અદાણી, રિલાયન્સ તથા ટાટા ટેલીકોમનો રૂ. 25 કરોડનો પ્રોપર્ટી ટેક્ષ બાકી
ભાડુઆતના બદલે માલિકીના ધોરણે આકારણી કરવામાં આવતા તંત્રને કરોડોનું નુકશાન
(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ‘મોટા કરે લીલા અને નાના કરે તે પાપ’ કહેવત યથાર્થ સાબિત થઈ રહી છે. મ્યુનિ. પ્રોપર્ટી ટેક્ષ વિભાગ દ્વારા રૂ.પ૦૦ કે ૧૦૦૦ની વસુલાત માટે મિલકતો સીલ કરવામાં આવે છે તેમજ માત્ર એક જ વર્ષના લ્હેણા બાકી હોવા છતાં નાગરિકોને નોટીસ આપવી, મિલકત સીલ કરવી, નળ-ગટરના જોડાણ કાપવા જેવી કાર્યવાહી કરવામાં આવે છે.
બીજી તરફ મોટી કંપનીઓ માટે લાલ જાજમ બિછાવવામાં આવી રહી છે. રિલાયન્સ લિમિટેડ, અદાણી ગેસ, અને ટાટા કેમીકલ જેવી કંપનીઓના કરોડો રૂપિયાના ટેક્ષ બાકી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી.
મ્યુનિ. પ્રોપર્ટી ટેક્ષ વિભાગ દ્વારા નાણાંકિય વર્ષ ર૩-ર૪માં ટાર્ગેટ પૂર્ણ કરવા માટે અમાન્ય કહેવાય તેવા વર્તન પણ કરવામાં આવ્યા હતાં અને લગભગ ર લાખ ર૬ હજાર મિલકતો સીલ કરવામાં આવી હતી કેટલાક કરદાતાઓએ વેરો ભરપાઈ કર્યો હોવા છતાં પણ સીલ કરવા કે નોટીસ આપવા જેવા અનેક કિસ્સા પણ બહાર આવ્યા હતાં. પ્રોપર્ટી ટેક્ષ વિભાગની આ તમામ કામગીરી અને દાદાગીરી નાના વહેપારીઓ કે કરદાતાઓ પુરતી જ સીમિત રહે છે
જયારે રિલાયન્સ લિમીટેડ, અદાણી ગેસ લિમિટેડ અને ટાટા ટેલી સર્વિસ માત્ર આ ત્રણ કંપનીઓના જ રૂ.રપ કરોડ રપ લાખનો પ્રોપર્ટી ટેક્ષ બાકી નીકળે છે.
જોકે અદાણી ગેસ લિમિટેડની કોર્ટ મેટર ચાલી રહી હોવાથી ટેક્ષ ભરપાઈ થયો નથી તેમ ઉચ્ચ અધિકારીઓ જણાવે છે. ર૦રર-ર૩ના નાણાંકિય વર્ષમાં આ ટેક્ષની વસુલાત માટે તત્કાલીન રેવન્યુ કમિટી ચેરમેન દ્વારા મોટા મોટા દાવા કરવામાં આવ્યા હતાં
પરંતુ હજી પણ આ રકમની વસુલાતથઈ શકી નથી. શહેરમાં અંડર ગ્રાઉન્ડ યુટીલીટીના ટેક્ષ વસુલાત મામલે તંત્રની પીછેહઠ થઈ છે તે બાબત વધુ એક વખત સાબિત થઈ છે. મોટી કંપનીઓ કોર્પોરેશનની હદમાં ખોદકામ કરી ગેસની લાઈનો કે ટેલીકોમ વાયરો નાંખે છે પરંતુ ત્યારબાદ રોડ રિપેર પણ કરતા નથી.
મ્યુનિ. કોર્પોરેશનના રોડ ખોદીને લાઈનો નાંખવામાં આવતી હોવાથી સામાન્ય નિયમ મુજબ તેમની ગણતરી ભાડુઆત તરીકે થઈ શકે છે પરંતુ આ કિસ્સામાં ટેક્ષ વિભાગ દ્વારા આ તમામ લોકોને માલિક તરીકે દર્શાવી વધુ એક કૌભાંડ કરવામાં આવ્યું હોવાની ચર્ચા ચાલી રહી છે.