Western Times News

Gujarati News

વર્ષમાં ૩૩ હજાર કિલોથી વધુ પ્લાસ્ટિકનો જથ્થો AMCએ જપ્ત કર્યાે

પ્રતિકાત્મક

સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે ૨૦૨૩-૨૪માં પ્રતિબંધિત પ્લાસ્ટિકના વપરાશ, વેચાણ, ઉત્પાદન વગેરે મામલે કડક હાથે કામગીરી કરી

અમદાવાદ, શહેરીજનોને વરસાદી ઋતુમાં સામાન્ય વરસાદ પડે તો પણ ઠેરઠેર જળબંબાકાર થવાની સ્થિતિનો વારંવાર કડવો અનુભવ થતો આવ્યો છે. અનેક નાગરિકોને ઘૂંટણસમાં પાણી બરાઈ જવાથી નોકરી-ધંધાના સ્થળે જવામાં પારાવાર તકલીફો ઉઠાવવી પડે છે. ઉપરાંત ઘર અને ઓફિસોમાં વરસાદી પાણી ભરાઈને હાહાકાર પણ મચાવે છે.

સેંકડો વાહનો ઠપ થઈ જતાં નાગરિકોના માથે તેના રિપેરિંગનો ભારે ખર્ચાે આવી પડે છે. આ બધામાં મુખ્ય કારણભૂતરૂપ જો હોય તો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો બેરોકટોક થતો ઉપયોગ છે. આવા પ્લાસ્ટિકથી વરસાદી પાણીનું વહન કરનારી લાઈનના કેચપિટ અને ગટરલાઈનના મશીન હોલ ચોકઅપ થઈ જાય છે, જેના કારણે નાગરિકોને ભારે મુસીબત પડે છે.

મ્યુનિ.તંત્ર દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિકની સામે કડક હાથે કાર્યવાહી કરાઈ રહી છે. તંત્રનો સત્તાવાર રિપોર્ટ દર્શાવે છે કે નાણાંકીય વર્ષ ૨૦૨૩-૨૪માં સત્તાધીશોએ શહેરભરમમાંથી ૩૩ હજાર કિલોથી વધુ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કર્યાે હતો.

તંત્ર દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિકના વપરાશ, વેચાણ, સંગ્રહ અને ઉત્પાદનના મામલે લાલ આંખ કરાઈ રહી છે. રોજેરોજ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો મોટો જથ્થો મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા જપ્ત કરવામાં આવી રહ્યો છે. શાકભાજીની લારીઓ કે પાથરણાંવાળા પ્રતિબંધિત ઝભલા થેલીનો વપરાશ કરવાનું ટાળે તે માટે પણ સત્તાધીશો પ્રયત્નશીલ છે.

ચાની કીટલીઓ વગેરે સ્થળોએ વપરાતા પેપરકપ તેમજ પાનની દુકાનોમાં ઉપયોગમાં લેવાતા પ્લાસ્ટિકનાં રેપર વગેરે સામે પણ સત્તાવાળાઓ કડકાઈથી કામ લઈ રહ્યા છે, જેના પગલે હવે શહેરના મોટા ભાગના વિસ્તારોમાં ઝભલા થેલી જેવા પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ કરવામાં લારી-ગલ્લાવાળાઓ સહિતના ધંધાર્થીઓ ખચકાટ અનુભવી રહ્યા છે. કરિયાણા અને દૂધની દુકાનોમાં પણ સહેલાઈથી ઝભલા થેલી ગ્રાહકોને અપાતી નથી. અમુક ધંધાર્થી છાનીછપની રીતે પોતાના ગ્રાહકોને ઝભલા થેલી આપતા જોવા મળી રહ્યા છે.

સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગનો ગત નાણાંકીય વર્ષ ૨૦૨૩-૨૪નો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવાનો રેકોર્ડ દર્શાવે છે કે વર્ષ દરમિયાન કુલ ૩૩,૧૪૩.૩૧૫ કિલો જથ્થો તંત્રએ જપ્ત કર્યાે હતો.

આ કાર્યવાહીને મહિના મુજબ તપાસતાં એપ્રિલ-૨૦૨૩માં ૧૦૨૪.૪૫ કિલો, મેમાં ૧૦૭૦.૨૭ કિલો, જૂનમાં ૧૭૬૩.૮૫૫ કિલો, જુલાઈમાં ૭૬૨.૨૯ કિલો, ઓગસ્ટમાં ૬૮૭.૨૨ કિલો, સપ્ટેમ્બરમાં ૫૨૭૭.૭૯ કિલો, ઓક્ટોબરમાં ૧૨,૮૯૪.૬ કિલો, નવેમ્બરમાં ૨૮૨૧.૪ કિલો, ડિસેમ્બરમાં ૨૬૫૭.૬ કિલો જથ્થો તંત્ર દ્વારા જપ્ત કરવામાં આવ્યો હતો.

જ્યારે ચાલુ નાણાંકીય વર્ષના જાન્યુઆરી-૨૦૨૪ના મહિનામાં તંત્રએ ૧૬૫૧.૧૧ કિલો, ફેબ્રુઆરીમાં ૧૧૮૦.૨૫ અને માર્ચમાં ૧૩૫૨.૦૮ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કર્યાે હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.