પાકિસ્તાનમાં ભારે વરસાદને કારણે ચાર દિવસમાં ૬૩ લોકોના મોત
લાહોર, પાકિસ્તાનમાં વીજળી અને ભારે વરસાદને કારણે ચાર દિવસમાં ૬૩ લોકોના મોત થયા છે. ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર સૌથી વધુ મોત પાકિસ્તાનના ઉત્તર પશ્ચિમમાં સ્થિત ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં થયા છે. અહીં બિલ્ડિંગ ધરાશાયી થવાને કારણે ૩૨ લોકોના મોત થયા હતા, જેમાં ૧૫ બાળકો અને પાંચ મહિલાઓનો સમાવેશ થાય છે.
ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના પ્રવક્તા ખુર્શીદ અનવરના જણાવ્યા અનુસાર ઉત્તર-પશ્ચિમમાં ડઝનેક લોકો ઘાયલ થયા છે અને ૧૩૭૦ મકાનોને નુકસાન થયું છે.
આંકડાઓ અનુસાર, પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં વીજળી પડવાની અને મકાન ધરાશાયી થવાની ઘટનાઓમાં ૨૧ લોકોના મોત થયા છે, જ્યારે બલૂચિસ્તાનમાં ૧૦ લોકોએ જીવ ગુમાવ્યા છે.
બલૂચિસ્તાનમાં બુધવારે બચાવ અને રાહત કામગીરી ચાલુ છે, જોકે વરસાદનો ખતરો હજુ પણ યથાવત્ છે.અચાનક આવેલા પૂર બાદ કટોકટીની સ્થિતિ જાહેર કરવામાં આવી છે. પાકિસ્તાન હવામાન વિભાગના વરિષ્ઠ અધિકારી ઝહીર અહમદ બાબરે જણાવ્યું હતું કે હવામાન પરિવર્તનના કારણે પાકિસ્તાનમાં એપ્રિલ મહિનામાં ભારે વરસાદ થઈ રહ્યો છે.
બાબરે કહ્યું કે, અત્યાર સુધી બલૂચિસ્તાનમાં સામાન્ય કરતાં ૨૫૬ ટકા વધુ વરસાદ થયો છે. સમગ્ર પાકિસ્તાનમાં આ મહિને સામાન્ય કરતાં ૬૧ ટકા વધુ વરસાદ થયો છે અને આ દર્શાવે છે કે આપણા દેશમાં ક્લાઈમેટ ચેન્જ થઈ ચૂક્યો છે.
તેમણે જણાવ્યું કે ૨૦૨૨માં ભારે વરસાદને કારણે નદીઓ છલકાઈ ગઈ હતી અને એક સમયે પાકિસ્તાનનો એક તૃતીયાંશ ભાગ પૂરથી ઢંકાઈ ગયો હતો. જેમાં ૧,૭૩૯ લોકોએ જીવ ગુમાવ્યા હતા.
પૂરને કારણે ૩૦ બિલિયન યુએસ ડૉલરનું નુકસાન પણ થયું હતું, જેમાંથી પાકિસ્તાન હજુ પણ બહાર આવવાનો પ્રયાસ કરી રહ્યું છે.પડોશી અફઘાનિસ્તાનમાં પણ આ મહિને ભારે વરસાદ થયો છે. વરસાદ સંબંધિત ઘટનાઓમાં અત્યાર સુધીમાં ૩૩ લોકોના મોત થયા છે.SS1MS