Western Times News

Gujarati News

ઝઘડિયા GIDCમાં માલવાહક ટેમ્પો દ્વારા કામદારો જોખમી મુસાફરી કરવા મજબૂર

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) વિતેલા બે દાયકાઓ દરમ્યાન ભરૂચ જિલ્લાએ ઔદ્યોગિક વિકાસની બાબતે હરણફાળ ભરી છે.જિલ્લાના વિવિધ વિસ્તારોની જેમ ઝઘડિયા ખાતે આવેલ જીઆઇડીસીમાં ઘણી ઔધોગિક કંપનીઓ કાર્યરત છે.

જીઆઈડીસીના ઉધોગોમાં કામ કરતા કામદારો પૈકી મોટાભાગના કામદારો લેબર કોન્ટ્રાક્ટરોના નેજા હેઠળ કામ કરતા હોય છે.લેબર કોન્ટ્રાક્ટમાં કામ કરતા કામદારોને જીઆઈડીસીમાં લઈ જવા લાવવા માટે ઘણા કોન્ટ્રાક્ટરો માલવાહક ટેમ્પો જેવા વાહનોનો ઉપયોગ કરતા હોવાની વાતો બહાર આવી છે.

માલવાહક ટેમ્પો જેવા વાહનોનો ઉપયોગ સામાન્યરીતે માલ સામાનની હેરાફેરી કરવા માટે થતો હોય છે.જ્યારે કામદારોને જીઆઈડીસીમાં લઈ જવા લાવવામાં ટેમ્પો જેવા વાહનોનો ઉપયોગ થાય તે બાબત યોગ્ય તો નાજ ગણાય ! જોકે જીઆઈડીસીમાં લેબર કોન્ટ્રાક્ટમાં કામ કરતા કામદારોની જીંદગીને સસ્તી સમજી બેઠેલા લેબર કોન્ટ્રાક્ટરો, કંપની સંચાલકો,ઈન્ડસ્ટ્રીઝ સેફટી અધિકારીઓ,આરટીઓ ભરૂચને આ વાત કોણ સમજાવશે?

ટેમ્પો જેવા વાહનોમાં કામદારોને કરાવાતી જોખમી મુસાફરી ખુલ્લેઆમ કરાવાતી હોય છે,તેમજ આ બાબત સ્થાનિક પોલીસ તેમજ જીઆઈડીસી કચેરીની નજર સામે જ થતી હોવા છતાં આવા જવાબદારો પણ આંખ આડા કાન કરતા હોય છે. જીઆઈડીસીમાં કાર્યરત ઘણી ઔદ્યોગિક કંપનીઓમાં છાસવારે આગજની, ગેસ ગળતર તેમજ બ્લાસ્ટ જેવી દુર્ઘટનાઓ થાય છે અને આવી દુર્ઘટનાઓ હવે જાણે સામાન્ય બની ગઈ છે.

છાસવારે થતી દુર્ઘટનાઓ પૈકી કેટલીક જીવલેણ પણ બનતી હોય છે તેમાં જીઆઇડીસીમાં કામદારોને લાવવામાં માલવાહક ટેમ્પો જેવા વાહનોનો જોખમી ઉપયોગ કરવામાં આવે છે તે વાત પણ જીઆઈડીસીની અન્ય દુર્ઘટનાઓની જેમ કામદારો માટેતો છેવટે નુકશાનકારક જ ગણાય ! જોકે જીઆઈડીસીના ઉધોગ સંચાલકો, બર કોન્ટ્રાક્ટરો, જીઆઈડીસીના હોદ્દેદારો, ઈન્ડસ્ટ્રીઝ સેફટી અધિકારીઓ, આરટીઓ ભરૂચ તેમજ

સ્થાનિક પોલીસ પણ આ બાબતે મિલીભગતથી ચુપ હોવાથી કોઈ પરિણામ મળતું નથી અને ઘીના ઠામમાં ઘી પાડયું રહેતું હોય એમ જણાય છે. ત્યારે જીઆઇડીસીમાં કામ કરતા સામાન્ય કામદારોની જીંદગીને સસ્તી માની બેઠેલ લેબર કોન્ટ્રાક્ટરો તથા જવાબદાર વહીવટીતંત્રના વિભિગો આ વાત સમજીને કંઈક અસરકારક ભુમિકા અપનાવવા આગળ આવશે ખરા?


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.