રિલાયન્સે ગીર રક્ષિત વિસ્તારમાં 1,534 ખૂલ્લા કૂવા ફરતે સંરક્ષણ દિવાલ બાંધીને સિંહોની સુરક્ષા સુનિશ્ચિત કરી

પરિમલ નથવાણીના નેતૃત્વમાં RIL ગુજરાતના વન વિભાગ સાથે મળીને પ્રાણીઓના રક્ષણ અને સંવર્ધન માટે કાર્યરત છે
અમદાવાદ, ગુજરાત સરકારના વન વિભાગ સાથે મળીને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આર.આઇ.એલ.) એ ગીર રક્ષિત વિસ્તારમાં 1,534 ખૂલ્લા કૂવા ફરતે સંરક્ષણ દિવાલ બાંધવાનું કાર્ય પૂર્ણ કર્યું છે. આ પહેલનો હેતુ વન વિસ્તારમાં વન્યજીવો, ખાસ કરીને ગુજરાત અને ભારતના ગર્વ સમાન એશિયાટીક સિંહોની સુરક્ષામાં વધારો કરીને તેમને મૃત્યુ તથા ઇજાથી બચાવવાનો છે. “Reliance ensures Lion safety by constructing parapets around 1,534 open wells in Gir Protected Area”
આર.આઇ.એલ.એ ગીરના રક્ષિત વિસ્તારમાં ખૂલ્લા કૂવા ફરતે સંરક્ષણ દિવાલ બાંધવા માટે ગુજરાત સરકારના વન વિભાગ સાથે જૂન 2021માં સમજૂતિ કરાર (એમ.ઓ.યુ.) કર્યો હતો. વન્યજીવ પ્રેમી અને આર.આઇ.એલ.ના કોર્પોરેટ અફેર્સના ડાયરેક્ટર શ્રી પરિમલ નથવાણીના નેતૃત્વ હેઠળ રિલાયન્સે ગીર પૂર્વ વિભાગના સાવરકુંડલા તથા તુલસીશ્યામમાં 638 કૂવા અને ગીર પશ્ચિમ વિભાગના માળિયા, તાલાળા અને કોડિનારમાં 896 કૂવા ફરતે સંરક્ષણ દિવાલ બાંધી છે.
વન્યજીવ પ્રેમી અને ગીરના સિંહો પ્રત્યે વિશેષ લગાવ ધરાવતા શ્રી પરિમલ નથવાણીએ જણાવ્યું હતું કે, “અમે ગીરમાં વન્યજીવો, ખાસ કરીને એશિયાટીક સિંહના રક્ષણ માટે ગુજરાત સરકારના વન વિભાગ સાથે મળીને કામ કરીએ છીએ કારણ કે વન્યજીવોના સંવર્ધન માટે અમે પ્રતિબધ્ધ છીએ. અમારી આ પહેલ એશિયાટીક સિંહો અને અન્ય વન્યજીવોને ગીરના રક્ષિત વિસ્તારમાં તેમજ આસપાસના વિસ્તારમાં ખૂલ્લા કૂવામાં પડીને જીવ ગુમાવવા કે ઇજા પામવાથી બચાવવામાં ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવશે.”
ગીરમાં કૂવાની સંખ્યામાં ઘણો વધારો થયો છે. પરંતુ દુઃખદ રીતે, આ કૂવાની ફરતે સંરક્ષણ દિવાલ નહીં હોવાને કારણે એશિયાટીક સિંહો મારણનો પીછો કરતી વેળાએ કૂવામાં પડી જતાં ગંભીર ઇજા પામે અથવા મૃત્યુ પામે છે.
ભૂતકાળમાં પણ, શ્રી પરિમલ નથવાણીના નેતૃત્વમાં રિલાયન્સે ગુજરાત સરકારના વન વિભાગ સાથે મળીને આ પ્રકારની પહેલ કરી હતી અને ગીર રક્ષિત વિસ્તારમાં 1,294 કૂવા ફરતે સંરક્ષણ દિવાલ બાંધી હતી. શ્રી પરિમલ નથવાણી રાજ્યસભાના સાંસદ પણ છે અને તેમણે સંસદ અને સંસદની બહાર એશિયાટીક સિંહોના રક્ષણ અને સંવર્ધન સાથે સંબંધિત મુદ્દા ઘણી વખત ઉઠાવ્યા છે.