સુરતમાં ઝાડા-ઉલ્ટીના કારણે ઉપરાછાપરી બે મોત થતાં ગભરાટનો માહોલ
આરોગ્ય અને પાણી ખાતાનો કાફલો મેદાનમાં ઉતર્યો
મોતના એક કેસમાં બોરિંગના દૂષિત પાણીનું કારણ મળ્યું બીજા કેસમાં કારણ શોધવા દોડધામ
સુરત, ઉનાળાની શરુઆતમાં જ સુરત જેવા શહેરમાં પાણીજન્ય રોગે માથું ઉંચક્યુ છે. ઝાડા-ઉલ્ટીને કારણે ઉપરાછાપરી ૨ વ્યક્તિના મૃત્યુ થતા ચિંતાનું વાતાવરણ સર્જાયુ છે. કારણો શોધવા આરોગ્ય તંત્ર પણ એકશન મોડમાં આવી ગયું છે. સુરત પાલિકાના આરોગ્ય વિભાગ અને પાણી ખાતાએ ૨૦૦ ઘરોમાં સર્વે પણ હાથ ધર્યો હતો. સુરત શહેરના ગોડાદરા વિસ્તારમાં રહેતી ૨૮ વર્ષીય મહિલા કલાવતીદેવીને ઝાડા-ઉલટી થયા હતા. તેમને પરિવારના સભ્યો નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયા હતા.
જ્યાં ડોક્ટરે તેમને સ્મીમેર હોસ્પિટલ લઈ જવાની સલાહ આપી હતી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન આ મહિલાનું મોત નીપજ્યું છે. અન્ય એક બનાવમાં પુણા વિસ્તારમાં ચેતન પાસવાનના ૨ વર્ષીય બાળક વિષ્ણુ પાસવાનને પણ ઝાડા-ઉલટી થયા હતા. બાળકની સારવાર ખાનગી દવાખાનામાં કરાવવામાં આવી હતી. જો કે, સારવાર કરાવ્યા બાદ પરિવાર બાળકને ઘરે લઈને આવ્યો ત્યારબાદ તેનું કરુણ મૃત્યુ થયું હતુ. હાલ આ બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે.
સુરત પાલિકાએ આ બંને બનાવો ધ્યાનમાં આવતા જ ૧૦ મેડિકલ ટીમ બનાવી છે. મહિલા જ્યાં રહે છે ત્યાં બોરિંગના પાણીનું સેમ્પલ લેવામાં આવ્યું છે. બોરને તાત્કાલિક ધોરણે સીલ કરી પાલિકાએ અલગ અલગ સ્થળોએ પાણીના સેમ્પલ લીધા છે. આ સાથે પાલિકાના અધિકારીઓએ ૨૦૦ જેટલા ઘરોનો સર્વે પણ હાથ ધર્યો છે. આ સાથે ૪૧ જેટલા ટાંકાની સફાઈ પણ કરાવવામાં આવી છે. પાલિકાના આરોગ્ય અધિકારી ડો. પ્રદીપ ઉમરીગરે કહ્યું કે, અમે બંને કેસમાં તેના કારણો શોધવા માટેના તમામ પ્રયાસો હાથ ધર્યા છે.
એક કેસમાં બોરિંગનું દૂષિત પાણી કારણ હોવાનું સામે આવ્યું છે. બીજા કેસમાં પરિવાર યુપીથી આવ્યો હતો. ફરી તેઓ તેમના વતન ચાલ્યા ગયા છે એટલે હિસ્ટ્રી વધારે જાણી નથી શકાઈ. છતાં અમે આસપાસના ઘરોમાં સર્વે કરીને પણ કારણો શોધવા પ્રયાસ કરી રહ્યાં છીએ. ઉનાળામાં પાણીજન્ય રોગ વકરે નહીં તે માટે લોકજાગૃતિ કેળવવા માટે પાલિકા ૮ અલગ અલગ ભાષાઓમાં લોકોને સમજણ પડે તેવી માહિતી પૂરી પાડવામાં આવી રહી છે. હાલ ઉનાળાની સિઝન છે જેથી ડ્રીહાઈડ્રેશન થવાની પણ સંભાવનાઓ છે. આ સ્થિતિમાં આરોગ્ય વિભાગ તમામને સાવચેતી રાખવા અંગેની સૂચના આપી રહી છે.