રામપુરમાં સંપત્તિને નુકસાન કરનાર ૨૮ શખ્સોને ૨૫ લાખ રૂપિયાની વસુલી માટે નોટિસ
રામપુર: નાગરિક સુધારા કાનુનને લઈને હાલમાં ઉત્તરપ્રદેશના જુદા જુદા ભાગોમાં વ્યાપક હિંસા થઈ ચુકી છે. જેના પરિણામ સ્વરૂપે લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી ચુક્યા છે. ગયા સપ્તાહમાં નાગરિક કાનુનને લઈને વિરોધ પ્રદર્શનમાં વ્યાપક હિંસા થઈ હતી. ઉત્તરપ્રદેશ સરકારે હવે તોફાની તત્વોને ઓળખી કાઢીને કાર્યવાહી કરવાની શરૂઆત કરી દીધી છે. આના ભાગરૂપે રામપુર વહીવટી તંત્રએ ઓળખી કાઢેલા ૨૮ લોકોને નોટિસ ફટકારી દીધી છે. જાહેર સંપત્તિ અને ખાનગી સંપત્તિને નુકસાન કેમ પહોંચડવામાં આવ્યું છે તે અંગે ખુલાસો કરવા માટે તંત્રને કહેવામાં આવી ચુક્યુ છે.
અધિકારીઓએ આજે વિગત આપતા કહ્યું હતું કે, ૨૫ લાખ રૂપિયાના નુકસાન બાદ આ નોટિસો જારી કરવામાં આવી છે. પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા નોટિસ જારી કરવામાં આવી છે. પોલીસે શરૂઆતમાં કહ્યું હતું કે, નુકસાન ૧૫ લાખ રૂપિયાનું છે પરંતુ મોડેથી સમિક્ષા કરવામાં આવ્યા બાદ નુકસાનનો આંકડો ૨૫ લાખ રૂપિયાનો રહ્યો છે. જિલ્લા મેજિસ્ટ્રેટના કહેવા મુજબ દેખાવ દરમિયાન હિંસા માટે ઓળખી કાઢવામાં આવેલા ૨૮ લોકોને નોટિસ જારી કરવામાં આવી છે.
તેમની સામે સંપત્તિની નુકસાન પહોંચાડવા બદલ પગલા કેમ લેવા જાઈએ નહીં તેને લઈને નોટિસ જારી કરવામાં આવી છે. સાત દિવસમાં જવાબ આપવો પડશે. જવાબ આપવામાં નિષ્ફળ રહેનાર તોફાની તત્વો સામે જાહેર અને ખાનગી સંપત્તિને નુકસાન પહોંચાડવા બદલ કાર્યવાહી કરવામાં આવશે. હિંસા દરમિયાન શનિવારના દિવસે જ એકનું મોત થયું હતું. કેટલાક લોકો ઘાયલ થયા હતા. ઉત્તરપ્રદેશમાં રામપુર હિંસાના સંદર્ભમાં ૩૩ લોકોની ધરપકડ કરવામાં આવી છે.