બોલો લ્યો,મતદાન માટે કાર્યકર્તાઓએ મતદારની યાત્રાની ટિકિટ રદ્દ કરાવી?
ગાંધીનગર, જરાય સાચું માનવાનું મન થાય એવા અને વ્યવહારમાં બન્યા હોવાનું મનાતા એક સમાચાર એ મળ્યા છે કે એક પક્ષના સક્રિય આગેવાનની રાહબરી તળે નિષ્ઠાવાન કાર્યકર્તાઓનું એક જુથ પક્ષના ઉમેદવારનાં પ્રચાર અર્થે એક સંયુક્ત કુટુંબ ધરાવતા પરિવારના નિવાસસ્થાને પહોંચ્યું અને પક્ષના ઉમેદવારને મત આપવા વિનંતી કરી. the workers canceled the voter’s travel ticket for voting?
પરિવારના સર્વોચ્ચ વડીલે જણાવ્યું કે ચૂંટણીનાં દિવસે અમે યાત્રા-પ્રવાસે છીએ.પક્ષ માટે નિશ્ચિત ગણી શકાય તેવા સાત મતની તાકાત ધરાવતા કુટુંબના સભ્યોની ખોટથી કાર્યકર્તાઓ નિરાશા થયા અને સૂચિત પ્રવાસ રદ્દ કરવા સદરહુ કુંટુંબને વિનંતી કરી.
કુટુંબના વડાએ લાચારી વ્યક્ત કરતા કરતા કહ્યું કે ટિકિટ કન્ફર્મ છે અને રદ્દ કરાવીએ તો આશરે પંદર વીસ હજાર રૂપિયા એળે જાય.
આ સાંભળીને કાર્યકર્તાઓએ ઓફર કરી કે એ આર્થિક નુકસાન અમે ભરપાઈ કરી દેશું.તમે ટિકિટ રદ્દ કરાવી દો અને મતદાન કરો! આ સાંભળીને કુટુંબના સર્વોચ્ચ વડા આશ્ચર્યચકિત થઈ ગયા અને વિચારવા માટે થોડો સમય માંગ્યો,મુદત લીધી.
થોડા સમય પછી ખરેખર એવું બન્યું હોવાનું કહેવાય છે કે સદરહુ કુટુંબે ટિકિટ રદ્દ કરાવી દીધી! અહીં પોતાના નેતાને વિક્રમી બહુમતીથી જીતાડવા માટે કમર કસતા પક્ષના કાર્યકર્તાઓની નિષ્ઠા તો બેનમૂન ગણાય જ પણ સાથે સાથે કેન્દ્રિય ચૂંટણી પંચનું સુત્ર આઈએ,મતદાન સુગમ બનાયેં પણ જરા જુદી રીતે યાદ આવે હોં!
UPSC પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારોમાં મૂળ ગુજરાતીઓ કેટલાં છે?
યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા ગત વર્ષે લેવાયેલી પરીક્ષાનું પરિણામ તા.૧૬ એપ્રિલના દિવસે જાહેર થયું.તેમાં ગુજરાતના ૨૬ ઉમેદવારો પસંદગી પામ્યા છે. આમાંથી ૨૫ ઉમેદવારોએ ગુજરાત સરકારના અમદાવાદ સ્થિત સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન (સ્પીપા)માં વિનામૂલ્યે તાલીમ મેળવીને આ સફળતા પ્રાપ્ત કરી છે અને એ બદલ રાજ્યના મુખ્યમંત્રીએ સફળ થયેલા તમામ ઉમેદવારોને અભિનંદન પણ પાઠવી દીધા છે.
જ્યારે એક મહિલા ઉમેદવાર ગરિમા મુન્દ્રા જાતે તૈયારી કરીને ટોપ ૧૦૦ રેન્કિંગમાં આવી છે.અહીં એક મુદ્દો એવો ઊભો થાય છે કે ગુજરાત સરકાર દ્વારા વિનામૂલ્યે મળતી તાલીમનો લાભ લઈ પસંદ થયેલા ઉમેદવારોમાં મૂળ(તળના) ગુજરાતીઓ કેટલાં?તેનો જવાબ એવો આવે છે કે સફળ ઉમેદવારોમાં મૂળ ગુજરાતી યુવાનો લગભગ પચાસ ટકા માંડ છે!
