આફ્રિકી દેશ બુર્કીના ફાસોમાં આતંકવાદી હુમલો, 40નાં મોત
બુર્કીના ફાસો, (આફ્રિકા) આફ્રિકી દેશ બુર્કીના ફાસોમાં મંગળવારે થયેલા આતંકવાદી હુમલામાં ઓછામાં ઓછા 35 નાગરિકો માર્યા ગયા હતા એમ આ દેશના પ્રમુખ રોશ માર્ક કાબોરે પોતે જાહેર કર્યું હતું.આમ તો આ દેશમાં નાની મોટી ડઝનબંધ આતંકવાદી સંસ્થાઓ છે અને અવારનવાર આવા હુમલા તથા અંદર અંદર અથડામણો થતી રહે છે.
જો કે કાબોરે જણાવ્યું એમ મંગળવારનો હુમલો છેલ્લાં પાંચ વર્ષમાં સૌથી મોટો હુમલો હતો. મરણ પામેલા લોકોમાં સૌથી વધુ મહિલાઓ હતી. અન્ય એક અહેવાલ મુજબ માર્યા ગયેલા લોકોનો આંકડો 40નો હતો. આતંકવાદીઓ સાથેની અથડામણમાં સાત સિક્યોરિટી જવાનો પણ માર્યા ગયા હતા એમ કાબોરે મિડિયા સાથેની વાતચીત દરમિયાન કહ્યું હતું. પ્રમુખ કાબોરે સમગ્ર દેશમાં બે દિવસનો શોક જાહેર કર્યો હતો. સિક્યોરિટી દળો તપાસ કરી રહ્યા હતા. હજુ સુધી કોઇ આતંકવાદી જૂથે આ હુમલાની જવાબદારી સ્વીકારી નથી.