12 યુનિવર્સિટીઓ સાથે અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્રએ ‘મતદાર જાગૃતિ’ અંગે MoU કર્યા
200થી વધુ શૈક્ષણિક સંસ્થાઓમાં ‘મતદાન જાગૃતિ‘ અંગે કાર્યક્રમ યોજાયા-પ્રથમ વખત મતદાન કરનાર યુવા મતદારોમાં જાગૃતિ લાવવા અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્ર સતત કાર્યરત
યુવાનોમાં મતદાન અંગે જાગૃતિ લાવવા તથા પ્રથમ વાર મતદાન કરનાર યુવા મતદારો અચૂક મતદાન કરે તેવા હેતુથી અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સ્વીપ એક્ટિવિટી અંતર્ગત અનેક યુનિવર્સિટીઓ તથા શૈક્ષણિક સંસ્થાઓમાં ‘મતદાન જાગૃતિ’ અંગેના વિવિધ કાર્યક્રમ યોજાય છે.
અમદાવાદ જિલ્લામાં અત્યાર સુધીમાં 1 લાખથી વધુ યુવા મતદારો અચૂક મતદાનના શપથ લઈ ચૂક્યા છે, જેમાં મોટાભાગના યુવાનો ફર્સ્ટ ટાઈમ વોટર્સ છે.
અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા 12 યુનિવર્સિટીઓ સાથે ‘મતદાર જાગૃતિ’ અંગે MoU કરાયા છે. જિલ્લાની 200થી વધુ શૈક્ષણિક સંસ્થાઓમાં ‘મતદાન જાગૃતિ’ અંગે કાર્યક્રમ યોજવામાં આવ્યા છે.
અમદાવાદ શહેર તથા જિલ્લાના વધુમાં વધુ યુવાનો તથા પ્રથમ વખત મતદાન કરનાર યુવા મતદારો અચૂક મતદાન કરે તે દિશામાં અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્ર સતત કાર્યરત છે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સ્વીપ એક્ટિવિટી અંતર્ગત 12 જેટલી યુનિવર્સિટીઓ સાથે ‘મતદાન જાગૃતિ’ અંગેના MoU કરવામાં આવ્યા છે. આ ઉપરાંત શહેરની 200થી વધુ શૈક્ષણિક સંસ્થાઓ, કોલેજો અને ભવનોમાં પણ ‘મતદાન જાગૃતિ’ અભિયાન અંતર્ગત અનેક પ્રકારના વિશિષ્ટ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. કેમ્પ એટ કૅમ્પસ જેવા કાર્યક્રમોમાં હજારો યુવાનો સહભાગી થયા છે.
જિલ્લા ચૂંટણી તંત્રએ ‘મતદાન જાગૃતિ’ અભિયાનને વેગવંતુ બનાવવા માટે 12 યુનિવર્સિટીઓ જેમ કે, ગુજરાત યુનિવર્સિટી, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી, ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, સિલ્વર ઓક યુનિવર્સિટી, રાય યુનિવર્સિટી, સાબરમતી યુનિવર્સિટી, શ્રેયાર્થ યુનિવર્સિટી, લકુલીશ યોગ યુનિવર્સિટી, કૌશલ્ય – ધ સ્કીલ યુનિવર્સિટી, અનંત નેશનલ યુનિવર્સિટી, જેજી યુનિવર્સિટી, અદાણી યુનિવર્સિટી વગેરે યુનિવર્સિટીઓ સાથે MoU કર્યા છે. આ ઉપરાંત 200થી વધુ શૈક્ષણિક સંસ્થાઓ, કોલેજો અને વિવિધ યુનિવર્સિટીઓના ભવનોમાં ‘મતદાન જાગૃતિ’ અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમ યોજાઈ ચૂક્યા છે.
‘મતદાન જાગૃતિ’ અભિયાન અન્વયે સ્વીપ એક્ટિવિટી અંતર્ગત જિલ્લા ચૂંટણી તંત્રના વિવિધ નોડલ ઓફિસર અને તેમની ટીમ દ્વારા વિવિધ કોલેજોમાં અનોખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ‘મતદાન જાગૃતિ’ અંગે રેલી, વક્તવ્ય સ્પર્ધા, રંગોળી સ્પર્ધા, જાહેર સ્થળો પર બેનર સાથે સૂત્રોચ્ચાર, ઓરીએન્ટેશન પ્રોગ્રામ, મતદાનના શપથ, ડોર ટુ ડોર પ્રચાર, સિગ્નેચર કેમ્પેઇન, પ્રભાત ફેરી જેવા અનેક કાર્યક્રમો થકી નાગરિકોને મતદાન માટે પ્રોત્સાહિત કરાયા હતા.
આ ઉપરાંત અમદાવાદ શહેરનાં અનેક આઇકોનિક સ્થળો જેવાંકે, અટલ બ્રિજ, એરપોર્ટ રોડ, કાંકરિયા તળાવ, હેપી સ્ટ્રીટ, લૉ ગાર્ડન, રિવરફ્રન્ટ, મેટ્રો ટ્રેન અને બસ સ્ટેશન, જેવાં જાહેર સ્થળો પર પણ ‘મતદાન જાગૃતિ’ અભિયાનનો નારો બુલંદ કર્યો હતો.
અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્ર ‘મતદાન જાગૃતિ’ના કાર્યક્રમો થકી યુવાનોને દેશહિતમાં અચૂક મતદાન કરવા માટે પ્રોત્સાહિત કરે છે ત્યારે આ તમામ યુનિવર્સિટીઓ અને કોલેજોના 1લાખથી વધુ યુવાનોએ અચૂક મતદાનના શપથ લીધા હતા, એ એક નોંધપાત્ર સિદ્ધિ ગણી શકાય.