Western Times News

Gujarati News

ઉત્તર ગુજરાત અને દાહોદમાં વાવાઝોડા સાથે કમોસમી વરસાદ

ખુલ્લામાં પડેલું અનાજ પલળી જતા નુકસાન

દાહોદમાં આકરા તાપ વચ્ચે કરા સાથે ધોધમાર વરસાદ પડ્યો, બે વ્યક્તિ પર આકાશી વીજળી પડતા બંને વ્યક્તિ લકવાગ્રસ્ત બનવા પામ્યા હતા

અમદાવાદ, રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી દિવસ દરમિયાન રાજ્યમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. જેના પગલે દાહોદના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. દાહોદ જિલ્લાના દાહોદ , ઝાલોદ, ગરબાડા પંથકમાં સાંજના સમયે આકરા તાપ વચ્ચે ભારે પવન અને કરા સાથે વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા. ભારે પવન ફૂંકાતા દુકાન પાસેના શેડના છાપરા ઉડતા જોવા મળ્યા હતા. પંથકમાં ધોધમાર વરસાદના પગલે વીજળી ડુલ થવા પામી હતી.

આ સાથે ખુલ્લામાં મૂકેલું અનાજ પણ પલળી ગયું હતું. દાહોદ શહેરમાં આકરી ગરમી વચ્ચે જ કરા સાથે ધોધમાર વરસાદ શરૂ થતા લોકો આશ્ચર્યમાં મૂકાયા હતા. ગણતરીની મિનિટોમાં જ શહેરના રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા. આકરી ગરમી વચ્ચે વરસાદ વરસતા લોકોએ ઠંડકનો અનુભવ કર્યો હતો. દાહોદ શહેર ઉપરાંત જિલ્લાના ઝાલોદ પંથકના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો હતો. ઝાલોદના લીમડી, વરોડ, મિરાખેડી, કચુંબર સહિતના ગામોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો.

મિરાખેડી આસપાસ કરા સાથે વરસાદ વરસતા ધરતીપુત્રો ચિંતિત બન્યા હતા. દાહોદમાં તોફાની વરસાદમાં માંડવ રોડ સબરાડા ગામમાં બે વ્યક્તિ પર આકાશી વીજળી પડતા બંને વ્યક્તિ લકવાગ્રસ્ત બનવા પામ્યા હતા. ઉત્તર ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ભારે ઉકળાટ અને અસહ્ય ગરમીનો અહેસાસ થઈ રહ્યો હતો. દરમિયાન ભર ઉનાળે ગુરુવારે વાદળછાયા વાતાવરણ વચ્ચે કેટલાક વિસ્તારોમાં પવન ફૂંકાયો હતો અને હળવો વરસાદ પડતાં દોડધામ મચી ગઈ હતી.

સાબરકાંઠાના ખેડબ્રહ્મા, ખેરોજ, વડાલી, પોશીના પંથકમાં પવન ફૂંકાવા સાથે ઝરમર વરસાદ વરસ્યો હતો. અરવલ્લીના ભીલોડા પંથકમાં કરા સાથે વરસાદ પડ્યો હતો જ્યારે બનાસકાંઠામાં અમીરગઢ, દાંતા પંથકમાં પવન સાથે વરસાદ વરસ્યો હતો. પવન ફૂંકાવા સાથે પડેલા વરસાદના કારણે ઊભા પાકમાં નુકસાન પહોંચવાની દહેશતથી ખેડૂતો ચિંતિત બન્યા હતા. છોટાઉદેપુર જિલ્લાના કવાંટ પથંકમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. બપોરથી જ કવાંટના કેટલાક ગામોમાં મોસમે અચાનક મિજાજ બદલતા આકરા તાપ વચ્ચે વરસાદ શરૂ થઇ ગયો હતો. વીજળીના કડાકા સાથે વરસાદ ચાલુ રહ્યો હતો. લગ્નસરાની સિઝનમાં રંગમાં ભંગ પડ્યો હતો, બીજીતરફ ખેતીના પાકને નુકસાનની ભીતિ સેવાઇ રહી છે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.