આ આકલન સફળ ઉમેદવારોની યાદીમાં સમાવિષ્ટ નામ જોઈને કર્યુ છે.વળી સ્પીપાની તાલીમ મેળવીને પ્રથમ ૧૦૦માં પસંદગી પામેલાઓની યાદીમાં સામેલ થયેલા ઉમેદવારો પૈકી વિષ્ણુ શશીકુમાર,અંજલિ ઠાકુર, અતુલ ત્યાગી પણ મૂળ ગુજરાતી નથી.આ રીતે જોઈએ તો સફળ થયેલા ૨૫ ઉમેદવારોમાંથી અડધોઅડધ ઉમેદવારો એકંદરે નોન ગુજરાતી છે.આનો અર્થ એ થાય કે ગુજરાત સરકારની સુંદર અને લાભદાયી યોજનાનો લાભ રાજ્યના યુવાનો કરતા અન્ય રાજ્યના યુવાનો વધુ ઉઠાવે છે એ નક્કી હોં!
શું પ્રદીપસિંહ વાઘેલાનો રાજકિય સંન્યાસ સમાપ્ત થવાની તૈયારીમાં છે?
ભા.જ.પ.ના પ્રદેશ મહામંત્રી પદે જેમનું રાજીનામું ફરજિયાત લઈ લેવામાં આવ્યું હતું એ પ્રદીપસિંહ વાઘેલાનો રાજકિય સંન્યાસ શું સમાપ્ત થવાની તૈયારીમાં છે? આવો પ્રશ્ન ભા.જ.પ.ના અનેક આગેવાનોને તા.૧૮મી એપ્રિલે થયો.વાત જાણે એમ હતી કે કેન્દ્રીય ગૃહ મંત્રી અને લોકસભાની ગાંધીનગર બેઠકના ઉમેદવાર અમિત શાહનો એક રોડ શો તા.૧૮મીએ યોજાયો હતો.
આ રોડ શો અમદાવાદ નજીકના સાણંદમાં પહોંચ્યો ત્યારે ત્યાં અન્ય નેતાઓની સાથે પ્રદીપસિંહ વાઘેલા પણ હાજર હતા.પ્રદીપસિંહ વાઘેલા અમિત શાહનાં દીકરા જય શાહની લગોલગ ચાલતા પણ દેખાયા હતા.અત્યાર સુધી અજ્ઞાતવાસ ભોગવતા પ્રદીપસિંહને અભેરાઈ પરથી ઉતારીને તેમનું જ્યાં ભરપૂર વર્ચસ્વ છે એ સાણંદ વિસ્તારમાં તેમને હાજર રાખીને ભા.જ.પ.એ પોતાની આગવી વ્યૂહરચના તો સુપેરે પાર પાડી દીધી એતો નક્કી છે.
પરંતુ નજરે જોનારાઓ એવું કહે છે કે વાઘેલાના મોઢા પર આગાઉ જેવું નૂર દેખાતું નહોતું.તેનુ કારણ એ પણ હોઇ શકે કે વાઘેલાના મનમાં એ ચિંતા પેઠી હશે કે આ પક્ષનાં હાંસિયામાંથી નીકળવાનું કામચલાઉ છે કે પછી કાયમી છે?ભા.જ.પ. જેવા શિસ્તબદ્ધ પક્ષમાં આવી દ્વિધા ગમે તે કક્ષાના નેતાને ગમે ત્યારે થાય હોં!
ભા.જ.પ.માં હવે કોંગ્રેસ કલ્ચરલ શું પૂરેપૂરૂ ઘુસી ગયું છે?
ગુજરાત કોંગ્રેસ પક્ષમાં એક જમાનામાં સ્ટેજ પર ખુરશીઓ રખાતી નહોતી.કારણ કે કોંગ્રેસનો નાનોમોટો દરેક નેતા સ્ટેજ પર બેસવાનો આગ્રહ રાખતો એટલે સ્ટેજ પર ગાદલા નાખીને બધા નેતાઓને સ્ટેજ બેસાડવામાં આવતા. સામે છેડે ભા.જ.પ.માં સ્થિતિ અલગ હતી.ત્યાં શિસ્ત હતી.સ્ટેજ પર બેસનારા અપેક્ષિતોની યાદી બનતી અને એ અનુસાર જ નેતાઓ સ્ટેજ પર જતા.બાકીના સૌ પ્રક્ષાગાર માં ગોઠવાતા.
