Western Times News

Gujarati News

ખેતરમાં લાશ ફેંકી નાનો ભાઈ ઘરે જઈ શાંતિથી ઊંઘી ગયો

સુરત, પોલીસના કહેવા પ્રમાણે ડિંડોલી મધુરમ સર્કલથી ચલથાણ તરફ જતા કેનાલ રોડ પરના ખેતર કિનારે એક યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. યુવકના ગળા તથા ચહેરાની આસપાસ તથા છાતીના ભાગે તિક્ષ્ણ હથિયારના ઉપરાછાપરી ઘા મારવામાં આવ્યા હતા.

મૃત યુવકના હાથમાં ભગવાન બુદ્ધનું ટેટુ ચિતરાવેલું હતું. તેના આધારે પોલીસે ઉધના અને પાંડેસરામાં બૌદ્ધ સમાજના લોકોનો સંપર્ક સાધી તપાસ હાથ ધરી હતી. દરમિયાન એવી વિગત બહાર આવી હતી કે, મૃત યુવક વેસુના સુડા આવાસમાં રહેતો હતો.

પોલીસે વેસુ સુડા આવાસમાં બચ્છાવ પરિવારનો સંપર્ક કર્યો હતો. મૃતકની ઓળખ ગોવિંદા ઉર્ફે ગોવિંદ (ઉં.વ. ૩૦) તરીકે થઈ હતી. મૃતકની માતાએ કહ્યું કે, તેનો દીકરો છેલ્લે નાના દીકરા સાથે ગયો હતો. ત્યારપછીથી તે ગાયબ હતો.

એટલે પોલીસે મૃત યુવક ગોવિંદના સગીર વયના નાના ભાઈની પૂછપરછ કરી હતી. પોલીસે થોડી કડકાઈ દાખવતા તે ભાંગી પડ્યો હતો અને ગોવિંદાની હત્યા પોતે પિતરાઈ ભાઈ સાથે મળી કરી હોવાની કબૂલાત કરી હતી. હત્યારા નાના ભાઈએ પોલીસને કહ્યું કે, મોટો ભાઈ ગોવિંદ ઝઘડાળુ સ્વભાવનો હતો. આવા સ્વભાવના લીધે તેની પત્ની તેને છોડીને જતી રહી હતી. તે માતાને પણ સતત મારતો હતો.

બનાવના આગલા દિવસે મોટા ભાઈએ માતાને મારી હતી. માતાએ ફોન કરી રડતા રડતાં ફરિયાદ કરી હતી. એટલે આવેશમાં આવી સગીર નાના ભાઈએ મોટા ભાઈની હત્યાનો પ્લાન બનાવ્યો હતો.

હત્યાનો પ્લાન બનાવ્યા બાદ નાનો ભાઈ કડોદરા રહેતી બહેન પાસે જવું છે એમ કહી પિતરાઈ ભાઈ સાથે મોટાભાઈને બાઈક પર બેસાડી લઈ ગયો હતો. રાત્રે સાડા બાર વાગ્યાના અરસામાં ડિંડોલી પાસે બાઈક ઉભી રાખી માતાને કેમ મારે છે? એમ કહી તિક્ષ્ણ હથિયારના ઉપરાછાપરી ઘા મોટા ભાઈને મારી તેની હત્યા કરી હતી.

મોટા ભાઈની હત્યા કર્યા બાદ જાણે કશું બન્યું જ નથી એમ તે ઘરે આવી ગયો હતો. પિતરાઈ પણ પોતાના ઘરે જતો રહ્યો હતો. કિશોરે લોહીથી ખરડાયેલા કપડાં ધોઈ કાઢ્યા હતા. બાઈક પરથી લોહીના ડાઘાં સાફ કર્યા હતા અને જાણે કશું બન્યું નહીં હોય તેમ નિરાંતે ઉંઘી ગયો હતો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.