આ કારણસર શિક્ષણ બોર્ડ દ્વારા એક મહિનાં જેટલું વહેલું ધો.10 અને 12નું પરિણામ જાહેર કરવાની તૈયારી
ધો.૧૦-૧૨નું પરિણામ એપ્રિલના અંત સુધીમાં જાહેર કરી દેવાશે
અમદાવાદ, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તાજેતરમાં જ ધો.૧૦ અને ૧૨ ની પરીક્ષા લેવામાં આવી હતી. ત્યારે પરીક્ષા પૂર્ણ થયાને હજુ થોડા દિવસ થયા છે.
બોર્ડ દ્વારા પેપર ચકાસણીની કામગીરી ઝડપથી શરૂ કરવામાં આવી હતી. જેની કામગીરી આજે પૂર્ણ થવા પામી છે. હવે બોર્ડ દ્વારા પરિણામ તૈયારી કરવાની તજવીજ હાથ ધરી છે. એપ્રિલ મહિનાનાં છેલ્લા અઠવાડિયામાં બોર્ડ દ્વારા પરિણામ જાહેર કરવામાં આવે તેવી શક્યતાઓ રહેલી છે. આ વર્ષે લોકસભા ચૂંટણીને કારણે બોર્ડ દ્વારા એક મહિનાં જેટલું વહેલું પરિણામ જાહેર કરવામાં આવનાર છે.
જેથી શિક્ષકોને પરિણામની કામગીરીમાંથી મુક્ત કરી ચૂંટણીની કામગીરી સોંપવામાં આવે. ધો.૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષા તા. ૧૧ માર્ચથી સમગ્ર ગુજરાતમાં શરૂ થઈ હતી. જે પરીક્ષા માર્ચનાં અંત સુધી ચાલી હતી. પરીક્ષા પૂર્ણ થતા તરત જ બોર્ડ દ્વારા શિક્ષકોનાં મધ્યસ્થ મૂલ્યાંકન માટેનાં ઓર્ડર કરવામાં આવ્યા હતા.
ત્યારે બાદ શિક્ષકો દ્વારા મધ્યસ્થ મૂલ્યાંકન માટેની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આજે સમગ્ર રાજ્યમાં પેપર ચકાસણીની કામગીરી પૂર્ણ થતા હવે બોર્ડ દ્વારા પરિણામ તૈયાર કરવાની કામગીરી હાથ ધરાશે.
ગુજરાત બોર્ડ દ્વારા મે મહીનાનાં અંતમાં અથવા જૂન મહિનાની શરૂઆતમાં જ બોર્ડનું પરિણામ અત્યાર સુધી જાહેર કરવામાં આવ્યા છે. આ વર્ષે લોકસભાની ચૂંટણીનાં કારણે બોર્ડ દ્વારા પરિણામ એક મહિનો વહેલું જાહેર કરવામાં આવશે. તેવું જાણવા મળી રહ્યું છે. ધો. ૧૦ અને ૧૨ નું પરિણામ વહેલું જાહેર થતા વિદ્યાર્થીઓનાં આગળ કઈ ફેકલ્ટીમાં પ્રવેશ લેવો તે માટેની પ્રક્રિયા ઝડપી બનશે.