છોટાઉદેપુર જિલ્લામાં કેરીનું આગમનઃ માવઠાના એંધાણથી ચિંતાનું મોજું
![](https://westerntimesnews.in/wp-content/uploads/2023/04/Mango.png)
આંબા ઉપર ફળ જોવા મળ્યા, બે દિવસથી વાદળછાયુ વાતાવરણ સર્જાતા પાક ખરી પડવાની શક્યતા
છોટાઉદેપુર, છોટાઉદેપુર જિલ્લામાં ગાઢ જંગલો આવેલા છે જેમાં કુદરતી રીતે પાકતા ફળ અતિ સ્વાદિષ્ટ લાગતા હોય છે અને અન્ય વિસ્તારના ફળ કરતાં પણ તેનો સ્વાદ મધુર હોય છે. હવે ઉનાળાની સિઝન શરૂ થતા ફળોનો રાજા ગણાતી કેરી આંબા ઉપર ઉગવાની શરૂ થઈ ગઈ છે. આવનારા દિવસોમાં પ્રજાને મનગમતી કેરી ખાવા મળશે,
પરંતુ હાલ વાતાવરણમાં પલટો આવતા કેરીના પાકને નુકસાન થવાની શકયતાઓ પણ વર્તાઈ રહી છે. ભર ઉનાળામાં વાદળછાયુ વાતાવરણ અને અમુક વિસ્તારોમાં પડેલો વરસાદ કેરીના પાકને ગંભીર નુકસાન કરે તેવી ચિંતાએ ખેડૂતોમાં સ્થાન લીધું છે. સીઝન દરમિયાન વાતાવરણમાં ફેરફારો થતા કેરીના પાકને નુકસાન થતું હોય છે. ગત વર્ષે પણ કેરીના પાકને નુકસાન થયું હતું અને ભાવ સાતમા આસમાને જોવા મળ્યા હતા.
છોટાઉદેપુર જિલ્લામાં બે દિવસથી વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે જયારે ઘણા વિસ્તારોમાં માવઠું પણ થયું છે. ગત રોજ છોટાઉદેપુર પંથકમાં કવાંટ તાલુકા વિસ્તાર તથા મધ્યપ્રદેશની સીમાઓ ઉપર વરસાદ થતાં કેરીના પાકને ભારે નુકસાન થયું છે. ફળોનો રાજા ગણાતી કેરી ને ચાલુ વર્ષે ફૂંકાતો પવનો, તથા આકાશમાં ઘેરાતા વાદળો અને કમોસમી વરસાદને કારણે કેરીને યોગ્ય પોષણ ન મળતા ફળ નો જોઈએ તેવો વિકાસ થાય નહિ અને
આંબા ઉપરથી અધવચ્ચે કેરી ખરી પડે તો આવનારા દિવસોમાં ભાવ વધારો થઈ શકે તેવી શકયતાઓ જણાઈ રહી છે જેના કારણે કેરીનો વેપાર કરતા ખેડૂતો પણ મુંઝવણમાં મુકાયા છે.
છોટાઉદેપુર જિલ્લાના ઘણા વિસ્તારોમાં ગતરોજ ભારે પવનો અને થયેલા વરસાદે ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. જેમાં અન્ય ખેતી કરતા ખેડૂતો પણ બાકાત રહ્યા નથી. જિલ્લામાં છૂટો છવાયો વરસાદ થતાં ખેતી તથા પશુઓને ખાવાનો સૂકો ઘાસચારો ખરાબ થઈ ગયો છે ચાલુ સીઝનમાં ફળોનો રાજા ગણાતી કેરી ભારે પવન અને વરસાદના કારણે આંબા ઉપરથી ખરી પડી છે
જેના કારણે આ વર્ષે પણ પ્રજાને કેરી જોઈએ તેવી મળે નહીં તેમ લાગી રહ્યું છે. જયારે વર્ષોથી કેરીનો વેપાર કરતા વેપારીઓ જણાવી રહ્યા છે કે ચાલુ સીઝનમાં વરસાદ થતા કેરીના પાકને નુકસાન થયુ છે. આંબા ઉપરથી કેરી અધવચ્ચે ખરી પડતા નુકસાની વેઠવાનો વારો આવ્યો છે જયારે આવુજ વાતાવરણ રહેશે તો ફળ નો જોઈએ તેવો વિકાસ થાય નહી તેમ જણાવ્યું હતું.
હવામાન વિભાગની આગાહી સાચી સાબિત થતા છોટાઉદેપુર જિલ્લામાં વર્તમાન સીઝનમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. કેરીની ખેતીમાં પણ નુકસાન થવાની સંભાવના રહેલી છે સાથે સાથે મકાઈ, તુવેર, ચણા, તલી, મગ જે પાક ખેતરમાં છે સાથે સાથે સીઝનેબલ શાકભાજી ને ભારે નુકસાન થવાની શકયતાઓ રહેલી છે. જયારે કેરી વરસાદ થતાં અધકચરી હાલતમાં કેરીના ફળ આંબા ઉપરથી ખરી પડયા છે અને ખરાબ પણ થઈ ગયા છે. પૂર્ણ ફળ વિકસિત ન થતા જોઈએ તેવા ભાવ મળે નહી.
જેના કારણે ઘણા વેપારીઓ ને રડવાનો વારો આવ્યો છે. એક તરફ કારમી મોંઘવારી અને મંદીનો માહોલ અને બીજી બાજુ કુદરતી પ્રકોપ વચ્ચે ખેડૂતો અને વેપારીઓ ત્રાહિમામ પોકારી ઉઠયા છે.
છોટાઉદેપુર જિલ્લામાં રાજાપુરી, લંગડો, કેસર, જેવી અન્ય જાતની કેરીનો પાક ખૂબ મોટાપ્રમાણમાં થાય છે અને રાજયના ઘણા વિસ્તારોમાં વેચાવા અર્થે જાય છે પરંતુ ચાલુ વર્ષે અધવચ્ચે કેરીઓ આંબા ઉપરથી ખરી પડતા વેપારીઓને માથે હાથ મૂકીને રડવાનો વારો આવ્યો છે
તેની સાથે પશુઓના આહાર માટેનો સૂકો ઘાસચારો પણ ખરાબ થઈ ગયો છે ઘણું મોટું નુકસાન ગયું છે તેમખેડૂતો જણાવી રહ્યા છે આની સાથે મકાઈ પણ પલળી જવાની સંભાવના રહેલી છે. આવનાર દિવસોમાં ચોમાસુ આવશે, જેમાં પણ દર વર્ષની જેમ ભારે મંદી જોવા મળે છે.