સુરતના વેપારીને ફસાવી મુંબઈ પોલીસના નામે ૨૩ લાખ ખંખેરનારા ચાર ભેજાબાજ પકડાયા
સુરત, સુરતના ચાર ભેજાબાજોએ ટૂંકા રસ્તે રૂપિયા કમાવા માટે મોટો કારસો રચ્યો હતો. વોટ્સઅપ કોલ કરીને વેપારીને ધમકી આપી હતી કે, મુંબઈ એરપોર્ટ ઉપર કસ્ટમ વિભાગે તમારા પાર્સલમાંથી ડ્રગ્સ સહિત પ્રતિબંધિત સામાન સિઝ્ડ કર્યો છે.
મુંબઈ ક્રાઇમ બ્રાંચના નામે આ ટોળકીએ ભટારના વેપારી દક્ષેશ પારેખ પાસેથી ૨૩.૩૦ લાખ પડાવ્યા હતા. આ ગુનામાં સાઇબર ક્રાઇમે મોટા વરાછામાંથી વિદેશના પાર્સલ મોકલવાનો ધંધો કરતાં શખ્સ સહિત ચારને ઝડપી પાડ્યા હતાં.
પોલીસનું કહેવું હતું કે, ભટારના એક વેપારી દક્ષેશ પારેખે મોટાવરાછાની એક કુરિયર કંપની કે જે વિદેશમાં પાર્સલ મોકલવાનું કામ કરે છે, તેના મારફતે વિદેશમાં એક પાર્સલ મોકલ્યુ હતું. એટલે, આ કુરિયરમાં પાર્સલ પેક કરનાર યુવકે અન્ય ત્રણ ભેજાબાજો સાથે મળીને વેપારીને વોટસએપ કોલ કરીને કહ્યું હતું કે, કુરિયર કંપની થકી તમે મોકલેલા પાર્સલમાંથી ગેરકાયદે વસ્તુઓ મળી છે.
મુંબઈ એરપોર્ટ ઉપર પાંચ પાસપોર્ટ, ચાર ક્રેડિટ કાર્ડ, એક લેપટોપ, ૨૦૦ ગ્રામ એમડી, એક સાડી અને ચાર કિલો કપડાં કસ્ટમ વિભાગે સિઝ્ડ કર્યા છે.
ફરીથી વોટસઅપ કોલ કરી ડીસીપી બાલસિંગ રાજપુતની ઓળખ આપી હતી. સાથે જ વેપારીનું આઈ. પી. એડ્રેસ અને ટ્રાન્ઝેક્શન આઈડી ચેક કરવા મોટું ટ્રાન્ઝેક્શન કરવા જણાવ્યું હતું. એટલે વેપારીએ ગભરાઈને આઇસીઆઇસીઆઇ બેન્કમાંથી આરોપીના પંજાબ નેશનલ બેંકના એકાઉન્ટમાં ૨૩ લાખ ૩૦ હજાર આરટીજીએસ મારફતે ટ્રાન્સફર કર્યા હતા.
આરોપીઓએ ફરિયાદીને મુંબઈ પોલીસ કમિશનરની ખોટી સહી સિક્કાવાળા બનાવટી દસ્તાવેજો પણ મોકલ્યા હતા. સીબીઆઇના નામે કન્સેન્ટ ટુ ટર્મ્સ ઓફ કોનફિડેન્શિયલ એગ્રીમેન્ટ નામની બનાવટી નોટિસ પણ આપી હતી.
વેપારીને ડીસીપી સાયબરના ઇન્ચાર્જ અને સીબીઆઇના ઇન્વેસ્ટિંગ યુનિટ તરીકે બાલસિંગ રાજપુતના નામની નોટિસ મોકલી હતી. પકડાયેલા આરોપીએ સાથે કેટલા લોકો જોડાયેલા છે અને કઈ રીતે ડોક્યુમેન્ટ બનાવતા હતા. તેની તપાસ શરૂ કરી છે.SS1MS