કારચાલક વળવાની ગલી ચૂકી જતાં કાબૂ ગુમાવ્યો, બે કોન્સ્ટેબલને અડફેટે લીધા
અમદાવાદ, સિંધુભવન રોડ પર સોમવારે રાત્રે ટ્રાફિક પોલીસ તહેનાત હતી. ત્યારે રાત્રે પોણા બે વાગ્યે બે પોલીસ કોન્સ્ટેબલ ગોટીલા ગાર્ડન પાસે હાજર હતા.
ત્યારે એક કારચાલક પુરઝડપે કાર હંકારીને આવતા બંને કોન્સ્ટેબલના વાહનને ટક્કર મારતા તે બંને હવામાં ફંગોળાઇને ગાડીના બોનેટ પર પટકાયા હતા. જેને લઇને એન ડિવિઝન ટ્રાફિક પોલીસે ઇજાગ્રસ્તને સારવાર માટે ખસેડી આરોપી કારચાલકની ધરપકડ કરી છે.
પોલીસનું કહેવુ છે કે કારચાલકને એક ગલીમાં વળવાનું હતું પણ તે ગલી ચૂકી જતા સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવી બેસતા આ ઘટના બનવા પામી હતી. વેજલપુરમાં રહેતા હિતેશકુમાર સોલંકી એન ડિવિઝન ટ્રાફિક પોલીસસ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે.
સોમવારે રાત્રે ૧૦થી વહેલી સવારે ૪ સુધી સિંધુભવન રોડ પર આવેલા જાજરમાન ચાર રસ્તા પર તેમની ફરજ હતી. રાત્રે પોણા બે વાગ્યે પેટ્રોલીંગ કરતા કરતા તે ગોટીલા ગાર્ડન પાસે પહોંચ્યા ત્યારે તે પોઇન્ટ પર કોન્સ્ટેબલ અનિશ યાકુબખાન મળતા હિતેશકુમાર પાણી પીવા રોકાયા હતા.
તે દરમિયાનમાં સિંધુભવન ચાર રસ્તા તરફથી એક કારનો ચાલક પુરઝડપે ગાડી હંકારીને આવ્યો અને બંને પોલીસ કર્મીના વાહનને ટક્કર મારી હતી. જેમાં બંને પોલીસ કોન્સ્ટેબલ ઉછળીને કારના બોનેટ પર પટકાયા હતા અને કાર દિવાલ સાથે અથડાઇને ઉભી રહી ગઇ હતી.
બંને પોલીસ કર્મીઓને હાથ અને પગના ભાગે ઇજાઓ પહોંચી હતી. ત્યાં રાત્રે રસ્તે જતા લોકોએ કાર ચાલક જયદીપ ઝાલા (ઉ.૨૧, રહે. પારિજાત આવાસ યોજના, બોડકદેવ) ને પકડીને પોલીસને સોંપ્યો હતો. એન ડિવિઝન ટ્રાફિક પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપી કારચાલક જયદીપ ઝાલાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
મોડી રાત્રે બનેલી આ ઘટનાને લઇને ફરિયાદ નોંધી બંને પોલીસ કોન્સ્ટેબલને સારવાર માટે ખસેડ્યા છે. કારચાલકની પૂછપરછ કરતા તે તેના મામાના ઘરેથી ગાડી લઇને બનાવ સ્થળ પાસે આવેલા તેના ઘરે જતો હતો. એકતરફના રોડ પર એએમસી દ્વારા કામ ચાલતુ હોવાથી તેને જે ગલીમાં વળવાનું હતું તે ગલી ચૂકી જતા કાબુ ગુમાવી બેઠો હતો. તેણે કોઇ નશો કર્યો છે કે કેમ તે બાબતની તપાસ માટે મેડિકલ ટેસ્ટ કરાવ્યા છે.SS1MS