમાં રહેતા વૃદ્ધે એકલતાનો લાભ લઈને સગીરા સાથે શારીરિક અડપલાં કરતા સગીરા ગભરાઈને પાડોશીના ઘરે જતી રહી હતી. પીડિતાએ પાડોશી વૃદ્ધના કરતૂત અંગે પાડોશીને હકીકત જણાવી હતી. પાડોશીએ સગીરાના માતા-પિતાને જાણ કરી હતી. આરોપીનો ભાંડો ફૂટી જતા વૃદ્ધ ઇન્દિરા બ્રિજ નજીક નર્મદા કેનાલમાં આત્મહત્યા કરવા દોડી ગયો હતો.
ત્યાંથી પત્નીને વીડિયો કોલ કરીને જાણ કરી હતી. સગીરાની માતાએ વૃદ્ધ વિરુદ્ધ અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધીને વૃદ્ધ આરોપીની ધરપકડ કરી છે. અમરાઈવાડીમાં રહેતી ૪૦ વર્ષીય પરણિતા પતિ અને બે સંતાનો સાથે રહે છે. શનિવારે પતિ-પત્ની સામાજિક કામે ગયા હતા અને સગીર દીકરીની પરીક્ષા ચાલતી હોવાથી પાડોશમાં રહેતા સંબંધીને ત્યાં મૂકીને ગયા હતા. સવારે સગીરાને ટ્યૂશન જવાનું હોવાથી ચોપડા લેવા ઘરે આવી ત્યારે પાડોશમાં રહેતા ૬૧ વર્ષીય વૃદ્ધ વિપુલ (નામ બદલેલ છે) સગીરાના ઘરે આવ્યા અને પૂછ્યું કે તારા માતાપિતા ક્યારે આવવાના છે?
સગીરાએ જવાબ આપ્યો કે તેઓ બહારગામ ગયા છે માટે વાર લાગશે. આટલું બોલતાની સાથે જ વૃદ્ધ ઘરમાં અંદર આવી ગયો હતો સગીરા સાથે જબરજસ્તી કરવા લાગ્યો હતો. સગીરા રડતા રડતા અન્ય પાડોશીના ઘરમાં જતી રહી હતી. પાડોશીએ સગીરાને રડવાનું કારણ પૂછતાં સગીરાએ તેની સાથે જે બન્યું તેની આપવીતી જણાવી હતી. પાડોશીએ તાત્કાલિક સગીરાના પિતાને ફોન કરીને જાણ કરી હતી. સગીરાના માતા-પિતા ઘરે આવી ગયા અને દીકરીને પૂછ્યું ત્યારે તેણે હકીકત જણાવી હતી.
બાદમાં માતાએ ફરિયાદ નોંધાવતા અમરાઇવાડી પોલીસે વૃદ્ધની પોક્સો એક્ટ હેઠળ ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે, અમરાઈવાડીના ઇન્સ્પેક્ટર પીડિતાના ઘરે પહોંચી ગયા હતા. તેમણે આરોપી વૃદ્ધના પરિવારની પૂછપરછ શરૂ કરી તે સમયે જ આરોપી વૃદ્ધનો તેની પત્ની પર વીડિયો કોલ આવ્યો હતો કે હું નર્મદા કેનાલ પાસે ઊભો છું અને આપઘાત કરી લઉં છું. હવે મારે નથી જીવવું. અમરાઈવાડી પોલીસે પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી અને એરપોર્ટ પોલીસ ગણતરીની મિનિટોમાં ઇન્દિરા બ્રિજ કેનાલ પહોંચી ગઈ હતી. વૃદ્ધને આપઘાત કરતા પહેલાં જ બચાવી લીધો અને અમરાઈવાડી પોલીસને સોંપી દીધો હતો.ss1