ક્રાઉડફંડિંગનું યોગ્ય રીતે નિયમન ન થાય તો અરાજકતા પેદા થઈ શકે: હાઇકોર્ટ
અમદાવાદ, તૃણમૂલ કોંગ્રેસના નેતા સાકેત ગોખલે દ્વારા ૨૦૨૨માં ક્રાઉડફંડિંગ દ્વારા ઊભા કરાયેલા નાણાંનો દુરૂપયોગ કરવાને મામલે થયેલા ફોજદારી કેસની સામે ગોખલેએ હાઇકોર્ટ સમક્ષ કરેલી રિટની સુનાવણી દરમિયાન જસ્ટિસ એચ.ડી.સુથારે એવી ટકોર કરી હતી કે,‘ક્રાઉડફંડિંગનું યોગ્ય રીતે નિયમન ન થાય તો અરાજકતા પેદા થઈ શકે છે.’
એ ઉપરાંત હાઇકોર્ટે અરજદારને એવો સવાલ પણ કર્યો હતો કે,‘ક્રાઉડફંડિંગ માટે ભારતમાં કોઇ ચોક્કસ કાયદો છે?’ આ કેસની વધુ સુનાવણી પહેલી મેના રોજ મુકરર કરવામાં આવી છે. ગોખલેએ તેમની સામેનો કેસને રદ કરવાની અરજી હાઇકોર્ટ સમક્ષ કરી છે.
જેમાં જસ્ટિસ સુથારે ટકોર કરી હતી કે,‘ભારતમાં ક્રાઉડફંડિંગનો કન્સેપ્ટ અત્યંત નવો છે, ત્યારે શું ભારતમાં તેના માટે કોઈ નિયમન અથવા કાનૂની માન્યતા છે.
શું ભારતમાં ક્રાઉડફંડિંગ માટે કોઈ ચોક્કસ નિયમ છે? ઘણા દેશોએ તેના પર પ્રતિબંધ મૂક્યો છે.’ અરજદાર સાકેત ગોખલે દ્વારા ૨૦૨૨ માં અમદાવાદ પોલીસના સાયબર સેલ દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદ રદ કરવા માટે હાઇકોર્ટમાં અરજી કરી હતી. ગોખલેએ ક્રાઉડફંડિંગ અને રોકડ ટ્રાન્સફર દ્વારા એકત્ર કરેલા આશરે રૂ. ૧.૦૭ કરોડનો દુરૂપયોગ કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.
ગોખલેને અગાઉ એપ્રિલ ૨૦૨૩માં આ કેસના સંબંધમાં સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા હતા. જોકે, હાઇકોર્ટ સમક્ષના કેસમાં ગોખલે તરફથી એડવોકેટ દ્વારા દલીલ કરવામાં આવી હતી કે, અરજદારે નાણાંકીય ભંડોળ એકત્ર કરવામાં કોઈ છેતરપિંડી કરી નથી.
તેમણે ત્રણ ઓનલાઈન ઝુંબેશ ચલાવી હતી અને તેને ટકાવી રાખવા માટે દાન માગ્યું હતું. એટલું જ નહીં, આ તમામ ઝુંબેશ ફોજદારી કેસની નોંધણીના પાંચ મહિના પહેલા સમાપ્ત થઈ ગઈ હતી. ફરિયાદીએ પોતે પણ સ્પષ્ટપણે જણાવ્યું છે કે, તેમણે કેટલીક રકમ ‘દાન’ કરી છે. તે સિવાય જે રૂપિયા પ્રાપ્ત થયા છે એ તમામ નાણાં સ્વૈચ્છિક દાન દ્વારા હતા.’SS1MS