સોલાપુરમાં સિંગદાણાની પાર્ટીએ ફૂલેકું ફેરવતાં કેશોદના વેપારીઓના છ કરોડ ફસાયા
જૂનાગઢ, મહારાષ્ટ્રના સોલાપુર ખાતે સિંગદાણાનો ધંધો કરતી એક પાર્ટી ફુલેકું ફેરવીને ઉઠી જતા જૂનાગઢના કેશોદના વિવિધ વ્યાપારીઓના આશરે છ એક કરોડ રૂપિયા ફસાઈ ગયા હોવાની વિગતો સામે આવી છે. અન્ય સેન્ટરના વ્યાપારીઓના પણ રૂપિયા ફસાયા છે. જેના પગલે હાલ વેપારીઓ વચ્ચે ફોનથી સતત ચર્ચાઓ થઈ રહી છે.
કેશોદમાં સિંગદાણા બનાવતા આશરે ર૦૦ જેટલા નાના-મોટા યુનિટો ચાલે છે જેમાં કેટલાક તો વરસોથી આ ધંધા સાથે સંકળાયેલા છે. વેપારી સૂત્રોના જણાવ્યા મુજબ વરસોથી સિંગદાણાનો ધંધો કરતો એક પેઢીની ઉઠાંતરી થતા વીસેક કરોડ રૂપિયા વિવિધ સેન્ટરોના વ્યાપારીઓના ફસાયા છે
જેમાં કેશોદ વિસ્તારના વ્યાપારીઓના છએક કરોડ રૂપિયા ફસાયા છે. સોલાપુરની આ પાર્ટી સિંગદાણા મોટાભાગે જૂનાગઢ જિલ્લામાંથી વધારે પ્રમાણમાં માલ મંગાવતી અને જે રકમ ફસાઈ છે તેમાં મોટાભાગની કેશોદ અને જૂનાગઢની જ છે તેમ ચર્ચાય છે જોકે આ મામલે કોઈ ખુલીને બોલવા તૈયાર નથી.
જે વ્યાપારીઓની રકમ ફસાઈ છે તેમાં આ ધંધામાં નવા આવેલા વ્યાપારીઓની વિશેષ છે. ધંધો કરી લેવાની લાલચે માલ આપતા રહયા અને ફસાઈ ગયા છે. કેશોદમાં અત્યારે આવા આશરે ર૦૦ યુનીટો કામ કરે છે તેમ અન્ય સેન્ટરોમાં પણ આટલા જ યુનીટો કામ કરે છે જેથી માલ ખરીદનાર પાર્ટીને ભારે અનુકૂળતા રહે છે. પહેલા એક અઠવાડીયે પેમેન્ટ આપવાની શરતે માલ ખરીદે છે પછી બે અઠવાડીયે પેમેન્ટ કરે છે.
પછી ત્રણ અઠવાડિયા કરે છે પછી ચાર અઠવાડીયા કરે છે અને આમ પેમેન્ટની શરત વધારતા જાય છે અને છેલ્લે નવરાત્રી નાખે છે. આ પધ્ધતીથી આવા બાયરોને જોઈએ તેટલો માલ મળી રહે છે. અત્યારે આવા વ્યાપારીઓ અને દલાલો વચ્ચે ચર્ચા દરમીયાન કોના કેટલા રૂપિયા ફસાણા, કોણ રૂબરૂ ગયુ, કોના કેટલા રૂપિયા આવ્યા? આ ચર્ચા જ વધારે થતી હોય છે.