અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન પ્રદુષિત પાણી છોડતી ફેકટરીઓના જોડાણ કાપવા ઝુંબેશ શરૂ કરશે
કોર્પોરેશન દ્વારા અસરકારક કાર્યવાહી ન થાય તો સીટી ઈજનેર (વો.રિસોર્સ) સામે પણ કાર્યવાહી થઈ શકે છે: સુત્ર
(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા સાબરમતી નદીનું પ્રદુષણ ઓછું કરવા માટે ટુંક સમયમાં કડક કાર્યવાહી કરવામાં આવી શકે છે. શહેરની જુદી જુદી જીઆઈડીસીના સીઈટીપીમાંથી છોડવામાં આવતા પ્રદુષિત પાણી તેમજ વિંઝોલ અને પીરાણા સહિત સુઅરેઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં કેમીકલયુક્ત પાણી છોડતી ફેકટરીઓના કનેકશન કાપવામાં આવે તેવી શકયતા જોવા મળી રહી છે.
ચોંકાવનારી બાબત એ છે કે ગુજરાત પ્રદુષણ બોર્ડે કોર્પોરેશનના ૪ એસટીપીમાં ધારાધોરણ મુજબ કામગીરી થતી ન હોવાનો પણ અહેવાલ આપ્યો છે જયારે પ્રદુષિત પાણીની સમસ્યાનો યોગ્ય ઉકેલ ન આવે તો સીટી ઈજનેર (વોટર રિસોર્સ) સામે કાર્યવાહી કરવાની ચેતવણી કોર્ટ દ્વારા આપવામાં આવી હોવાની વિગતો પણ બહાર આવી છે.
અમદાવાદની સાબરમતી નદીમાં છોડવામાં આવતા કેમીકલ અને એસીડયુક્ત પાણીને રોકવા અને નદીને શુદ્ધ કરવા માટે ઘણા લાંબા સમયથી ગડમથલ ચાલી રહી છે. મ્યુનિ. કોર્પોરેશને આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં ર૦ર૮ સુધીની બ્લ્યુ પ્રીન્ટ સબમીટ કરી છે જેમાં ૧૮૦ એમએલડી પીરાણા અને ર૪૦ એમએલડી વાસણાના પ્લાન્ટ જે જુના પ્લાન્ટ છે તેમને અપગ્રેડ કરવામાં આવશે
તેમજ જુના પીરાણાના ૬૦ એમએલડી અને ૧૦૬ એમએલડી પ્લાન્ટની ક્ષમતા વધારી તેમજ કેમ્પસમાં ર૪૦ એમએલડી ક્ષમતાનો ટર્સરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ તૈયાર કરવામાં આવશે. સાબરમતીના પ્રદુષણ મામલે મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ગુજરાત પ્રદુષણ બોર્ડને પણ જવાબદાર સાબિત કરવાના પ્રયાસ થઈ રહયા હતા પરંતુ તેમાં પણ સફળતા મળી નથી. ગુજરાત પ્રદુષણ બોર્ડ દ્વારા થોડા દિવસ પહેલા જ બહેરામપુરા સીઈટીપીને કલોઝર નોટીસ આપવામાં આવી હતી
જેના કારણે સમગ્ર ચિત્ર બદલાઈ ગયું છે અને હવે કઠેડામાં દોષી તરીકે એક માત્ર કોર્પોરેશન જ ઉભુ રહયું છે. આ ઉપરાંત ગુજરાત પ્રદુષણ બોર્ડ દ્વારા લાંભાના પ એમએલડી, વિઝોંલ-૧૦૦, ૩પ, અને ૭૦ એમએલડી પ્લાન્ટમાં યોગ્ય રીતે ટ્રીટમેન્ટ થતાં નથી તેમજ ડીસ્ચાર્જ સ્ટાન્ડર્ડ મળતા નથી તેવો રિપોર્ટ આપવામાં આવ્યો છે જેના કારણે મ્યુનિ. કોર્પોરેશનની સ્થિતિ વધુ કફોડી બની ગઈ છે. હવે કોર્પોરેશન પાસે એકમાત્ર રસ્તો કડક કાર્યવાહીનો બચ્યો છે જેના માટે પણ તેણે જીપીસીબીની મદદ લેવાની રહેશે.
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા અલગ અલગ સીઈટીપીમાંથી છોડવામાં આવતા પ્રદુષિત પાણી અને ગેરકાયદેસર કનેકશન મામલે કડક કાર્યવાહી કરવામાં આવશે જેના માટે જીપીસીબી પાસેથી તમામ ફેકટરીઓની યાદી તંત્ર દ્વારા લેવાશે. આ ઉપરાંત મ્યુનિ. કોર્પોરેશન, પોલીસ, જીપીસીબી અને ટોરેન્ટ પાવરની એક સંયુક્ત ટાસ્કફોર્સ રચના કરવામાં આવશે. આ ટાસ્કફોર્સ કોર્પોરેશન દ્વારા સબમીટ કરવામાં આવેલ બ્લ્યુ પ્રિન્ટ મુજબ કામ થાય છે કે કેમ તેની ચકાસણી કરશે
તેમજ ગેરકાયદેસર જોડાણ કાપવામાં આવ્યા છે કે નહી તે અંગેનો પણ રિપોર્ટ તૈયાર કરશે. મ્યુનિ. કોર્પો. દ્વારા દર મહિનાની ૭ તારીખે આ રિપોર્ટ હાઈકોર્ટમાં સબમીટ કરવામાં આવશે જેનું ક્રોસ વેરીફિકેશન જીપીસીબીના અધિકારીઓ કરશે. આ ઉપરાંત મ્યુનિ. કોર્પો.ના વિવિધ એસટીપીમાંથી નદીમાં બાયપાસ થતાં પ્રદુષિત પાણી મામલેની યોગ્ય પોલીસી પણ નકકી કરવામાં આવશે.
મ્યુનિ. કોર્પોરેશન નદીના પ્રદુષણને રોકવામાં નિષ્ફળ સાબિત થઈ રહી છે તંત્ર દ્વારા વારંવાર કોર્ટ સમક્ષ એફીડેવીટ રજુ કરવામાં આવે છે પરંતુ યોગ્ય પગલાં લેવામાં આવતા નથી તેથી એફીડેવીટ મુજબ કાર્યવાહી નહીં થાય તો સીટી ઈજનેર (વોટર રિસોર્સ મેનેજમેન્ટ) સામે પણ કોર્ટ કાર્યવાહી કરી શકે છે.
મ્યુનિ. કોર્પોરેશન દ્વારા કોર્ટમાં જે એફિડેવીટ રજુ કરવામાં આવે છે તેમાં કમિશ્નરની સહી હોય છે જેના સ્થાને સીટી ઈજનેરની સહી કરવા માટે કોર્ટ સમક્ષ દરખાસ્ત કરવામાં આવી હતી જેનો સ્વીકાર કોર્ટે કર્યો નથી તેમ સુત્રોએ વધુમાં જણાવ્યું છે.