પરંતુ હમણાં એક વરવું દ્રશ્ય રાજકોટ ખાતેની ભા.જ.પ.ની વિજ્ય સંકલ્પ રેલીની પ્રચાર સભામાં દેખાયુ.વાત જાણે એમ બની કે રૂપાલાના પ્રચાર માટે યોજાયેલી સભામાં સ્ટેજ પર ખુરશીને બદલે ગાદલા નંખાયેલા અને સૌ નેતાઓ ત્યાં હકડેઠઠ ગોઠવાઇ ગયા.
એ દરમિયાન ધારાસભ્ય જિતુ સોમાણી આવ્યા અને બેસવાની જગ્યા શોધવા લાગ્યા એ વખતે જ આગલી હરોળમાં બેઠેલા ભરત બોઘરા બોલવા ઊભા થયા એટલે જિતુ સોમાણી એ સ્થાને બેસવા ગયા તો
ત્યાં બેઠેલા રાજ્ય સભાના સભ્ય રામ મોકરિયાએ પહોળા થઈને ખાલી પડેલી જગ્યા રોકી લીધી.
બીચારા સોમાણી થોડીવાર મુંઝાયા અને પછી બીજી હરોળમાં ગોઠવાઇ ગયા!આ બધું રાજકીય રીતે પૂરેપૂરા પરીપકવ એવા પુરૂષોત્તમ રૂપાલાએ જોયું એટલે તેઓએ જિતુ સોમાણીને બોલાવીને પોતાની બાજુમાં બેસાડી દીધા.ટૂંકમાં ભા.જ.પ.માં પણ હવે નિષ્ઠાવાન કાર્યકર્તાઓ કરતા સ્ટેજ પ્રેમી નેતાઓની સંખ્યા વધવા માંડી છે હોં!
ભા.જ.પ.ના પંચમહાલ બેઠકના લોકસભાના ઉમેદવારનો તથાકથિત ઓડિયો વાયરલ થયો!
આગામી લોકસભાની ચૂંટણી માટે ગુજરાત ભા.જ.પ.દ્વારા પંચમહાલ બેઠકના ઉમેદવાર તરીકે પસંદ કરાયેલા ઉમેદવાર રાજપાલસિંહ જાદવનો તેમના કહેવાતા વફાદાર સાથી સાથે ટેલિફોન પર વાતચીત કરતા હોય તેવો તથાકથિત ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સતત ફરતા રહેલા ઓડિયોમાં રાજપાલસિંહ જાદવ જ ઘણું બધું બોલ્યા છે
અને સામેનું પાત્ર (કે જેનું નામ મનીષ ગાંધી છે એ) માત્ર હોંકારો જ ભણે છે અને એકાદ ટૂંકુ વાક્ય બોલે છે.આ ઓડિયોમાં રાજપાલસિંહ જાદવ ખૂબ ગંદી ગાળો બોલતા સંભળાયા છે.લોકો જેને ‘સાંભળીએ તો કાનનાં કીડા પણ ખરી પડે’ એવી ગંદી ભાષા તરીકે નવાજે છે તેવી અભદ્ર અને સાવ નીચલી કક્ષાની ગાળો જાદવના મોઢામાંથી નીકળતી સંભાળાય છે.
આ ઓડિયો સાચો છે કે ખોટો છે તેની કોઈ ખરાઈ કરવામાં નથી આવી પણ જો આ ઓડિયોમાં સંભળાતી વાતચીત સાચી સાચી હોય તો ભા.જ.પ.જેવા સંસ્કારી પક્ષે આવા ઉમેદવાર કેમ પસંદ કર્યા હશે એવો પ્રશ્ન પણ સાંભળનારના મનમાં ચોક્કસ ઊભો થાય તેવો આ ઓડીયો છે હોં!