ઓનલાઇન આઇડીથી રમાડાતા ક્રિકેટ સટ્ટાબેટિંગના નેટવર્કનો પર્દાફાશ
અમદાવાદ, અમદાવાદ, શહેરની ચાંદખેડા પોલીસે ઓનલાઇન આઇડી મારફતે આઇપીએલની કોલકત્તા નાઇટ રાઇડર્સ અને લખનઉ સુપર જાન્ટ્સની મેચ પર ક્રિકેટ સટ્ટાબેટિંગના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. પોલીસે બાતમીના આધારે જગતપુર સેવી સ્વરાજ સ્પોટ્ર્સ ક્લબની સામે આકાંક્ષા એપાર્ટમેન્ટમાં રેડ કરીને છ સટોડિયાઓની ધરપકડ કરીને ચારથી વધુ વોન્ટેડ શખ્સોની શોધખોળ હાથ ધરી છે.
આરોપીઓએ દિલ્હી અને મુંબઇના શખ્સ પાસેથી સટ્ટો રમવા માટે આઇડી ખરીદ્યા હતા અને રાજસ્થાનના શખ્સ પાસે સટ્ટો કપાવતા હતા.
જોકે, પોલીસે રેડ કરતા આ તમામ સટોડિયાઓ તેમના ગ્રાહકોને ઓનલાઇન મીટિંગ એપ્લિકેશન પર ભેગા કરીને સટ્ટાબેટિંગનું નેટવર્ક ચલાવતા હોવાની નવી જ મોડસ ઓપરેન્ડી સામે આવી હતી.
ચાંદખેડાના પીઆઇ નિકુંજ સોલંકી અને સર્વેલન્સ સ્ક્વોડના પીએસઆઇ વી. જી. ડાભીએ બાતમીના આધારે જગતપુર સેવી સ્વરાજ સ્પોટ્ર્સ ક્લબની સામે આકાંક્ષા એપાર્ટમેન્ટમાં ફ્લેટના જી બ્લોકના ૧૩૦૪ નંબરના મકાનમાં રેડ કરી ત્યારે છ શખ્સો ટીવી પર મેચ ચાલુ રાખીને લેપટોપ અને ફોન મારફતે સટ્ટો રમતા અને રમાડતા હતા.
જેને લઇને પોલીસે આરોપી પ્રવીણ ઘાંચી, દિપક કુમાર, યતીન ખુરાના, હરેન્દ્ર ડીડેલ, બસંતકુમાર (તમામ રહે. સેવી સ્વરાજ) તથા આશિષ પાલીવાલ (રહે. પેસિફિકા સોસા. વૈષ્ણોદેવી)ની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપી પ્રવીણ અને દિપકે અન્ય લોકોને ફ્લેટમાં સટ્ટો રમવા માટે ભેગા કર્યા હતા. આરોપીઓએ મુંબઇના રાહુલ ચોરસિયા પાસેથી સટ્ટો રમવા માટેના આઇડી લીધા હતા.
આ તમામ આરોપીઓ તેમના ગ્રાહકોને લેપટોપમાં ઝૂમ એપ્લિકેશનથી ઓનલાઇન મીટિંગમાં બોલાવી ગ્રાહકોના કહેવા મુજબના સોદાઓ ઓનલાઇન કરીને સટ્ટો રમતા હતા. જેને લઇને પોલીસે છ આરોપીઓની ધરપકડ કરીને પાંચ લેપટોપ, ૧૭ મોબાઇલ ફોન અને દારૂની બોટલો સહિત કુલ રૂપિયા ૪.૨૩ લાખનો મુદ્દામાલ જપ્ત કરી અન્ય ચાર લોકોની શોધખોળ હાથ ધરી છે.SS1MS