કોંગ્રેસના ઉમેદવાર રેલી સાથે ટ્રેકટર ચલાવી ફોર્મ ભરવા પહોંચ્યા
હિરાનગર ચોકમાં સભામાં કોંગ્રેસના આગેવાનો-કાર્યકરો જોડાયા
મહેસાણા, મહેસાણા લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર રામજીભાઈ ઠાકોરે ફોર્મ ભરવાના અંતિમ દિવસે શુક્રવારે નામાંકન કર્યું હતું. સવારે તરેટી ગામેથી સમર્થકો સાથે ટ્રેકટર ચલાવીને મહાદેવના દર્શન કરી મહેસાણાના હિરાનગર ચોકમાં જન આશીર્વાદ સભામાં પહોંચ્યા હતા અને ત્યાંથી રેલી સ્વરૂપે કલેકટર કચેરીએ પહોંચી ઉમેદવારી નોંધાવી હતી.
હિરાનગર ચોકમાં યોજાયેલી સભામાં ધારાસભ્ય શૈલેષ પરમાર, પ્રભારી હિંમાશુ પટેલ, ગીતાબેન પટેલ, પૂર્વ સાંસદ અમીબેન યાજ્ઞિક, અલકાબેન ક્ષત્રિય, ધારાસભ્યો બળદેવજી ઠાકોર, દિનેશજી ઠાકોર, પૂર્વ ધારાસભ્યો રઘુભાઈ દેસાઈ, બાબુજી ઠાકોર, પૂર્વ મંત્રી કિરીટ પટેલ, લઘુમતી સેલના વજીરખાન પઠાણ, જિલ્લા પ્રમુખ હસમુખભાઈ ચૌધરી, પૂર્વ પ્રમુખો, વિજાપુરના ઉમેદવાર દિનેશ પટેલ, પ્રદેશ મહામંત્રીઓ સહિત હોદ્દેદારો, કાર્યકરો અને સમર્થકો મોટી સંખ્યામાં જોડાયા હતા.
કોંગ્રેસના આગેવાનોએ મોંઘવારી, તાનાશાહી, ભ્રષ્ટાચાર વગેરે મુદ્દે ભાજપના શાસક સામે આક્ષેપો કર્યા હતા અને આ ચૂંટણીને લોકશાહી બચાવવાની છેલ્લી તક ગણાવી રામજીભાઈ સહિત કોંગ્રેસના ઉમેદવારોને મત આપી વિજયી બનાવવા હાકલ કરી હતી. ક્ષત્રિય ઠાકોર સમાજમાંથી આવતા ખેડૂત પુત્ર રામજીભાઈ ઠાકોરે સભા સમક્ષ પાઘડી ઉતારીને તમામ સમાજના મતદારોને મત આપીને તેમને વિજયી બનાવી પાઘડીની લાજ રાખવાની અપીલ કરી હતી.
સભાસ્થળેથી પણ રામજીભાઈ ટ્રેકટર ચલાવીને સમર્થકોની પગપાળા રેલી સાથે કલેકટર કચેરીએ પહોંચ્યા હતા અને ઉમેદવારી પત્ર રજૂ કર્યું હતું. કોંગ્રેસમાંથી ડમી ઉમેદવાર તરીકે પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોરે ફોર્મ ભર્યું હતું. પાલિકાના વિપક્ષ નેતા કમલેશ સુતરિયા તેમજ પાલિકાના પૂર્વ પ્રમુખ ઘનશ્યામ સોલંકીએ રામજીભાઈની ઉમેદવારી માટે ડિપોઝીટ ભરવામાં નાણાંકીય સહયોગ આપ્યો હતો.
ઉમેદવારી પત્ર રજૂ કર્યા બાદ રામજીભાઈ ઠાકોરે જનતાના આશીર્વાદથી એક લાખથી વધુ મતની લીડ સાથે જીતવાનો વિશ્વાસ વ્યકત કર્યો હતો.