Western Times News

Gujarati News

તીડના મુદ્દે કોંગ્રેસ-ભાજપના સાંસદ વચ્ચે ઉગ્ર બોલાચાલી

અમદાવાદ: પાકિસ્તાન અને રાજસ્થાન થઈને ગુજરાતમાં પ્રવેશેલા તીડના ઝુંડે ઉત્તર ગુજરાતના ચાર જિલ્લામાં ખેતીને વ્યાપક નુકસાન પહોંચાડ્‌યું છે. ગુરુવારે રાજસ્થાન તરફથી તીડનું ૧૦ કિમી વિસ્તારમાં ફેલાયેલું વધુ એક વિશાળ ઝૂંડ બનાસકાંઠામાં ઘૂસ્યું છે. ત્યારે તેનાથી હજારો હેક્ટર ખેતરમાં ઊભા પાકને નુકસાનની ભીતિ છે.

ત્યારે આજે થરાદ તાલુકામાં તખુવા ગામે કોંગ્રેસના સ્થાનિક ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત અને બનાસકાંઠાના ભાજપના સાંસદ પરબત પટેલ તીડ પ્રભાવિત વિસ્તારની મુલાકાતમાં એક જગ્યાએ ભેગા થઈ ગયા હતા. વાતચીતથી શરૂ થયેલો મામલો ઉગ્ર બોલાચાલી સુધી પહોંચ્યો હતો.

ખેડૂતોને તીડના આક્રમણથી થયેલા નુકસાન અપાવવા બાબતે બે નેતાઓ સામસામે આવી જતા લોકોના ટોળા ઉમટ્યા હતા. તો આજે થરાદ પંથકમાં ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ તીડગ્રસ્ત ગામોની મુલાકાત લઇ ખુદ થાળી-વેલણ વગાડી તીડને ભગાડવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે ખેડૂતોને તીડ મામલે તમામ સહાયનું આશ્વાસન પણ આપ્યુ હતું. થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત પોતાની કારના દરવાજામાં ઊભા રહી ગયા હતા અને બનાસકાંઠાના સાંસદ પરબત પટેલ રોડ પર ઊભા રહીને સામસામે આવી ગયા હતા.

બંને વચ્ચેની બોલાચાલી દરમિયાન રોડ પર વાહનો ઊભા રહી ગયા હતા અને લોકોનો ટોળા વળ્યા હતા. સહાય બાબતે બંને નેતાઓ એકબીજા પર આરોપ-પ્રત્યારોપ કરી રહ્યા હતા. ખેડૂતોને એક લાખ રૂપિયા આપવા માંગ કરાય છે તેમાં હાસ્યના મોજા પણ જોવા મળ્યા હતા. ગુલાબસિંહ બોલાચાલી વખતે આક્રમક દેખાયા હતા જ્યારે સાંસદ પરબત પટેલ હળવામૂડમાં જણાતા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.