સાઇબર ગઠીયાઓ ચૂંટણી ફંડના નામે લોકો પાસેથી પૈસા પડાવી રહ્યા છે
(એજન્સી)અમદાવાદ, ચૂંટણી નજીક આવતા જ હવે સાયબર ગઠિયાઓ વધુ ને વધુ સક્રિય થઈ રહ્યા છે, ત્યારે અમદાવાદમાં વધુ એક સાયબર ફ્રોડનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં સાઇબર ગઠીયાઓ ચૂંટણી ફંડના નામે લોકો પાસેથી પૈસા પડાવવાની ફરિયાદ નોંધાય છે. ફરિયાદને આધારે પોલીસે ચુંટણી પહેલા ચુંટણીફંડના નામે લોકો પાસેથી રુપિયા પડાવનારી ગેંગનાં એક સભ્યને પકડી પાડી છે.
નેશનલ કોંગ્રેસ પાર્ટી એટલેકે એનસીપી ના નામે ચુંટણી ફંડ મેળવી ટેક્સ બેનિફિટ આપવાની લાલચે લોકો સાથે છેતરપિંડી થતી હોવાની એક ફરિયાદ અમદાવાદ સાઇબર ક્રાઇમમાં નોંધાઈ હતી. પોલીસે ફરિયાદને આધારે ફ્રોડ કરનારી ગેંગનાં એક સભ્યની ધરપકડ કરી છે. જોકે પોલીસ પૂછપરછમાં આ ગેંગના સભ્યએ અનેક ચોંકાવનારા ખુલાસા કર્યા છે.
નેચર્સ સિરિયલ પેકેજીંગ એટલે કે એનસીપીના ભળતા નામે બેંક અકાઉન્ટ ખોલી આ ગેંગ લોકો સાથે ઠગાઈ કરતી હતી. અમદાવાદ સાયબર ક્રાઈમે ગુનો નોંધી મોહમંદ આમીર શેખ નામના આરોપીની ધરપકડ કરી છે. છેલ્લા ૬ મહિનાથી એકાઉન્ટ ખોલી સોશિયલ મીડિયા પર જાહેરાત કરી લોકોના રુપિયા મેળવી ઠગાઈ આચરતા હોવાનું સામે આવ્યું છે.
સાયબર ક્રાઈમે ગુનો નોંધી મોહમદ આમીરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીના બંધન બેંકના અકાઉન્ટની તપાસ કરતા નવેમ્બર ૨૦૨૩ પછી આ એકાઉન્ટમાં ૨ કરોડ ૮૦ લાખ રુપિયા જમા થયા હતા. જે રુપિયાના બદલે આરોપી ૧૦ ટકા રકમ મેળવી અન્ય રુપિયા પરત આપતા અને NCPના નામે બનાવટી પહોંચ પણ આપતા હતા.
જેથી લોકો તેને હકીકત માની ચુંટણી ફંડના નામે રકમ આપતા હોવાનો ખુલાસો થયો છે. આ ગુનામાં વપરાયેલુ એકાઉન્ટ અન્ય એક વ્યક્તિને નોકરી આપવાના બહાને ખોલાવ્યુ હતુ અને તેનો ઉપયોગ છેતરપિંડીમાં થયો હોવાનું સામે આવ્યું છે.ઝડપાયેલા આરોપી મોહમ્મદ આમીરની પુછપરછ કરતા સામે આવ્યુ કે તે ખાનગી ફાયનાન્સ કંપનીમાં ડિમેટ એકાઉન્ટ ખોલવાનુ કામ કરે છે. જેની પહેલા તે ઈવેન્ટ મેનેજ્મેન્ટનું પણ કામ કરતો હતો.