પાંચના બદલે બે GST સ્લેબ મામલે સક્રિય વિચારણા
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)ના પાંચ સ્લેબને ઘટાડીને બે સ્લેબ કરવાની ભલામણ પર વિચારણા કરી શકે છે. આ સંદર્ભમાં ભલામણ મળ્યા બાદ આ દિશામાં વિચારણા ચાલી રહી છે. સાથે સાથે તે ઇનવર્ટેડ ડ્યુટી સ્ટ્રક્ચર સાથે જાડાયેલી ખામીઓને દુર કરવા ઉપર પણ કામ કરી શકે છે.
આ સિસ્ટમને વધુ સરળ બનાવવાના પાસા ઉપર ચર્ચા ચાલી રહી છે. વસુલાતમાં થઈ રહેલા ઘટાડાને પહોંચી વળવા માટે પહેલ કરવામાં આવી રહી છે. મામલા સાથે વાકેફ રહેલા લોકોએ વિગત આપતા કહ્યું છે કે, કેન્દ્ર અને રાજ્યોના અધિકારીઓની એક કમિટીએ જીએસટી રેવેન્યુ વધારાના સંદર્ભમાં આ પ્રકારના સુચના કર્યા છે. રજુઆત મુજબ વર્તમાન નાણાંકીય વર્ષમાં ગાળા દરમિયાન જીએસટી વસુલાતમાં ૬૩૨૦૦ કરોડ રૂપિયા સુધીનો ઘટાડો રહી શકે છે. નાણાકીય વર્ષ ૨૦૨૧ સુધી તેમા ૨ લાખ કરોડ રૂપિયા સુધીનો ઘટાડો થઈ શકે છે. આવી સ્થિતિમાં કમિટીએ ૧૦ ટકા અને ૨૦ ટકાના બે સ્લેબ્સ રાખવા માટેની ભલામણ કરી છે.
આ ઉપરાંત પેનલે કહ્યું છે કે, કેટલીક વસ્તુઓને ૧૮ ટકાના સ્લેબમાંથી ૨૮ ટકાના સ્લેબમાં પરત મુકવામાં આવી શકે છે. કમિટીએ બેંગલોરમાં બિહારના નાયબ મુખ્યમંત્રી સુશીલ મોદી સમક્ષ રજુઆતમાં આ મુજબની વાત કરી હતી. જીએસટી કાઉન્સિલની હાલમાં બેઠક મળી હતી જેમાં સુશીલ મોદી સમક્ષ રેવેન્યુ વધારવાના વિકલ્પ ઉપર વિચારણા કરવા કહેવામાં આવ્યું હતું. બિહારના નાણામંત્રી અને ઈન્ટીગ્રેટેડ ગુડ્સ અને સર્વિસ ટેક્સ પર મંત્રીઓના ગ્રુપના અધ્યક્ષ મોદીએ રેટ સ્ટ્રક્ચરમાં ફેરફારની શક્યતાને ફગાવી દીધી હતી.
મોદીએ કહ્યું હતું કે, કોઈ રાજ્ય અથવા તો કેન્દ્ર સરકાર ટેક્સ રેટમાં ફેરફાર કરવા માટે તૈયાર નથી. કમિટીએ ૨૩ વસ્તુઓનો ઉલ્લેખ કરીને ઇનવર્ટેડ ડ્યુટી સ્ટ્રક્ચરમાં ખામીઓને દુર કરવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. આ ખામીઓના કારણે કાચા માલ પર તૈયાર પ્રોડક્ટની સરખામણીમાં વધારે ટેક્સ લાગે છે. મોબાઈલ, ફાર્માસ્યુટિકલ્સ, મૈનમેડ યાર્ન, રેડીમેડ ગારમેંટ્સ, ફર્ટિલાઇજર્સ, ફૈબ્રિક્સ ૫-૧૨ ટકાના સ્લેબમાં આવે છે. તેમના મામલામાં ડ્યુટી સ્ટ્રક્ચર ઇનવર્ટેડ છે. જેના કારણે સરકારને ઈનપુટ ટેક્સ ક્રેડિટ તરીકે ૨૦૦૦૦ કરોડ રૂપિયા રિફન્ટ આપવાની જરૂર પડે છે. કમિટીએ કેટલીક વસ્તુઓ પર જીએસટીને ૨૮ ટકાથી ઘટાડીને ૧૮ ટકા કરવાના સુચન પણ કર્યા છે.