યુવતીએ યુવકને ઘરે બોલાવી કપડાં ઉતરાવીને ફોટા પાડી વાયરલ કરવાની ધમકી આપી 25 લાખ પડાવ્યા
રપ લાખ માગનારી બે યુવતિ સહિત ચાર ઝબ્બે-રાજકોટના યુવકને હનીટ્રેપમાં ફસાવ્યો હતો
રાજકોટ, રાજકોટના યુવકને હનીટ્રેપમાં ફસાવીને રૂપિયા રપ લાખ પડાવી લેવાના ગુનાઈત ષડયંત્રમાં પોલીસે બે યુવતિઓ તથા બે યુવકની ધરપકડ કરી છે.
જૂનાગઢની એક યુવતિએ રાજકોટમાં કન્સ્ટ્રકશનના ધંધાર્થીને ફોન કરી જૂનાગઢ બોલાવ્યો હતો જયાં રૂમમાં લઈ ગઈ હતી.
બાદમાં તુરંત યુવતીના માતા, ભાઈ અને મિત્રએ આવી નગ્ન ફોટા પાડી બેટ વડે માર મારીને દુષ્કર્મ કેસમાં ફસાવી દેવાની ધમકી આપી સોનાની વીંટી કાઢી લીધીહતી. એટલું જ નહી. રૂ.૭ લાખ સમાધાનના માંગ્યા હતા. યુવતિની માતા હોવાનો દાવો કરનાર મહિલાએ આવી રૂ.રપ લાખ માંગ્યા હતા. આ ટોળકીની ચુંગાલમાંથી છૂટેલા રાજકોટ જાગનાથ પ્લોટમાં રહેતા અને કન્સ્ટ્રકશનનું કામ કરતા ૩૮ વર્ષીય યુવકે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
જેમાં તેણે જણાવ્યું હતું કે, તા.૮ એપ્રિલના ગુંદાવાડી સાઈટ પર હતો ત્યારે અજાણ્યા નંબર પરથી ફોન આવતા ઉપાડયો ન હતો. બાદમાં આ નંબર ઉપર ફોન કરતા સામે કોઈક મહિલા બોલતી હતી તેણે ભુલથી ફોન લાગી ગયાનું જણાવી પુછપરછ કરી હતી. આ સાથે યુવતિએ પોતાનું નામ રૂહી હોવાનું અને જૂનાગઢમાં એક બાઈકના શો રૂમમાં નોકરી કરતી હોવાનું જણાવ્યું હતું. પછી બંને વચ્ચે ફોન પર મિત્રતા બંધાઈ હતી.
એ પછી યુવક તા.૧૧ એપ્રિલે રૂહીને મળવા બોલાવતા યુવક રાજકોટથી બસમાં જૂનાગઢ જવા માટે નીકળી ગયો હતો. જે બાદ જૂનાગઢના મજેવડી દરવાજાએ યુવક ઉતર્યો ત્યારે રૂહી તેને કારમાં લેવા આવી હતી. રૂહી યુવકને જોષીપરાના સુભાષનગરમાં લઈ ગઈ હતી. જયાં યુવતિએ યુવકનો શર્ટ ઉતારી, તેના કપડા કાઢયા હતા યુવક કંઈપણ સમજે તે પહેલા જ ત્યાં બે અજાણ્યા શખસ આવી પહોંચ્યા હતા.
અજાણ્યા શખસો પૈકી એક શખસે કહ્યું કે, રૂહી મારા મિત્રની બહેન છે અને મારૂ નામ રવિ છે જયારે બીજાએ પોતે જયસુખ રબારી હોવાનું જણાવ્યું હતું. દરમિયાન અન્ય એક શખસ સાગર રૂહીનો ભાઈ હોવાનું કહેનાર બેટ લઈને આવ્યો હતો અને કહ્યું હતું કે, મારી બહેન સાથે શું અજુગતું કર્યું? તારી સામે દુષ્કર્મનો કેસ થશે. સમાધાન કરવું હોય તો રૂ.૧૦ હજાર આપવાની વાત કરી હતી.
રવિએ રૂ.૭ લાખની માંગણી કરી બધુ પુરૂ કરાવી દેવા જણાવ્યું હતું. આ વચ્ચે ત્યાં એક મોટી ઉંમરની મહિલા આવી પહોંચી હતી અને તેણે પોતાનું નામ મંજુલા હોવાનું જણાવ્યું હતું તેણીએ રપ લાખ આપવા પડશે, તેમ જણાવ્યું હતું. આ સાથે જ તેણે ૭ લાખ સોમવારે બાકીના ૩ માસ પછી આપવાનું નકકી લખાણ કરાવી લીધુ હતું.
આ મામલે પોલીસે યુવકની ફરિયાદ પરથી બે યુવતિ તથા બે યુવકની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.